'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ' હવે બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો
શ્રીનગર, તા. 31 ઓક્ટોબર, 2019, ગુરૂવાર
કાશ્મીર ખીણ 88 દિવસથી શટડાઉન છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગુરૂવારની સવાર આશાના નવા કિરણો સાથે ઉગી. બુધવારે રાત્રે 12 વાગ્યાના ટકોરે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજન સત્તાવાર રીતે અમલી બન્યું.
આ સાથે નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'નવી સિસ્ટમ'નો આશય વિશ્વાસનું મજબૂત જોડાણ ઊભું કરવાનો છે.
ભારતમાં સ્વતંત્રતા બાદ સૌપ્રથમ વખત કોઈ રાજ્યનો દરજ્જો ઘટાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યો છે. નવા કેન્દ્રશાસિત પ્રદેશો અમલમાં આવતાં ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા 9 અને રાજ્યોની સંખ્યા ઘટીને 28 થઈ ગઈ છે.
આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને સત્તાના સૂત્રો સોંપ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની વિશેષ જોગવાઈઓ પાછી ખેંચવાની અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની 5મી ઓગસ્ટની કેન્દ્ર સરકારની જાહેરાતના અનુસંધાનમાં આ પગલું લેવામાં આવ્યું છે. હવેથી જમ્મુ અને કાશ્મીર પુડ્ડુચેરીની જેમ વિધાનસભા સાથે અને લદ્દાખ ચંડીગઢની જેમ વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.
જમ્મુ અને કાશ્મીરમાં ગિરિશ ચંદ્ર મુર્મુ અને લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુરે નવા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા હતા. જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલે પહેલાં લેહમાં અને પછી શ્રીનગરમાં બંનેને શપથ અપાવ્યા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં નવી વ્યવસૃથનો આશય માત્ર જમીન પર સરહદો દોરવાનો નથી પરંતુ વિશ્વાસનું મજબૂત જોડાણ ઊભું કરવાનો છે.
જોકે, કાશ્મીર ખીણમાં વધુ એક દિવસ શટડાઉન રહ્યું હતું અને બજારો બંધ રહ્યા હતા, રસ્તાઓ ખાલીખમ હતા તેમજ બાળકો પણ સ્કૂલે ગયા નહોતા. સૃથાનિક લોકોનો દાવો છે કે રાજ્યનો દરજ્જો દૂર કરાતાં તેમની ઓળખ આંચકી લેવાઈ છે.
યુરોપીયન યુનિયનના સાંસદોનું પ્રતિનિિધમંડળ મંગળવારે બે દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા બાદ સતત ત્રીજા દિવસે પોલો ગ્રાઉન્ડ નજીક ફ્લી બજાર બંધ રહ્યું હતું. ખીણમાં લેન્ડલાઈન અને પોસ્ટ -પેઈડ મોબાઈલ સેવા શરૂ કરી દેવાઈ છે, પરંતુ બધી જ ઈન્ટરનેટ સેવા 4થી ઓગસ્ટની રાતથી બંધ છે.
મોટાભાગના ટોચના અને દ્વિતીય હરોળના નેતાઓ અને અલગતાવાદીઓની તકેદારીના ભાગરૂપે અટકાયત કરાઈ છે. જ્યારે બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત મુખ્ય પ્રવાહના અનેક નેતાઓની અટકાયત કરાઈ છે આૃથવા તેમને નજર કેદ કરાયા છે.
Comments
Post a Comment