ભારતમાં કોરોનાનો વધુ એક ભયાવહ રેકોર્ડ, 1 દિવસમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 3523ના મોત
- મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી
નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર
કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે. ભારતમાં કોરોના દરરોજ પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના 4,01,993 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં જ 3,523 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેના એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 3,86,452 નવા કેસ સામે આવ્યા હતા અને 3,498 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં આજથી એટલે કે શનિવારથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. આજથી 18 વર્ષથી 45 વર્ષની ઉંમર ધરાવતા લોકો પણ વેક્સિન લઈ શકશે. જો કે, દુર્ભાગ્યવશ અનેક મોટા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી છે.
વેક્સિન શોર્ટેજના કારણે અનેક રાજ્યોએ પહેલી મેથી શરૂ થતો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં અસમર્થતા દર્શાવી છે અથવા તો તેમાં આંશિક રીતે જોડાયા છે. મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર હાલ કોરોનાના હોટસ્પોટ બન્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,074 નવા કેસ સામે આવ્યા છે અને 375 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં હાલ સક્રિય દર્દીઓની સંખ્યા 99,361 થઈ ગઈ છે.
Comments
Post a Comment