હવે પક્ષો ક્યાંથી કમાશે? ઈલેક્ટોરલ બૉન્ડ બંધ, પરંતુ આ વિકલ્પો યથાવત્
Supreme Court Verdict on Electoral Bond : રાજકીય પાર્ટીઓ દ્વારા ફંડ એકત્ર કરવાની રીતમાં પારદર્શિતા લાવવા માટે ઈલેક્ટોરલ બૉન્ડ લવાયું હતું. જોકે સુપ્રીમ કોર્ટે આ બૉન્ડને ગેરબંધારણીય જણાવી રદ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી બોન્ડને ગોપનીય રાખવા એ બંધારણની કલમ 19(1) અને માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ, જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આજે સર્વસમત્તિ સાથે નિર્ણય સંભળાવતા કહ્યું કે, ‘રાજકીય પાર્ટી પાસે નાણાં ક્યાંથી આવી રહ્યા છે અને તેનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે, તેનો જાણવાનો લોકોને અધિકાર છે.’
વર્ષ 2018માં ઈલેક્ટોરલ બૉન્ડ યોજના લવાઈ હતી
વર્ષ 2018માં ઈલેક્ટોરલ બૉન્ડ યોજના લવાઈ હતી, પરંતુ તેની માન્યતાને 2019માં સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ હતી. ત્રણ અરજદારે યોજના વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જ્યારે બચાવ પક્ષમાં આવેલ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, યોજનાથી માત્ર માન્ય ધન જ રાજકીય પાર્ટીઓને મળી રહ્યું છે. આ ઉપરાંત સરકારે દલીલ કરી હતી કે, દાન આપનારની ઓળખ છુપાવવાનો હેતુ તેમને રાજકીય પક્ષો દ્વારા પ્રતિશોધથી બચાવવાનો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને તુરંત ચૂંટણી બૉન્ડ રોકવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે 12 એપ્રિલ-2019થી આજ સુધીમાં કેટલું બૉન્ડ ખરીદાયું, તેની ચૂંટણી પંચ (Election Commission)ને માહિતી આપવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, 'કાળા નાણાને અંકુશમાં લેવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ માહિતીના અધિકાર અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. આ સ્કીમ કલમ 19(1)(a)નું ઉલ્લંઘન છે.' કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે અને સૂચના જાહેર કરતા કહ્યું છે કે, 'સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 31 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા અત્યાર સુધી આપેલા યોગદાનની તમામ વિગતો આપવાની રહેશે.' તેમજ 13 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર માહિતી શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
પક્ષો ઈલેક્ટોરલ બૉન્ડથી કેટલું કમાય છે?
ઈલેક્ટોરલ બૉન્ડની માન્યતાને પડકાર આપનારાઓમાં એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ (ADR) પણ સામેલ હતી. એડીઆરનો દાવો છે કે, માર્ચ 2018થી જાન્યુઆરી 2024 વચ્ચે રાજકીય પાર્ટીઓને ચૂંટણી બૉન્ડથી 16492 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મલ્યું છે. ચૂંટણી પંચમાં નોંધાયેલ 2022-23ના ઑડિટ રિપોર્ટ મુજબ BJPને 1294 કરોડ રૂપિયાથી વધુનું ઈલેક્ટોરલ બૉન્ડ મળ્યું, જ્યારે તેની કુલ કમાણી 2360 કરોડ રૂપિયા નોંધાઈ હતી. ભાજપે કુલ કમાણીનો 40 ટકા હિસ્સો ઈલેક્ટોરલ બૉન્ડથી મેળવ્યો છે. બૉન્ડની સૌથી મોટી ચિંતા એ પણ હતી કે, આનો સૌથી વધુ ફાયદો સત્તાધારી પાર્ટીને થાય છે. એડીઆરના રિપોર્ટ મુજબ 2017-18થી 2021-22માં ભાજપને બૉન્ડ દ્વારા 5271 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. ભાજપને વર્ષ 2019-20માં સૌથી વધુ 2555 કરોડ રૂપિયાના બૉન્ડ મળ્યા હતા.
ઈલેક્ટોરલ બોન્ડ્સ શું છે?
સૌ પ્રથમ, જાણીએ કે ઈલેક્ટોરલ બોન્ડ્સ શું છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ એટલે ચૂંટણી ફંડ. વાસ્તવમાં આ ચૂંટણી ફંડ આપવાની એક રીત છે. એટલે કે, જો તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હોવ, તો તમે ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા ફંડ આપી શકો છો. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે. બોન્ડ ખરીદ્યા પછી, તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે, બોન્ડ ઇશ્યૂ થયાની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય છે. એટલે કે 15 દિવસ પછી બોન્ડ રદ થઈ જશે. 2017માં, કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ઈલેક્ટોરલ બોન્ડ્સ યોજના રજૂ કરી. સંસદ દ્વારા પસાર થયા પછી, 29 જાન્યુઆરી 2018 ના રોજ ઈલેક્ટોરલ બોન્ડ્સ યોજનાની સૂચના જારી કરવામાં આવી હતી.
એસબીઆઈમાંથી મળતાં હતાં ચૂંટણી બોન્ડ
ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાતા હતા. જેમાં રૂ. 1,000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકાતા હતા. કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા કંપની ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકે તેમ હતું. બસ શરત માત્ર એટલી જ હતી કે દાતા પાસે બેંક ખાતું હોય જેની KYC વિગતો ઉપલબ્ધ હોય. ઈલેક્ટોરલ બોન્ડ્સમાં ચુકવણી કરનારનું નામ રહેતું નહિ. હવે આ યોજના પર સુપ્રીમકોર્ટે તાત્કાલિક બેન મૂકી દીધો છે.
આ બોન્ડ્સ કેવી રીતે કામ કરતું હતું?
ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઈશ્યૂ કરવામાં આવતા હતા. સૌથી નાનું બોન્ડ રૂ. 1,000 અને સૌથી મોટું રૂ. 1 કરોડનું હતું. બોન્ડ ખરીદવાની સંખ્યા પર કોઈ મર્યાદા નહોતી. KYC કમ્પ્લીટ કરેલ કોઈ પણ બેંક ખાતાધારક આ બોન્ડ્સ ખરીદીને કોઈપણ રાજકીય પક્ષને દાન કરતું હતું. ત્યારબાદ રીસીવર તેને પાર્ટીના વેરિફાઈડ એકાઉન્ટનો ઉપયોગ કરીને તેને રોકડમાં કન્વર્ટ કરી શકતું હતું.
ઈલેક્ટોરલ બોન્ડ્સ વિવાદ
એવો દાવો કરવામાં આવે છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનાર વ્યક્તિ અથવા તેને મેળવનાર રાજકીય પક્ષની માહિતી ક્યાંય શેર કરવામાં આવતી નથી. એટલે કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે. આ જ કારણ છે કે 2018થી ઈલેક્ટોરલ બોન્ડ્સ વિવાદોમાં છે. સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્દેશ જારી કર્યા છે કે તમામ પક્ષોએ ચૂંટણી ફંડ અંગેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરોલ બૉન્ડ બંધ કરતા છતાં પક્ષો પાસે વિકલ્પો
જ્યારે ચૂંટણી બૉન્ડ ન હતા, ત્યારે પક્ષોને ચેકથી ફંડ અપાતું હતું. ચૂંટણી પંચને ફંડ આપનારનું નામ અને રકમની માહિતી આપવી ફરજીયાત હતી. જોકે સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરોલ બૉન્ડ રદ કર્યા બાદ પક્ષો પાસે ઘણા રસ્તાઓ છે, જ્યાંથી તેઓ કમાણી કરી શકે છે. આ વિકલ્પોમાં ડોનેશન, ક્રાઉડ ફન્ડિંગ અને મેમ્બરશિપથી આવતી રકમ સામેલ છે. આ ઉપરાંત પક્ષોને કૉર્પોરેટ ડોનેશનથી પણ કમાણી થાય છે.
Comments
Post a Comment