મદ્રાસ હાઈકોર્ટની ઝાટકણી બાદ ચૂંટણી પંચનો નિર્ણય, 2 મેના રોજ વિજય સરઘસો નહીં કાઢી શકાય
નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર
ભારતના ચૂંટણી પંચે ચાર રાજ્યો આસામ, કેરાલા, પશ્ચિમ બંગાળ, તામલિનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીની મતગણતરીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે, 2 મેના રોજ થનારી મતગણતરી બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કાઢવામાં નહીં આવે.ચૂંટણી પંચે આ નિર્ણય મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની ગઈકાલે કાઢેલી ઝાટકણી બાદ લીધો છે.હાઈકોર્ટે સોમવારે આકરી ટિપ્પણી કરીને કહ્યુ હતુ કે, દેશમાં કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે.કદાચ ચૂંટણી પંચ દેશની સૌથી બિન જવાબદાર સંસ્થા છે.
એટલુ જ નહીં હાઈકોર્ટે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવો જોઈએ.
હાલમાં ચાર રાજ્યો તામિલનાડુ, કેરાલા, આસામમાં તેમજ પોંડીચેરીમાં તો ચૂંટણી પૂરી થઈ ચુકી છે અને પશ્ચિમ બંગાળમાં એક તબક્કાનુ મતદાન બાકી છે.આ તમામ રાજ્યોની મતગણતરી બે મેના રોજ થવાની છે.
દરમિયાન ચૂંટણી પંચના સૂત્રોએ હાઈકોર્ટે કરેલી ટિપ્પણી અંગે ગઈકાલે પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે, પહેલા બિહાર અને એ પછી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી દરમિયાન કોરોના સામે બચાવ માટે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.કોરોના સામે લડવા માટેની ગાઈડલાઈનનુ પાલન થાય તે જવાબદારી જે તે રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની છે.પણ ચૂંટણી પંચે સંક્રમણથી લોકોને બચાવવા માટે પોતાના અધિકારીઓનો ઉપયોગ કરીને નિયમો લાગુ કરાવ્યા હતા.બિહારમાં પણ જે રીતે ચૂંટણી પંચે ચૂંટણી કરાવી તેની અગાઉ પ્રશંસા થઈ ચુકી છે.
આ સૂત્રે કહ્યુ હતુ કે, કોરનાની બીજી લહેર અંગે અગાઉથી કોઈ જાણકારી ઉપલબ્ધ નહીં હોવા છતા ચૂંટણી પંચે તકેદારીના ભાગરુપે કોરોના પ્રોટોકોલનુ પાલન થાય તેવા પગલા ભર્યા હતા.તામિલનાડુ, કેરાલા, પોંડીચેરીમાં તો કોરોનાના કેસ અસાધારણ ઝડપે વધ્યા તે પહેલા 6 એપ્રિલે ચૂંટણી પૂરી થઈ ગઈ હતી.
Comments
Post a Comment