એક દસકામાં દેશના પરિવારોનો સરેરાશ માસિક ખર્ચ બમણો થઈ ગયો, કેન્દ્ર સરકારના સરવેમાં ઘટસ્ફોટ


Household Consumption Expenditure Survey 2022-23 : કેન્દ્ર સરકાર દ્વારા 11 વર્ષમાં પ્રથમવાર ગામડા અને શહેરના સરેરાશ માસિક ખર્ચના આંકડા જાહેર કરાયા છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (NSSO) દ્વારા કરાયેલા ‘અખિલ ભારતીય ઘરગથ્થુ વપરાશ ખર્ચ સરવે’ના નિષ્કર્ષ મુજબ માથાદીઠ ઘરેલુ ખર્ચ 2011-12ની તુલનામાં 2022-23માં વધી બમણો થઈ ગયો છે. 

શહેરી-ગ્રામીણ વિસ્તારોના વ્યક્તિ દીઠ વપરાશ બમણો થયો

એનએસએસઓ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિવિધ સામાજિક-આર્થિક સમૂહોના સર્વે હાથ ધરી દર મહિને માથાદીઠ વરરાશ ખર્ચ (MPCE) અને તેના વિવરણનો રિપોર્ટ તૈયાર કરાયો છે. સરવે મુજબ શહેરી વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ (વૈકલ્પિક ડેટા વિનાના) 2011-12માં રૂ.2630 થતો હતો, જે 2022-23માં બમણો થઈ રૂ.6459 થઈ ગયો છે. આવી જ રીતે ગામડામાં સરેરાશ ખર્ચ 1430 રૂપિયાથી વધીને 3773 રૂપિયા થયો છે. જ્યારે વૈકલ્પિક ડેટા મુજબ શહેરી વિસ્તારોમાં 2011-12માં પ્રતિ વ્યક્તિ ખર્ચ 2630 રૂપિયા થતો હતો, જે 2022-23માં વધી 3510 રૂપિયા થઈ ગયો છે. આ જ રીતે ગ્રામીણ વિસ્તારમાં 1430 રૂપિયાથી વધીને 3860 રૂપિયા થઈ ગયો છે.

2,61,746 ઘરોનો સરવે કરાયા બાદ NSSOએ ડેટા તૈયાર કર્યો

એનએસએસઓ દ્વારા 2022થી જુલાઈ 2023 દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 2,61,746 ઘરો (ગ્રામીણ ક્ષેત્રોમાં 1,55,014 અને શહેરી વિસ્તારોમાં 1,06,732)માં માથાદીઠ વપરાશ ખર્ચ અંગેનો સરવે કરી આ ડેટા તૈયાર કરાયો છે. આ આંકડાથી જીડીપી, છૂટક ફુગાવો, ગરીબીસ્તર અને કેટલાક મુખ્ય આર્થિક સંકેતોનું આકલન કરવા માટે પણ ઉપયોગી છે.

ગ્રામીણ વિસ્તારોમાં સરેરાશ એમપીસીઈમાં વધારો

મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સની વેબસાઈટ પરના એક ફેક્ટશીટ મુજબ 18 વર્ષમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરેરાશ એમપીસીઈમાં છ ગણો વધારો થયો છે, જે શહેરી વિસ્તારોની તુલનામાં વધુ છે. વર્ષ 2004-05માં ગ્રામીણ કંઝપ્શન 579 અને શહેરી કંઝપ્શન 1105 હતો, જે ગ્રામીણ વિસ્તારમાં 552 ટકા અને શહેરી વિસ્તારમાં 484 ટકાનો વધારો દર્શાવે છે.

સિક્કિમમાં માથાદીઠ ખર્ચ સૌથી વધુ, છત્તીસગઢમાં સૌથી ઓછો

રાજ્યો મુજબ સિક્કિમમાં ગ્રામીણમાં 7731 અને શહેરી વિસ્તારોમાં 12105 સૌથી વધુ માથાદીઠ ખર્ચ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો છત્તીસગઢમાં ગ્રામીણમાં 2466 અને શહેરી વિસ્તારમાં 4483 નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાણીપીણી ખર્ચ 1750 અને શહેરી વિસ્તારોમાં 2530 નોંધાયો છે, જ્યારે ગ્રામીણમાં ખાણીપીણી સિવાયનો ખર્ચ 2023 અને શહેરી વિસ્તારોમાં 3929 નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, દર પાંચ વર્ષે HCESનો સરવે કરવામાં આવે છે, પરંતુ ડેટાની ક્વોલિટી પર સવાલો ઉઠતા 2017-18નો ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. છેલ્લે 2011-12માં સરવેના આંકડા જાહેર કરાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે