બેકાબૂ કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.86 લાખ કેસ, 3502ના મોત
- મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક આ 5 શહેરોમાં કોરોનાના સૌથી વધારે કેસ
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર
દેશમાં કોરોના ભારે બેકાબૂ બન્યો છે અને સતત 9મા દિવસે પણ 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,86,693 કેસ નોંધાયા છે અને 3,502 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં સંક્રમણનો દર પણ 21.2 ટકાએ પહોંચી ગયો છે. મતલબ કે, પ્રત્યેક 100 લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે તેમાંથી 21 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.
6 એપ્રિલથી દરરોજ 1 લાખથી વધારે કેસ સામે આવવા લાગ્યા હતા અને 24 દિવસ બાદ આંકડો 4 લાખએ પહોંચવા આવ્યો છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી મૃતકઆંક 3,000થી વધારે નોંધાઈ રહ્યો છે જે ચિંતાજનક છે. 13મી એપ્રિલ બાદ મૃતકઆંક વધી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોના સંક્રમણના 66,159 નવા કેસ સામે આવ્યા હતા અને 771 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 45,39,553 થઈ ગઈ છે જ્યારે કુલ મૃતકઆંક વધીને 67,985 થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે આ દરમિયાન 68,537 દર્દીઓને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સૌથી પ્રભાવિત શહેરોમાં 5 મહારાષ્ટ્રના
કોરોનાના કારણે સૌથી વધુ પ્રભાવિત 10 શહેરોમાંથી 5 મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિકમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. તે સિવાયના શહેરો છે હૈદરાબાદ, લખનૌ, કામરૂપ મેટ્રો અને અમદાવાદ.
15 સૌથી પ્રભાવિત રાજ્યો
રાજ્યવાર જોઈએ તો શુક્રવારે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ અને ચંદીગઢનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment