ભારતમાં કોરોનાના કેસ ઘટતાં ૧૫મીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ થશે : કેન્દ્ર


નવી દિલ્હી, તા.૨૬

દેશમાં કોરોના મહામારી હાલ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસ ૧૦,૦૦૦થી ઓછા નોંધાઈ રહ્યા છે. પરિણામે કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બીજીબાજુ દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૧૦,૫૪૯ કેસ નોંધાય હતા તેમજ વધુ ૪૮૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૪૫ કરોડથી વધુ થયા છે જ્યારે મૃત્યુઆંક ૪.૬૭ લાખને પાર થઈ ગયો છે. જોકે, એક્ટિવ કેસ ૧.૧૦ લાખ જેટલા છે.

દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. એવામાં કમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા મુદ્દે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા-વિચારણા કરાયા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧થી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવામાં આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલન માટે ગૃહ મંત્રાલય દેશોની ત્રણ યાદી બનાવશે. આ યાદીના આધારે ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત ૧૪ દેશો સિવાય અન્ય બધા જ દેશો માટે ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરાશે. ભારતની પ્રતિબંધિત દેશોની યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, મોરેશિયસ, સિંગાપોર, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. જોકે, આ દેશોમાં વર્તમાન એર-બબલ ઉડ્ડયન વ્યવસ્થા હેઠળ ફ્લાઈટ્સ ચાલુ રહેશે. ભારતમાં ગયા વર્ષે માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું ઉડ્ડયન બંધ છે. જોકે, ૨૮ દેશો સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ જુલાઈ ૨૦૨૦થી વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોનું સંચાલન કરાઈ રહ્યું છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૧૦,૫૪૯ કેસ નોંધાયા હતા અને વધુ ૪૮૮નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૫,૫૫,૪૩૧ જ્યારે એક્ટિવ કેસ ૧,૧૦,૧૩૩ થયા છે. કુલ મૃત્યુઆંક ૪,૬૭,૪૬૮ થયો છે. દેશમાં સતત ૪૯ દિવસથી કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦થી નીચે રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૩૯,૭૭,૮૩૦ દર્દીઓ સાજા થયા છે.

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જોકે, શુક્રવારે કર્ણાટકમાં એસડીએમ મેડિકલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ સહિત ૧૧૬થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પરિણામે સંસ્થાની બે હોસ્ટેલમાં ૬૬ વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી બંને હોસ્ટેલ સીલ કરી દેવાઈ હતી. 

બીજીબાજુ રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ માતા-પિતા પર વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ માટે સ્કૂલે મોકલવા ફરજ પાડી શકે નહીં. સ્કૂલોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસની સુવિધા પૂરી પાડવી પડશે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો