લદ્દાખઃ લેહમાં વહેલી સવારે ધણધણી ઉઠી ધરતી, નોંધાયો 4.6ની તીવ્રતાનો ભૂકંપ
- અગાઉ ગત મહિને 21 અને 22 મેના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર
લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.
ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે લદ્દાખની રાજધાની લેહ ખાતે સવારે 6:10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 રહી હતી અને તેનું કેન્દ્ર જમીનથી 18 કિમી અંદર હતું.
અગાઉ ગત મહિને 21 અને 22 મેના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત 22 મેના રોજ કારગિલ પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 21 મેના રોજ લદ્દાખમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપથી કેવી રીતે બચવું?
ભૂકંપનો આંચકો અનુભવાય ત્યારે ડરવાને બદલે સાવધાની અને સંયમ જાળવવા જોઈએ. જો ભૂકંપનો આંચકો અનુભવાય તો સૌથી પહેલા ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાએ જવા પ્રયત્ન કરવો જોઈએ. જો ગલી ખૂબ જ સાંકળી હોય અને બંને બાજુ બહુમાળી ઈમારતો આવેલી હોય તો બહાર નીકળવાથી કોઈ જ ફાયદો નહીં થાય. ત્યારે ઘરમાં જ સુરક્ષિત ઠેકાણે રહેવું જોઈએ. જો ઘરમાંથી બહાર નીકળવામાં ખૂબ જ સમય લાગી શકે તેમ હોય તો ઘરમાં કોઈ રૂમના ખૂણામાં કે કોઈ મજબૂત ફર્નિચર નીચે સંતાઈ જવું જોઈએ. માથાની સાથે-સાથે શરીરના અન્ય સંવેદનશીલ અવયવો પણ બચાવી શકાય તેવો પ્રયત્ન કરવો જોઈએ.
Comments
Post a Comment