મોદીની 'મન કી બાત'માં ચૂંટણીનો ઉલ્લેખ પણ નહીં
નવીદિલ્હી, તા. 27 ઓક્ટોબર 2019, રવિવાર
મહારાષ્ટ્ર અને હરિયાણા વિાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી નરેન્દ્ર મોદીએ રવિવારે પહેલી વાર 'મન કી બાત' કરી. મોદી આ 'મન કી બાતદમાં આ બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો વિશે વાત કરશે તેવી સૌને આશા હતી પણ મોદીએ તેનો ઉલ્લેખ સુદ્ધાં ના કર્યો. મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અયોધ્યા, ફેસ્ટિવલ ટુરિઝમ, સ્વચ્છતા અભિયાન જેવા મુદ્દાની વાત કરી પણ ચૂંટણીની વાત ટાળી.
હરિયાણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ૨૦૧૪ની સરખામણીમાં ઘટી છે. મોદી તેનાં કારણો અંગે ચર્ચા કરે તેવી આશા તો કોઈ રાખતું જ નથી પણ કમ સે કમ બંને રાજ્યોમાં ભાજપની હવે પછીની દિશા શું હશે તે વિશે બોલશે તેવું સૌ માનતાં હતાં પણ એ આશા ફળી નથી. ભાજપની માનસિકતા સફળતા મળે ત્યારે તેનો જોરશોરથી પ્રચાર કરવાની છે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે છૂપાઈ જવાની છે. મોદીની 'મન કી બાત' માં પણ આ પલાયનવાદી માનસિકતાનું જ પ્રદર્શન થયું.
બિહારમાં ઓવૈસીની સફળતાથી ભાજપના નેતા ખુશ
બિહારમાં પેટાચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને મળેલી સફળતાના કારણે આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનમાં ચિંતાનો માહોલ છે. બિહારમાં મુસ્લિમ મતબેંક પરંપરાગત રીતે આરજેડી-કોંગ્રેસની ગણાય છે. ઓવૈસીને મળેલી સફળતાના કારણે તેમાં ગાબડું પડવાની ચિંતા આરજેડી-કોંગ્રેસના નેતાઓને સતાવવા માંડી છે.
બીજી તરફ ઓવૈસીને મળેલી સફળતાની ગિરિરાજ સિંહ સહિતના ભાજપના કેટલાક નેતાઓએ ટીકા કરી છે પણ ભાજપમાં ખુશી છે. ભાજપ માને છે કે, ઓવૈસી મજબૂત થાય તેના કારણે ભાજપને ડબલ ફાયદો છે. ઓવૈસીના કારણે આરજેડી-કોંગ્રેસની મુસ્લિમ મતબેંકમાં તો ગાબડું પડે જ પણ જેડીયુની મતબેંકમાં પણ ગાબડું પડે. બિહારમાં મુસ્લિમોનો એક વર્ગ નીતિશ કામરેન પસંદ કરે છે પણ ઓવૈસી તેમાં ગાબડું પાડી શકે. તેના કારણે નીતિશની તાકાત ઘટે ને નીતિશને કાબૂમાં રાખવા સરળ પડે.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ઓવૈસીને પડખે ભરાવાનો સંકેત આપ્યો છે. ઓવૈસીની મદદથી દલિત-મુસ્લિમ એકતા મજબૂત કરવાની વાતો તેમણે કરવા માંડી છે. રાજકીય વિશ્લેષકોના મતે માંઝીએ ભાજપના ફાયદા માટે આ ઝંડો ઉઠાવ્યો છે.
દિવાળી વેકેશનમાં પણ સરકારી અધિકારીઓને ઉજાગરા
દિલ્હીમાં અત્યારે દિવાળી વેકેશનનો માહોલ છે. રાજકીય ચહલપહલ શાંત થઈ ગઈ છે. ભાજપ મહારાષ્ટ્રના કોકડામાં ગૂંચવાયેલો છે પણ આ કોકડું નરેન્દ્ર મોદી, અમિત શાહ વગેરે ટોચના નેતાઓએ ઉકેલવાનું છે તેથી ભાજપના નેતા નવરાધૂપ છે. જો કે મોદી સરકારમાં નિરાંત નથી અને ખાસ તો પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ) તથા વિદેશ મંત્રાલયના અધિકારીઓને તો ઉજાગરા છે. તેનું કારણ મોદીની સાઉદી અરેબિયાની યાત્રા અને એ પછી જર્મન ચાન્સેલર એંજલા મર્કેલની ભારત યાત્રા છે. દેશના અર્થતંત્રને ખાતર બંનેના અધિકારી ઉજાગરા કરી રહ્યા છે.
મોદી મંગળવારથી બે દિવસની સાઉદીની યાત્રાએ જવાના છે. મોદી ૩૦ ઓક્ટોબરે પાછા આવશે ને મર્કેલ ૧ નવેમ્બરે ભારતની યાત્રાએ આવશે. આપણું અર્થતંત્ર ખરાબ હાલતમાં છે. સાઉદી અને જર્મની બંને આથક રીતે સદ્ધર દેશો છે તેથી અર્થતંત્રને બચાવવા તેમની મદદ લેવાની મોદીની યોજના છે. સાઉદી ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું છે જ્યારે જર્મની પણ ભારતમાં રીન્યુએબલ એનર્જી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ વગેરેમાં જંગી રોકાણ કરશે. સાથે સાથે ટેકનોલોજિકલ સહકાર પણ આપશે. આ કારણે મોદીએ પૂરી તાકાત લગાવી દેવા પીએમઓ અને વિદેશ મંત્રાલયને કહી દીધું છે.
શિવસેનાને મનાવવાની જવાબદારી સંઘને સોંપાઈ
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યમંત્રીપદના મુદ્દે અંટસ પડી ગઈ છે. શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ વહેંચવાના મુદ્દે અડી ગઈ છે જ્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે મુખ્યમંત્રીપદ છોડવા રાજી નથી.
શિવસેના પોતાનું વલણ વધારે ને વધારે અક્કડ કરી રહી છે ત્યારે ભાજપના નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતાઓના શરણે ગયા હોવાનું ભાજપના નેતાઓનું કહેવું છે. સંઘના વડા મોહન ભાગવતને શિવસેનાને સમજાવવા વિનંતી કરાઈ છે. ભાગવતે પોતે તો સીધ્ધી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો છે પણ ભૈયાજી જોશીને વાત કરવા કહશે તેવો સધિયારો આપ્યો હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે. બે હિંદુવાદી વિચારધારા ધરાવતા પક્ષો સત્તા માટે આ રીતે લડે તેના કારણે હિંદુવાદના સમર્થકોને આઘાત લાગ્યો છે તેવી ટીપ્પણી પણ ભાગવતે આ વાતચીતમાં કરી હોવાનું કહેવાય છે.
સંઘે શિવસેનાને સમજાવવાનું બિડું તો ઉઠાવ્યું પણ આ સમજાવટ કેટલી કામ કરશે એ સવાલ છે.
સોનિયાએ પણ મોદીને 'રાજધર્મ'ની યાદ અપાવી
સોનિયા ગાંધીએ રવિવારે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા આપી ત્યારે સાથે સાથે તેમણે નરેન્દ્ર મોદીને 'રાજધર્મ' ની યાદ પણ અપાવી દીધી. મોદી સરકારે તાજેતરમાં જ અલગ અલગ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની જાહેરાત કરી હતી. સોનિયાએ આ ભાવ પૂરતા નહીં હોવાનું જાહેર કરીને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવીને સાચો 'રાજધર્મ' નિભાવવા મોદીને કહ્યું છે. સત્તામાં આવ્યા પહેલાં ભાજપે ખેડૂતોને તેમના ખર્ચના દોઢસો ટકા ભાવ અપાવવા વચન આપેલું તેનું શું થયું એવો સવાલ પણ સોનિયાએ પૂછયો છે.
મોદી માટે 'રાજધર્મ' નો મુદ્દો સફળતા સાથે સંકળાયેલો છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાજપેયીએ તેમને મુખ્યમંત્રી તરીકેના 'રાજધર્મ'ની યાદ અપાવી હતી. 'રાજધર્મ' ના નામે મોદીને ભિડાવવાની ભરપૂર કોશિષો થઈ પણ એ ફળી નહોતી. વાસ્તવમાં એ પછી મોદીની સફળતાનો સમય શરૃ થયો. સોનિયાએ 'રાજધર્મ'ની યાદ અપાવી છે ત્યારે પણ મોદી પાછા મજબૂત ના થઈ જાય તેવી ચિંતા કોંગ્રેસીઓને સતાવી રહી છે.
Comments
Post a Comment