જમ્મુમાં મિલિટ્રી સ્ટેશન પાસે દેખાયા 2 ડ્રોન, સુરક્ષા દળોએ કર્યું 25 રાઉન્ડ ફાયરિંગ
- ફાયરિંગ બાદ ગાયબ થઈ ગયેલા ડ્રોન શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ
નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર
આતંકવાદીઓએ ફરી એક વખત ડ્રોન દ્વારા સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી આતંકવાદીઓએ મિલિટ્રી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. જાણવા મળ્યા મુજબ જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર સવારે 3:00 વાગ્યે 2 ડ્રોન દેખાયા હતા. જોકે સેના એલર્ટ હતી અને ડ્રોન દેખાતા જ સેનાએ તેના પર 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
વહેલી સવારે 3:00 વાગ્યા આસપાસ કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર આ ડ્રોન દેખાયા હતા. તેને જોતા જ સેનાના જવાનોએ 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. હાલ સેના સર્ચ ઓપરેશન દ્વારા આ ડ્રોનની તપાસ કરી રહી છે.
રવિવારે એરબેઝ ખાતે થયા હતા 2 વિસ્ફોટ
જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન અંદર રવિવારે મોડી રાતે 2 વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે 01:37 કલાકે થયો હતો અને તેની 5 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો. જોકે આ બંને વિસ્ફોટોના કારણે ખાસ કોઈ નુકસાન નહોતું થયું. વાયુસેનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, પહેલો વિસ્ફોટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટના કારણે ફક્ત બિલ્ડિંગની છતને જ નુકસાન થયું છે અને વાયુ સેનાના 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પહેલી વખત આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનો ડ્રોન હુમલો થયો છે અને એનઆઈએ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment