ઇન્ટરનેટને સુપરફાસ્ટ બનાવનારા 5G નેટવર્કની વાટ જોવાલાયક છે ખરું?
અમેરિકા,ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં તો 5G નેટવર્ક પ્રાયોગિક ધોરણે અમલમાં પણ મૂકાઇ ગયું છે અને ભારતમાં પણ આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ થવાના અણસાર છે
4G નેટવર્કની સુપરફાસ્ટ સ્પીડ માણ્યા પછી ઇન્ટરનેટના રસિયાઓ 5Gની હાઇપરસ્પીડ માણવા માટે થનગની રહ્યાં છે. 5G ટેકનિકને લાગુ કરવા માટે દુનિયાભરના અગ્રણી દેશોમાં ઘણાં સમયથી હોડ મચી છે. અમેરિકા, ચીન અને દક્ષિણ કોરિયા જેવા ગણ્યાંગાંઠયાં દેશોમાં હાલ ૫જી નેટવર્ક પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે. તો ભારતમાં પણ આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ થવાની ધારણા છે.
૨G, ૩G અને 4G બાદ ઇન્ટરનેટની દુનિયા હવે 5Gની બુલેટ રફતાર પર સવાર થવા આતુર છે. જાણકારોના મતે 5G નેટવર્ક આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ 4G નેટવર્ક કરતા ૨૦ ગણી વધી જશે. અત્યારે ચાલી રહેલા 4G નેટવર્કની મહત્તમ સ્પીડ ૪૫ મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) રેકોર્ડ થઇ છે જ્યારે 5G નેટવર્કમાં આ સ્પીડ ૧ ગીગાબાઇટ પ્રતિ સેકન્જ (જીબીપીએસ) જેટલી થઇ જશે. ૧ ગીગા બાઇટમાં ૧૦૨૪ મેગા બાઇટ હોય એ હિસાબે અઢી કલાકની હાઇ ક્વોલિટી ફિલ્મ માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે. જાણકારો માની રહ્યાં છે કે 5G નેટવર્ક આવ્યા બાદ દુનિયા અભૂતપૂર્વ ઝડપથી દોડવા લાગશે.
૩G નેટવર્કના ઉદય સાથે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગની શરૂઆત થઇ. મોબાઇલ ફોન સ્માર્ટફોન બની ગયો. સ્માર્ટફોન પર વેબસાઇટ્સ ખૂલવા લાગી, મેપ્સ દેખાવા લાગ્યાં. એસએમએસ સુધી સીમિત ૨ય્ની દુનિયા અદૃશ્ય થવા લાગી. એ પછી હાઇસ્પીડ પ્રોસેસિંગ ચીપની ઉત્ક્રાંતિ થઇ અને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પર સવાર થઇને 4G નેટવર્ક આવી પહોંચ્યું.
ટેકનોલોજીની દુનિયામાં આ મોટી છલાંગ હતી. સ્માર્ટફોન અને ટેબ્લેટમાં વાયરોના લાંબા ગૂંચળા વગર જ હાઇસ્પીડ ડેટા ટ્રાન્સફર થવા લાગ્યો. હાઇસ્પીડ ડેટા ટ્રાન્સફરના કારણે નેવિગેશન, મેસેજિંગથી લઇને બીજી અસંખ્ય કામગીરી માટે એપ્સ ઉપલબ્ધ બનવા લાગી.
સૌથી ઝડપી 4G નેટવર્ક પર સરેરાશ ૪૫ એમબીપીએસ સ્પીડ નોંધાય છે. ટેલિકોમ માંધાતાઓને આ સ્પીડ વધારવાની અપેક્ષા હતી પરંતુ દુનિયાભરમાં સ્માર્ટફોનની વધી રહેલી માંગના કારણે 4G નેટવર્ક ઓવરલોડનો શિકાર બની ગયું છે. સાદી ભાષામાં સમજવું હોય તો ખુલ્લા હાઇવે પર એક કાર પૂરપાટ ઝડપે હંકારી શકે છે પરંતુ જો એ જ માર્ગ પર બીજી એક હજાર ગાડીઓ દોડી રહી હોય તો સ્પીડ ગોકળગાય જેવી થઇ જાય. 5G નેટવર્ક આ સમસ્યાના ઉકેલ તરીકે જ બજારમાં આવી રહ્યું છે. એક્સપર્ટ્સ્ને 5G નેટવર્કમાં ઇન્ટરનેટની સ્પીડ ૧૦૦૦ એમબીપીએસ સુધી પહોંચાડવાની ધારણા છે. મતલબ કે 4Gની સરખામણીએ ૧૦થી ૨૦ ગણી વધારે ઝડપે ડેટા ટ્રાન્સફર થાય.
ટેકનોલોજીની ભાષામાં 5Gનો અર્થ છે ફિફ્થ જનરેશન નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ જોડાણની પાંચમી પેઢી જે ૨૦૧૦માં આવેલા 4G નેટવર્કના નવેક વર્ષ બાદ મેદાનમાં આવ્યું છે. 5G નેટવર્કના બે સૌથી મોટા ફાયદા છે ડાઉનલોડ સ્પીડ અને ડેટા ટ્રાન્સફર. 5Gમાં આગળ જતા ડાઉનલોડની સ્પીડ ૧૦ ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ પણ થશે. મતલબ કે ૫ જીબીની ડીવીડી માત્ર અડધી સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે. એટલું જ નહીં ૪ણ વીડિયો ક્વોલિટી પણ આંખના પલકારામાં ડાઉનલોડ થઇ જશે. ૪ણ એક હાઇ રિઝોલ્યુશન ડિજિટલ ફોર્મેટ છે જેનો વપરાશ કમર્શિયલ ડિજિટલ સિનેમામાં થાય છે. 5Gમાં વાઇફાઇની સ્પીડ પણ ગજબની મળશે.
ટેલિકોમ કંપનીઓ ઉપરાંત બીજા અનેક વ્યવસાયોમાં 5G ટેકનિક અનેક રીતે મદદરૂપ સાબિત થશે. ટેકનોલોજીની દુનિયામાં હાલ સેલ્ફ ડ્રાઇવ કાર એટલે કે ડ્રાઇવર વિના જાતે ચાલે એવી કારથી લઇને રોબોટ અને ડ્રોનના વિકાસ પર કામ ચાલી રહ્યું છે. 5G નેટવર્ક આવ્યા બાદ આ ક્ષેત્રોમાં ભારે તેજી વ્યાપશે. 5G નેટવર્કની મદદ વડે સેલ્ફ ડ્રાઇવ કાર રિયલ ટાઇમ ટ્રાફિકનો ડેટા મેળવી શકશે અને ભીડભાડભરી સડકો પર જાતે જ ઝડપથી માર્ગ કાઢી શકશે. આજે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઓટોનોમસ મશીન એટલે કે માનવીની મદદ વિના જાતે જ કામ પાર પાડી દેતા મશીનોનો વપરાશ વધ્યો છે એમાં પણ 5G નેટવર્ક આવ્યા બાદ વધારે સારા પરિણામો પ્રાપ્ત થશે. એક અંદાજ મુજબ 5G નેટવર્ક આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૫૬૫ અબજ ડોલરની વૃદ્ધિ થશે. આટલો જંગી લાભ ખાટવા માટે અનેક દેશોમાં પરસ્પર પ્રતિસ્પર્ધા વધી રહી છે.
શરૂઆતમાં તો 5G નેટવર્ક ઉચ્ચ ગુણવત્તાના જીવંત પ્રસારણને સક્ષમ બનાવશે જેના કારણે ઇન્ટરનેટ પર લાઇવ સ્પોર્ટ્સ જોવાની મજા પડી જશે. તો ક્લાઉડ ગેમિંગમાં રસ ધરાવતા લોકો માટે પણ 5Gનો અનુભવ અદ્ભૂત સાબિત થશે. આ ઉપરાંત મેપિંગ અને શોપિંગ એપ્સમાં પણ ગજબનો સુધારો જોવા મળશે. દૂરથી થતી સર્જરી તેમજ હોલોગ્રાફિક વીડિયો કૉલ્સની સેવાને પણ 5G નેટવર્ક બહેતર બનાવશે. જોકે શરૂઆતમાં 5G નેટવર્કનું બજાર વધારે ન ઉપડે એવી શક્યતા પણ છે જેની પાછળ એક કરતા વધારે કારણો જવાબદાર છે.
પહેલું કારણ એ કે 5G ફોન મોંઘાં છે અને બીજું એ કે તેના એન્ટેના અને મોડેમ એવા છે જે માત્ર 5G નેટવર્ક સાથે જ કામ કરી શકે. હાલ 5G નેટવર્કના લાઇસન્સ પણ જૂજ ટેલિકોમ કંપનીઓ પાસે છે. એવામાં જો કોઇ ફાસ્ટ ઇન્ટરનેટના ચક્કરમાં ઉતાવળે 5G ફોન ખરીદી લે તો પણ તેમની પાસે વધારે વિકલ્પ નથી હોતા. જાણકારોના મતે 5G નેટવર્કની બીજી પેઢીના ફોન હજુ આવતા વર્ષે બજારમાં આવતા થશે અને એમાં આ ખામીઓ સુધારી લેવામાં આવશે. ૨૦૧૯ હજુ ૫જી માટે પ્રારંભિક વર્ષ છે અને આવતા વર્ષ સુધીમાં પણ દુનિયાભરમાં વેચાતા કુલ ફોનના માત્ર ૯ ટકા જ 5G ફોન હશે. જોકે વર્ષ ૨૦૨૩ સુધીમાં મોબાઇલ બજારમાં 5Gની ટકાવારી ૨૮ ટકાએ પહોંચવાનું અનુમાન છે.
અત્યારે તો જાણીતી મોબાઇલ કંપનીઓએ ગૂગલની એન્ડ્રોઇડ સિસ્ટમ પર કામ કરતા ૫જી બનાવવાના શરૂ કરી દીધાં છે. ચીની કંપની હુઆવે પણ 5Gમાં ઝંપલાવી ચૂકી છે પરંતુ અમેરિકાના પ્રતિબંધના કારણે તેના પર ગૂગલની એપ્સ ચાલી શકતી નથી. શરૂઆતમાં જ ગ્રાહકોએ 5G સ્માર્ટ ફોનમાં ભારે રસ લેવાનું શરૂ કરી દીધું છે અને મોબાઇલ કંપનીઓને લોકોનો આ ઉત્સાહ હજુ વધવાની આશા છે. જોકે મોટા સ્ક્રીન અને ઉચ્ચ ગુણવત્તાના કેમેરાના કારણે 5G સ્માર્ટફોનની કિંમત ઘણી જ વધારે છે. જેમ જેમ 5G નેટવર્કનો વપરાશ વધતો જશે તેમ તેમ સ્માર્ટફોનની કિંમતો પણ ઓછી થશે.
મોબાઇલ કંપનીઓ નવી ટેકનિક વિશે એકબીજાથી ચડિયાતા દાવા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે 5G સેવા હજુ ગણતરીના શહેરોમાં જ ઉપલબ્ધ છે. એવામાં ૫જી સ્માર્ટફોન ખરીદનારા લોકોએ પણ દુનિયાના દરેક ખૂણે 5G નેટવર્ક પહોંચી ન જાય ત્યાં સુધી રાહ જોવી પડશે. મોબાઇલ ફોન જુદી જુદી વાયરલેસ ટેકનિક પર કામ કરતા હોય છે. કેટલાંક ફોન સીડીએમએ તો બાકીના જીએસએમ તરીકે ઓળખાતી ટેકનિક વાપરતા હોય છે.
શરૂઆતમાં તો મોબાઇલ કંપનીઓ સીડીએમએ અને જીએસએમ મોડેલ જુદાં જુદાં બનાવતી હતી પરંતુ ટેકનોલોજીનો વિકાસ થતાં બંને નેટવર્ક માટે જરૂરી એન્ટેના એક જ ફોનમાં સમાવી લેવામાં આવ્યાં. એ જ તર્જ પર આવતા વર્ષ સુધીમાં 5G સ્માર્ટફોન પણ બંને ટેકનિકોના સહિયારા મિશ્રણ સાથે બજારમાં આવતા થઇ જશે. અત્યારે તો એવું છે કે જે કંપની 5G સ્માર્ટફોન વેચતી હોય એ માત્ર તેના નેટવર્ક પર જ કામ કરે છે. પરંતુ આવતા વર્ષ સુધીમાં 5G સ્માર્ટફોન બીજી કંપનીઓના નેટવર્ક પર પણ કામ કરતા થઇ જશે એવું અનુમાન છે.
હાલ તો એક્સપર્ટ્સ એવી સલાહ આપે છે કે જો વર્તમાન સ્માર્ટફોન સાથે એકાદબે વર્ષ નીકળી જતાં હોય તો 5G સ્માર્ટફોન માટે રાહ જોવી બહેતર છે કારણ કે એટલા સમયમાં સારી ગુણવત્તાના 5G સ્માર્ટફોન પસંદ કરવા માટે બજારમાં ઘણાં વિકલ્પો આવી ગયા હશે. પરંતુ જો અધીરા બનીને નવો સ્માર્ટફોન ખરીદી લીધો તો પણ આવતા બેત્રણ વર્ષમાં 5G નેટવર્કમાં જવા માટે ફોન બદલવાનો જ વારો આવશે. જોકે મોબાઇલ કંપનીઓ હાલના 4G ફોનના બદલામાં નવો 5G ફોન ખરીદવા માટે આકર્ષક ઓફરો પણ મૂકી શકે છે.
ટેકનોલોજી એ બેધારી તલવાર છે અને 5Gની બાબતમાં પણ એ જ બાબત લાગુ પડે છે. અમેરિકાએ તો સુરક્ષાનું કારણ આગળ ધરીને ચીની કંપની હુઆવે પર અનેક પ્રતિબંધો મૂકેલાં છે. હકીકતમાં 5G નેટવર્કમાં સુરક્ષાને લઇને જે સવાલ થઇ રહ્યાં છે એ ગેરવાજબી પણ નથી. સૈદ્ધાંતિક રીતે સંચાર માધ્યમો માટે મહત્ત્વપૂર્ણ ટેકનિક પર નિયંત્રણ હોવાનો અર્થ છે કે ઓપરેટર જાસૂસી કે સંચાર માધ્યમોનું સંચાલન અવરોધી શકે છે.
સીધી વાત છે કે જીવંત ટ્રાફિક સહિતની સેવાઓ જ્યારે 5G નેટવર્ક સાથે સંકળાયેલી હોય ત્યારે બીજો દેશ એ ટેકનિકનો ઘણો દુુરુપયોગ પણ કરી શકે છે. એમાંયે 5G નેટવર્ક આવ્યા બાદ તો તમામ ઘરેલુ ચીજવસ્તુઓ પણ ઇન્ટરનેટ સાથે જોડાઇ જશે ત્યારે સુરક્ષાની સમસ્યા ઓર વકરી શકે છે.
બીજું એ કે 5G નેટવર્ક બાદ પર્યાવરણને લગતી સમસ્યાઓ સર્જાવાનો પણ ભય છે. આમ પણ અત્યારે અનેક પંખીડાઓ અને જીવજંતુઓ ટેકનોલોજીના ઘાતક પરિણામોનો ભોગ બની રહ્યાં છે. એવી પણ આશંકા વ્યક્ત થઇ રહી છે કે 5G નેટવર્ક માનવીની સૂક્ષ્મ કોશિકાઓ અને ડીએનએને પણ નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ તમામ આશંકા વચ્ચે પણ આખી દુનિયા 5G નેટવર્કના તેજીલા તોખાર પર સવાર થવા આતુર છે.
Comments
Post a Comment