પુતિન જો યુક્રેન સામેના યુદ્ધમાંથી પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ જાય, ઈલોન મસ્કનો મોટો દાવો
Elon Musk said About Putin | દુનિયાના સૌથી વધુ અમીર ગણાતા ઈલોન મસ્કે દાવો કર્યો છે કે જો રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન યુક્રેન યુદ્ધમાંથી પાછા હટશે તો તેઓની હત્યા પણ થઈ શકે. આ સાથે તેઓએ રશિયાની સ્થિતિ અંગે પણ મહત્વની વાતો કરી હતી અને જણાવ્યું હતું કે, રશિયાની વિરુદ્ધ જે કૈં આર્થિક અને લશ્કરી સહાય યુક્રેનને અપાઈ રહી છે, તે એળે જવા સંભવ છે. વાસ્તવમાં યુક્રેનને અમેરિકા સહિત પશ્ચિમના દેશો દ્વારા અપાતી આર્થિક અને લશ્કરી સહાય અંગે જ આ પરિસંવાદ યોજાયો હતો. જેમાં તે સહાયની યોગ્યા યોગ્યતા વિષે ચર્ચા થઇ હતી.
આ પરિસંવાદમાં જે સાંસદોએ ભાગ લીધો, તેમાં વિસ્કોન્સીસના રૉન જ્હોનસન, ઑહાયોના જે.ડી. વાન્સ, યુટારન માઇક લી, ઉપરાંત વિવેક રામસ્વામી અને ક્રાફટ વેન્ચર્સના સહ સંસ્થાપક ડેવીડ ઐક્સે પણ ભાગ લીધો હતો. પરિસંવાદમાં બોલતા શેન જ્હોન્સને કહ્યું હતું કે, જે કોઈ રશિયા ઉપર યુક્રેનના વિજયની આશા રાખે છે તેઓ વાસ્તવમાં સ્વપ્નોની દુનિયામાં જ જીવી રહ્યા છે. જ્હોન્સનના આ કથનને મસ્કે પણ પુષ્ટિ આપી હતી.
આ સાથે ઈલોન મસ્કે તે પણ સ્પષ્ટતા કરી કે તેઓ કૈં પુતિનના સમર્થક નથી. પરંતુ નક્કર વાસ્તવિકતા તે છે કે પુતિન ઉપર પહેલેથી જ યુદ્ધ ચાલુ રાખવા માટે દબાણ થઈ રહ્યું છે. તે સંયોગોમાં તેઓ પાછા હટે તો તેઓની હત્યા જ થઈ જાય તેમ છે. મસ્કે તેમ પણ કહ્યું કે, રશિયાને પાછું પાડવામાં તેમની કંપનીએ જેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. તેટલી મહત્વની ભૂમિકા ભાગ્યે જ બીજી કોઈ કંપનીએ ભજવી હશે. સાથે તેમણે યુક્રેનને અપાયેલી સ્ટાર લિંક ઇન્ટરનેટ સેવાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેમણે આપેલી આ સેવાને લીધે તો યુક્રેનની સેના, રશિયાની સામે સરળતાથી સંચાર વ્યવસ્થા જાળવી શકી છે.
Comments
Post a Comment