વીમા કંપનીઓ કોવિડ કેસમાં 1 કલાકની અંદર કેશલેસ ક્લેમનો નિકાલ લાવેઃ IRDAIનો નિર્દેશ
- કોરોનાના તમામ દર્દીઓને રાહત મળશે અને હોસ્પિટલોમાં બેડની સમસ્યા દૂર કરવામાં પણ મદદ મળશે
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર
ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ કોવિડ-19 સાથે સંબંધિત કોઈ પણ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમનો 60 મિનિટ એટલે કે 1 કલાકની અંદર નિકાલ લાવવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે આ મામલે એક આદેશ આપ્યો હતો અને ત્યાર બાદ ઈરડાઈએ આ નિર્દેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, IRDAI વીમા કંપનીઓને કેશલેસ ક્લેમનો તાત્કાલિક નિકાલ લાવવા નિર્દેશ આપે. ઈરડાઈએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે, તેઓ આ અંગે તમામ સંબંધિત પક્ષોને જાણકારી આપી દે કે, કોવિડનો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અને તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દે તેની એક કલાકની અંદર કેશલેસ ક્લેમનો ઉકેલ આવવો જોઈએ.
દર્દીઓને મળશે રાહત
આ કારણે કોરોનાના તમામ દર્દીઓને રાહત મળશે અને હોસ્પિટલોમાં બેડની સમસ્યા દૂર કરવામાં પણ મદદ મળશે કારણ કે, દર્દીઓને ડિસ્ચાર્જ કરવા અને નવા દર્દીઓને દાખલ કરવાનું પણ સરળ બનશે. ઈરડાઈના કહેવા પ્રમાણે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કોવિડ-19ના કેશલેસ ક્લેમ 30થી 60 મિનિટની અંદર મંજૂર કરવામાં આવે જેથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં મોડું ન થાય અને હોસ્પિટલમાં બેડ ખાલી થતા રહે. અગાઉ ઈરડાઈએ નિર્દેશ આપ્યો હતો કે, 2 કલાકની અંદર કેશલેસ ક્લેમનો નિકાલ લાવવામાં આવે.
Comments
Post a Comment