બગદાદી તો માર્યો ગયો પરંતુ આતંકવાદી વિચારધારાનો ખાત્મો વધારે જરૂરી
- બગદાદીના ખાત્મા સાથે ઇસ્લામિક સ્ટેટનો અંત આવી જશે એવું માની લેવાની જરૂર નથી કારણ કે મોટે ભાગે તો એવું જ બનતું રહ્યું છે કે કોઇ એક આતંકવાદી સંગઠન નબળું પડે કે બીજું ખડું થઇ જાય છે એ સંજોગોમાં આતંકવાદની વિચારધારાને નાબૂદ કર્યા વિના દુનિયાને તેના ખતરામાંથી બચાવવું શક્ય નથી
ગયા રવિવારે જ્યારે દેશ દીવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે અમેરિકન કમાન્ડોએ ઇસ્લામિક સ્ટેટના કથિત ખલીફા અબૂ-બકર અલ-બગદાદીનો તેના જ ઘરમાં ઘૂસીને જ ઘડો લાડવો કરી નાખ્યો. આમ તો છેલ્લા ઘણાં મહિનાથી બગદાદી એક હારી રહેલી શક્તિમાત્ર હતો પરંતુ તેનો ખૌફ હજુ પણ યથાવત્ હતો. તે સતત નાસતો ફરી રહ્યો હોવાના સમાચાર આવતા રહેતા હતાં. એવામાં ઇસ્લામિક સ્ટેટના આકાના માર્યા જવાની ખબર દુનિયા માટે શાંતિનો શ્વાસ લેવા સમાન છે. પશ્ચિમ એશિયાના ઇસ્લામિક રીતિરિવાજથી ચાલતા દેશો માટે પણ બગદાદીના માર્યા જવું મોટી રાહતસમાન છે. બગદાદીએ જે ઝનૂન અને પાગલપન ઊભું કર્યું હતું એનો સૌથી મોટો ખતરો આ મુસ્લિમ દેશોને જ હતો.
ઉદ્ભવના થોડા સમયમાં જ આખી દુનિયામાં ભય અને બર્બરતાના પર્યાય બની ચૂકેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સ્થાપક અબૂ-બકર અલ-બગદાદીના માર્યા જવાની ખબર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટી ઘટના સ્વરૂપે નોંધાશે એમાં બેમત નથી. આમ તો પહેલાં પણ બગદાદી માર્યો ગયો હોવાના સમાચાર અવારનવાર આવતા હતાં પરંતુ એ ખબરો પાયાહિન સાબિત થતી હતી. હવે જ્યારે અમેરિકાના ડેલ્ટા કમાન્ડોના એક ગુપ્ત અભિયાન બાદ જે તથ્યો સામે આવ્યાં છે એના દ્વારા સાબિત થયું છે કે દુનિયાને છેવટે બગદાદી અને તેના આતંકથી મુક્તિ મળી છે.
બગદાદી એક કરતા વધારે રીતે દુનિયા માટે જોખમ પેદા કરી રહ્યો હતો. ખૂબ નાના કહી શકાય એવા સમયગાળામાં તેણે દુનિયાભરના અનેક યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યાં. તેની જાળમાં ઇસ્લામિક દેશો તો ઠીક, યુરોપ અને અમેરિકાના આધુનિક સમાજના પણ અનેક યુવાનો ફસાયા હતાં. ભારતમાંથી પણ કેટલાંક ગુમરાહ લોકો બગદાદીની વાતોમાં આવીને ઇસ્લામિક સ્ટેટમાં ભરતી થવા પહોંચ્યાં હતાં.
ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો સફાયો બોલ્યા બાદ પણ તેનો કાળો ઝંડો દુનિયાના અનેક હિસ્સાઓમાં કટ્ટરવાદી તાકાતોના હાથમાં દેખાવા લાગ્યો હતો. ઇરાક અને સીરિયામાં નબળા પડયા બાદ ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ સારો એવો પગપેસારો કર્યો હતો.
ઇરાકી શહેર મોસૂલ પર કબજો મેળવીને ઇસ્લામિક સ્ટેટે પહેલી વખત દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એ પછી સદ્દામ હુસેનનો ગઢ ગણાતા તિકરિતમાં પણ પોતાનો ઝંડો લહેરાવીને ઇસ્લામિક સ્ટેટે પોતાના મૂળિયા મજબૂત કર્યા હતાં. વર્ષ ૨૦૧૪માં સીરિયા અને ઇરાકમાં ભૂમધ્ય સમુદ્ર કિનારાથી લઇને દક્ષિણમાં બગદાદ સુધી આશરે ૩૪ હજાર ચોરસ માઇલ ક્ષેત્રમાં ઇસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો હતો. તેની આવક મુખ્યત્ત્વે પેટ્રોલિયમ ઉત્પાદન અને સ્મગલિંગ, અપહરણના બદલામાં મળતી રકમ અને ચોરીની ચીજવસ્તુઓને વેચવાથી થતી હતી.
અનેક દેશોની સેનાઓ સામે ટકી રહેવા પાછળ અલ-બગદાદીની નેતૃત્ત્વ ક્ષમતા જ કારણભૂત હોવાનું જાણકારોનું માનવું છે. રૂઢિવાદી અને હિંસક ઇસ્લામી આંદોલનમાં વિશ્વાસ ધરાવતા બગદાદીએ પોતાના કબજા હેઠળના વિસ્તારમાં શરીયત અનુસાર શાસન ચલાવવાની જાહેરાત કરી હતી. એટલા માટે બગદાદીના માર્યા જવાની ખબર નિશ્ચિતપણે ઇસ્લામિક સ્ટેટ માટે મોટો આંચકો સાબિત થઇ શકે છે. જોકે જાણકારોનું કહેવું છે કે ભલે અમેરિકા એવો દાવો કરે કે ઇસ્લામિક સ્ટેટની હાર થઇ છે પરંતુ તેનું જોખમ હજુ ઊભું છે. ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ઇરાક અને સીરિયાની બહાર નીકળીને બીજા દેશોમાં ફેલાઇ રહી છે.
ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ અમેરિકા અને તેના સહયોગીઓ તેમજ રશિયા અને તેના સહયોગીઓએ પોતપોતાની રીતે લડાઇ લડી. આ લડાઇ એક ખતરનાક આતંકવાદી સંગઠન વિરુદ્ધની હતી જેમાં તેમણે ઘણે અંશે સફળતા પણ મેળવી. જોકે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઇ કરતા પણ વધારે મહત્ત્વની લડાઇ હતી ઇસ્લામિક સ્ટેટની વિચારધારા વિરુદ્ધ. કારણ કે ઇસ્લામિક સ્ટેટની શક્તિ તો અમુક ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે પરંતુ તેની વિચારધારાનો વ્યાપ ક્યાંય વધારે છે. આ વિચારધારા આખી દુનિયાને ઝપટમાં લેવાનો ઇરાદો ધરાવે છે.
મુલ્લા ઉમર, ઓસામા બિન લાદેન અને અલ ઝવાહિરી બાદ અલ બગદાદીનો પણ ખાત્મો બોલાવવો અમેરિકા માટે એક મહાન ઉપલબ્ધિ છે. દુનિયાના દેશો અમેરિકાની ગમે તેટલી ટીકા કરે પરંતુ એ હકીકત છે કે જ્યાં પણ લોકશાહીને કચડવામાં આવે છે કે પછી હિંસા આચરવામાં આવે છે ત્યાં અમેરિકા ખડું થઇ જાય છે. ઇસ્લામિક આતંકવાદનો જ દાખલો લઇએ તો દુનિયામાં જ્યાં પણ તે હિંસા આચરીને શાંતિનો શત્રુ બની બેઠુ છે અને નિર્દોષ લોકોના રક્ત વહેવડાવી રહ્યો છે ત્યાં આતંકવાદી તાકાતોને રોકવા અમેરિકાની હાજરી છે. પોતાની અર્થવ્યવસ્થાની પરવા કર્યા વિના અમેરિકા સતત ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યું છે.
અમેરિકાના ગુપ્તચર તંત્રની સફળતા પણ બેજોડ છે અને અમેરિકન કમાન્ડોના સાહસ અને હિંમતના પ્રતાપે જ આતંકવાદના આકાઓ એક પછી એક ખતમ થઇ રહ્યાં છે.
અમેરિકાએ પહેલા ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટનો સફાયો કર્યો અને હવે સીરિયામાં પણ આઇસિસનો ખાત્મો કરવા અમેરિકા સતત પરાક્રમ દર્શાવી રહ્યું છે. અમેરિકા અને યુરોપી દેશોના મૂડીવાદ અને સંસ્થાનવાદ વિરુદ્ધની લડાઇ ગણાવીને આવા આકાઓ લોકોને જેહાદના નામે ઉશ્કેરે છે પરંતુ હકીકત એ છે કે આતંકવાદ એ બીજું કશું નહીં પરંતુ કટ્ટરવાદમાંથી પરિણમેલી હિંસાની રાજનીતિ જ છે.
બગદાદીના ખાત્મા બાદ પણ અમેરિકા કે અન્ય દેશોએ વધારે ખુશ થવાની જરૂર નથી અને એવું માની લેવાની પણ જરૂર નથી કે બગદાદીના માર્યા જવાથી ઇસ્લામિક સ્ટેટનો અંત આવી જશે. ખાસ કરીને સીરિયામાં જે પરિસ્થિતિ છે એ જોતાં તો નજીકના ભવિષ્યમાં ઇસ્લામિક સ્ટેટનો અંત આવે એવી શક્યતા જણાતી નથી. વર્ષ ૨૦૧૧માં સીરિયામાં શરૂ થયેલા ગૃહયુદ્ધનો હજુ સુધી સંપૂર્ણ અંત આવ્યો નથી. તાજેતરમાં જ અમેરિકાએ સીરિયામાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવ્યાની સાથે જ તુર્કીએ કૂર્દોના પ્રભુત્ત્વ ધરાવતા વિસ્તારોમાં હુમલા કર્યાં હતાં. સીરિયાના ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ઇસ્લામિક સ્ટેટે પણ ત્યાં ઝંપલાવ્યું હતું અને કાળો કેર વર્તાવ્યો હતો.
હકીકતમાં સીરિયામાં જે ચાલી રહ્યું છે એની પાછળ અનેક શક્તિશાળી દેશોનો કૂટનૈતિક સ્વાર્થ રહેલો છે. કેટલાંક પક્ષો પોતાના સ્વાર્થ માટે ઇસ્લામિક સ્ટેટને સંરક્ષણ આપવાની અને તેને ફેલાવવામાં સાથ આપવાની ભૂમિકા ભજવી રહ્યાં છે. આજે સીરિયામાં અનેક દેશોની સેનાઓ અને લડવૈયાઓ હિંસક લડાઇ લડી રહ્યાં છે. એક તરફ અમેરિકા છે તો બીજી તરફ ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશો છે. સીરિયાના શાસક શિયા મૂળના છે અને શિયા દેશોના સ્વયંભૂ નેતા બની બેઠેલું ઇરાન તેની સાથે ઊભું છે. રશિયા પોતાની અમેરિકાવિરોધી નીતિઓના કારણે સક્રિય છે. તો તુર્કી પોતાના જાનીદુશ્મન કૂર્દોના સફાયા માટે અભિયાન ચલાવી રહ્યું છે.
આ એ જ કૂર્દો છે જેમણે બહાદુરીપૂર્વક લડીને બગદાદી અને તેના આતંકવાદીઓને જોરદાર લડત આપી હતી. કૂર્દોની સેનાએ પહેલાં ઇરાકમાંથી બગદાદીના આતંકવાદીઓને ખદેડયાં અને પછી સીરિયામાં પણ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. હવે એ જ કૂર્દો અમેરિકાનો આશરો દૂર થયા બાદ તૂર્કી સેનાના હુમલા સામે સંઘર્ષ કરી રહ્યાં છે. તુર્કીની લશ્કરી કાર્યવાહીના કારણે અમેરિકા અને તુર્કી વચ્ચેના સંબંધો પણ વણસ્યાં છે.
હકીકતમાં તૂર્કી તેની સીરિયા સાથે જોડાયેલી સરહદ પર બફર ઝોન બનાવવા ધારે છે જ્યાં ન તો સીરિયાની સેનાની હાજરી હોય કે ન તો કૂર્દોની. હવે સવાલ એ છે કે બગદાદીના માર્યા ગયા બાદ સીરિયાની લડાઇ સમાપ્ત થઇ જશે કે પછી ઇસ્લામિક સ્ટેટ નાબૂદ થશે ખરું? ઇસ્લામિક સ્ટેટ નબળું પડી જશે એ નક્કી છે પરંતુ તેના આતંકવાદીઓ બીજા સંગઠનોમાં ઘૂસી શકે છે.
અત્યાર સુધી તો એવું જ બનતું આવ્યું છે કે કોઇ એક આતંકવાદી સંગઠન નબળું પડે કે બીજું ખડું થઇ જાય છે.
હકીકતમાં આતંકવાદની વિચારધારાને નાબૂદ કર્યા વિના દુનિયાને તેના ખતરામાંથી બચાવવું શક્ય નથી. આતંકવાદને સંરક્ષણ આપતી તાકાતોનો પણ અંત લાવવો એટલો જ જરૂરી છે અને એના માટે આખી દુનિયાએ એક થઇને વિચારીને અભિયાન આદરવાની જરૂર છે.
Comments
Post a Comment