ઈરાક-સીરિયામાં 85 સ્થળો પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 40નાં મોત


- 3 યુએસ સૈનિકોના મોતનો બદલો લીધો, ઈરાન સાથે યુદ્ધની આશંકા વધી

- અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં આતંકી સંગઠન ઈસ્લામી પ્રતિરોધે ઈરાક સ્થિત અલ-હરિર એરબેઝને નિશાન બનાવ્યું

- ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠનોના કંટ્રોલ ઓપરેશન, ગુપ્ત કેન્દ્ર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ પર મિસાઈલ એટેક

વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આવા સમયે જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકીઓના હુમલામાં ૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાનો બદલો લેવાનું શરૂ કરતા અમેરિકાએ શુક્રવારે મોડી રાતે ઈરાક અને સીરિયામાં ઈરાન સમર્થિત આતંકી જૂથ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિક આતંકી સંગઠનોના ૮૫ સ્થળો પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં ૪૦ આતંકીઓનાં મોત થયા હતા. અમેરિકાએ સિરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ  સ્થળો પર મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં બી-૧ સ્ટ્રેટેજિક બોમ્બર્સથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળોને નિશાન બનાવ્યા હતા.

અમેરિકન પ્રમુખ બાઈડેને શુક્રવારે રાતે હુમલા પછી કહ્યું હતું કે, અમેરિકા મધ્ય પૂર્વમાં અથવા દુનિયામાં કોઈપણ જગ્યાએ યુદ્ધ નથી ઈચ્છતું. પરંતુ અમને નુકસાન પહોંચાડવા ઈચ્છતા લોકોને હું કહેવા માગું છું કે તમે એક પણ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે આકરી પ્રતિક્રિયા આપીશું. જોર્ડનમાં અમેરિકન બેઝ પર હુમલા અંગે અમારી પ્રતિક્રિયા આજથી શરૂ થઈ છે અને તેની જગ્યા અને સમય અમે નિશ્ચિત કરીશું. આ હુમલા ચાલુ રહેશે. અગાઉ અમેરિકન પ્રમુખ બાઈડેન અને અન્ય ટોચના નેતાઓએ ચેતવણી આપી હતી કે, અમેરિકા આ હુમલાનો બદલો લેવા આતંકીઓ પર ત્રાટકશે અને તે માત્ર એકાદ હુમલો નહીં હોય. 

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે, અમેરિકન સૈન્યે અમેરિકન સૈનિકો પર હુમલા સાથે સંકળાયેલા સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં કંટ્રોલ ઓપરેશન, ગુપ્ત કેન્દ્ર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળોનો સમાવેશ થાય છે. 

સીરિયાના મીડિયા મુજબ અમેરિકાના હુમલામાં નાગરિકો અને સૈનિકોનાં મોત થયા છે. સીરિયા હ્યુમન રાઈટ્સ વૉર મોનિટર ઓબ્ઝર્વેટરીનું કહેવું છે કે આ હુમલામાં ૧૮ લોકોનાં મોત થયા છે. જોકે, મૃત્યુઆંકની પુષ્ટી થઈ શકી નથી. બીજીબાજુ સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલામાં ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે.

જૉન કિર્બીએ કહ્યું કે, આ હુમલામાં કેટલા આતંકી માર્યા ગયા અથવા કેટલાને ઈજા પહોંચી છે તેની અમેરિકા પાસે કઈ માહિતી નથી, પરંતુ જે રીતે ટાર્ગેટ નિશ્ચિત કરાયા હતા તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે કોઈ નાગરિકને નુકસાન નહીં થયું હોય. અમેરિકન સૈનિકો પર હુમલામાં આ સ્થળો સંડોવાયેલા હોવાના અમારી પાસે નક્કર પુરાવા છે. લેફ્ટનન્ટ જનરલ ડગ્લાસ સિમ્સ બીજાએ કહ્યું કે, અમેરિકાએ આ હુમલામાં ૧૨૫થી વધુ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. તેણે ૩૦ મિનિટમાં ૭ જગ્યા પર હુમલા કર્યા હતા.

અમેરિકન સૈન્યના હુમલાના જવાબમાં હવે આતંકી સંગઠન ઈસ્લામી પ્રતિરોધે જવાબ આપ્યો છે. આ સંગઠને ઉત્તરીય ઈરાકમાં સ્થિત અલ-હરિર એરબેઝને નિશાન બનાવ્યું છે. આ એરબેઝનો ઉપયોગ અમેરિકન સૈન્ય કરે છે. ઈસ્લામી પ્રતિરોધે કહ્યું કે, અમેરિકાએ ઈરાક અને સીરિયામાં કરેલા હુમલાનો અમે જવાબ આપ્યો છે.

યુદ્ધ ભલે તમે શરૂ કર્યું, પરંતુ ખતમ અમે કરીશું : ઈરાન

ઈરાક અને સીરિયા પર અમેરિકાના હુમલાથી મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયા છે. અમેરિકાનો આ હુમલો નવા યુદ્ધની શરૂઆત હોઈ શકે છે. આ હુમલા પછી ઈરાને અમેરિકાને ધમકી આપી છે. ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ કહ્યું કે, અમારો દેશ યુદ્ધ શરૂ નથી કરતો. ઈરાક-સીરિયા પર હુમલા કરીને યુદ્ધ ભલે તમે શરૂ કર્યું, પરંતુ ખતમ અમે કરીશું. 

અમે એ લોકોને છોડીશું નહીં, જે અમને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યા છે. દરમિયાન ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ પણ અમેરિકાના હુમલાની ટીકા કરી છે અને કહ્યું કે, આ હુમલાને ઈરાકની સંપ્રભુતા વિરુદ્ધ નવી આક્રમક્તા તરીકે લેવાશે. વધુમાં ઈરાક સરકારને હુમલા અંગે અગાઉ જ જાણ કરાઈ હતી તેવા વોશિંગ્ટનના દાવાને ફગાવી દેવાયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો