જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેક : બે વિસ્ફોટ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૭

પાકિસ્તાન સ્થિત આતંકીઓના જમ્મુ એરપોર્ટ ખાતે એરફોર્સ સ્ટેશન પર સૌપ્રથમ ડ્રોન હુમલાએ જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી સુધીની સલામતી એજન્સીઓની ઊંઘ ઊડાવી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકન પછી વિધાનસભા ચૂંટણી યોજવા માટે કેન્દ્ર સરકારે આઠ મુખ્ય સ્થાનિક પક્ષોના ૧૪ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આવા સમયમાં આતંકીઓએ ડ્રોન હુમલો કરીને ભારત સરકારને આંચકો આપ્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકીઓએ શનિવાર-રવિવારની મોડી રાત્રે ૧.૪૦ વાગ્યે ડ્રોન મારફત એરફોર્સ સ્ટેશન પર છ મિનિટના સમયાંતરે બે બોમ્બ ફેંક્યા હતા. આ હુમલા બદલ એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસની તપાસ એનઆઈએને સોંપાઈ છે. જમ્મુ એરપોર્ટથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદનું હવાઈ અંતર ૧૪ કિ.મી. દૂર હોવાથી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હોવાની આશંકા છે.

જમ્મુ એરપોર્ટ પર શનિવાર-રવિવારની મોડી રાત્રે ૧.૪૦ વાગ્યે છ મિનિટના સમયમાં થયેલા બે વિસ્ફોટોમાં હવાઈ દળના બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જમ્મુના સતવારી વિસ્તારમાં હવાઈદળના હાઈ-સિક્યોરિટી ટેક્નિકલ વિસ્તારમાં પહેલા હુમલામાં એક માળની ઈમારતની છત તૂટી ગઈ હતી જ્યારે બીજો વિસ્ફોટ ખૂલ્લા વિસ્તારમાં થયો હતો. એનઆઈએની એન્ટી-ટેરર તપાસ એજન્સીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના વડા દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, જમ્મુમાં હવાઈદળના સ્ટેશન પરનો હુમલો આતંકી હુમલો છે. 


આ ડ્રોન હુમલો ક્યાંથી થયો તે તાત્કાલિક જાણી શકાયું નથી અને તપાસ એજન્સીઓ ડ્રોનના ઉડ્ડયનનો માર્ગ શોધવા પ્રયાસ કરી રહી છે. ડ્રોન ક્યાંથી આવ્યા હતા તે જાણવા માટે તપાસકારોએ એરપોર્ટની બાઉન્ડરી દિવાલ પર લગાવાયેલા કેમેરા સહિત સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જોકે, બધા જ સીસીટીવી જમીન પરના દૃશ્યો દર્શાવતા હોવાથી કોઈપણ ફૂટેજમાં ડ્રોન પકડાયા નહોતા. બંને ડ્રોન જમ્મુ એરબેઝની નજીકથી જ લોન્ચ કરાયા હોવાની પણ આશંકા છે.

આ ઘટના પરથી ખ્યાલ આવ્યો છે કે દુશ્મનોની હિલચાલ પર ચાંપતી નજર રાખવા માટે સરહદે ગોઠવાયેલા રડાર્સ ડ્રોનને ડિટેક્ટ કરી શકતા નથી. પરિણામે એક પક્ષી જેટલા નાના ડ્રોન પણ ડિટેક્ટ થઈ શકે તેવી અલગ પ્રકારની રડાર સિસ્ટમ આપણે ગોઠવવી પડશે તેમ સૂત્રોનું કહેવું છે. 

જમ્મુ એરપોર્ટથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદનું હવાઈ અંતર માત્ર ૧૪ કિ.મી. હોવાથી આ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ડ્રોને રાત્રે એરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટ સામગ્રી નાંખી હતી અને સરહદ પાર જતા રહ્યા હતા અથવા અન્ય કોઈ સ્થળે જતા રહ્યા હતા. તપાસ અધિકારીઓ ડ્રોન હુમલાની તપાસ કરી રહ્યા હતા ત્યારે અન્ય એક મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવાયું હતું. લશ્કર-એ-તોયબા સાથે સંડોવાયેલ એક વ્યક્તિની છ કિલો આઈઈડી સાથે ધરપકડ કરાઈ હતી. આ વ્યક્તિ ટોળામાં આઈઈડી વિસ્ફોટ કરવા માગતો હતો. શકમંદની અટકાયત કરાઈ છે અને તેની પૂછપરછ થઈ રહી છે તેમ ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું.  


નિષ્ફળ બનાવાયેલા આઈઈડી હુમલાના પ્રયાસમાં વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઓફિસે કહ્યું કે હુમલા પછી વાઈસ એર ચીફ એરમાર્શલ એચ. એસ. અરોરા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ હુમલામાં આતંકીઓના નિશાના પર એરફોર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયામાં એરફોર્સના હેલિકોપ્ટર્સ હતા. આ હુમલો પઠાણકોટ હુમલા જેવો જ ગંભીર હતો. એક ટીવી ન્યૂઝ ચેનલે જીડીપીને ટાંકીને કહ્યું હતું કે હુમલાનું કાવતરું સરહદ પાર પાકિસ્તાનમાંથી રચાયું છે અને કાવતરાંનો અમલ કરનારા દેશની અંદર જ છે. પોલીસ, એરફોર્સ અને અન્ય એજન્સીઓ આ હુમલાની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે હુમલા પછી એરફોર્સ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ભારતીય હવાઈદળના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. હવાઈદળ, એનઆઈએ સહિત વિવિધ તપાસ એજન્સીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય હવાઈદળના એરબેઝ પર આ આતંકી હુમલો હોવાની પુષ્ટી થાય તો તેનાથી દેશની સલામતી પર સવાલો ઊભા થશે. દેશમાં પહેલી વખત ડ્રોન મારફત કોઈ સલામત સંસ્થાન પર હુમલાની આશંકા સામે આવી રહી છે. ડ્રોન મારફત પાકિસ્તાન તરફથી અનેક વખત હથિયાર મોકલવાનું પાક.નું કાવતરું પકડાયું છે. જમ્મુ નજીક હીરાનગર અને સાંબા જિલ્લામાં પાકિસ્તાનના અનેક ડ્રોન હથિયારો સાથે તોડી પડાયા છે. 

જમ્મુની જેમ જ વર્ષ ૨૦૧૬માં પઠાનકોટમાં ફીદાયીન હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓના એક ગૂ્રપે એરફોર્સ બેઝને નિશાન બનાવતા હુમલો કર્યો હતો. ૨ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ પંજાબના પઠાણકોટમાં થયેલા આ હુમલા દરમિયાન ૬૫ કલાક સુધી આતંકીઓ સાથે અથડામણ ચાલી હતી, જેમાં ૭ જવાન શહીદ થયા હતા જ્યારે છ આતંકીઓને ઠાર કરાયા હતા.

હુમલામાં પી-૧૬ ડ્રોનના ઉપયોગની આશંકા

જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલો થયા પછી એરફોર્સના ટેકનિકલ વિસ્તારને સીલ કરી દેવાયો છે. ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૃ કરી દીધી છે. એરફોર્સે કહ્યું કે આ હમલામાં કોઈપણ ઉપકરણોને કોઈ નુકસાન નથી થયું. જોકે, આ હુમલા માટે પી-૧૬ ડ્રોનનો ઉપયોગ કરાયો હોવાનું મનાય છે. આ ડ્રોન ઘણું નીચે ઊડી શકે છે. આથી અનેક વખત તે રડારમાં પકડાતું નથી. જોકે, પી-૧૬ ડ્રોનનો ઉપયોગ થયો હોવા અંગે સત્તાવાર રીતે કશું કહેવાયું નથી તેમ સૂત્રોનું કહેવું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો