370 નાબૂદ કરી સરદારનું સ્વપ્ન સાકાર કર્યું : મોદી


(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 31 ઓક્ટોબર, 2019, ગુરૂવાર

 જેઓ ભારત સાથે યુધ્ધ જીતી નથી શકતા તેઓ દેશની એકતાને પડકારી રહ્યા છે. સદીઓથી આપણી  એકતાને લલકારનારા ભૂલી જાય છે કે સદીઓથી એકતા તોડવાની તેમની કોશિષ છતા અમને કોઇ મીટાવી શક્યુ નથી. 

અમારી વિવિધતા પર જ્યારે એકતાની ચુનૌતી અપાય છે ત્યારે  જડબાતોડ જવાબ અપાય છે, એકતાને પડકારતી આવી તાકાતોને ચકનાચુર કરીએ  એ જ સરદારને સાચી શ્રધ્ધાંજલિ છે તેમ  પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  કહ્યું  હતું.

કેવડિયાકોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાને ઉમેર્યું  હતું કે સરદાર સાહેબના આર્શીર્વાદથી આવી તાકાતોને પરાસ્ત કરવા માટે  બહુ મોટો નિર્ણય દેશે થોડા દિવસો પહેલા લીધો હતો.

આટકલ 370થી જમ્મુ કાશ્મીરને અલગાવવાદ અને આતંકવાદ સિવાય કશું મળ્યુ નથી. સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીરમાં જ કલમ 370 હતી અને આ જ એક માત્ર રાજ્ય છે જ્યાં આતંકવાદના કારણે છેલ્લા ત્રણ દશકામાં લગભગ 40 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

દાયકાઓ સુદી ભારતીયો વચ્ચે કલમ 370ના કારણે દીવાલ બનેલી રહી હતી.દીવાલની બીજી તરફના આપણા ભાઈ બહેનો પણ મૂંઝવણમાં રહેતા હતા.આ દીવાલ કાશ્મીરમાં આતંકવાદને વધારી રહી હતી.આજે માથું નમાવીને સરદારને હિસાબ આપું છું કે દીવાલ હવે તોડી પડાઈ છે. 

 સરદાર પટેલે પણ ક્યારેક કહ્યુ હતુ કે, જો કાશ્મીર મુ્દ્દો તેમની પાસે રહ્યો હોત તો તેને ઉકેલવામાં આટલુ મોડુ ના થયુ હોત તેવો ઉલ્લેખ કરી વડાપ્રધાને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરનું ભારતમાં એકીકરણ એકમાત્ર ઉપાય છે અને કલમ 370 હટાવવાનો નિર્ણય તા.4 ઓગષ્ટે સંસદે કર્યો અને આજે તેમની જન્મ જયંતિએ કલમ 370 હટાવવાનો નિર્ણય હું સરદાર સાહેબને સમપત કરૂ છું.

આજે એ વાતની ખુશી છે કે, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એક નવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છે. તાજેતરમાં ત્યાં થયેલી ગ્રામ પંચાયત સ્તરની ચૂંટણીમાં 98 ટકા સરપંચોની ભાગીદારી રહી છે. હવે જમ્મુ કાશ્મીરમાં સ્થિરતા આવશે. પોતાના સ્વાર્થ માટે સરકારો ગબડાવવાનો ખેલ હવે બંધ થશે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે યાદ રાખવુ પડશે કે, સદીઓ પહેલા તમામ રજવાડાને એક સાથે લઈને એક રાષ્ટ્રના પુનરૂધ્ધાર કરવાનો સફળ પ્રયાસ ચાણક્યે કર્યો હતો.એ પછી જો આ કામ કોઈએ કર્યુ હોય તો એ સરદાર પટેલ હતા.

બાકી અંગ્રેજો ઈચ્છતા હતા કે આઝાદી સાથે જ ભારત ટુકડાઓમાં વહેંચાઈ જાય પણ સરદાર પટેલે દેશ વિરોધી  તાકાતોને પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા દિવસે કેવડિયાકોલોની ખાતે  જુદી-જુદી 48 જેટલી  સુરક્ષા એજન્સીઓ  રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજાઇ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો