ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર બનશે, તમામ જિલ્લાઓને ગામડાઓની સ્થિતિ સંભાળવા મુખ્યમંત્રીનો આદેશ
અમદાવાદ, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર
કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકી છે. આ વખતે ચિંતાની વાત એ પણ છે કે કોરોનાની બીજી લહરે શહેરોની સાથે સાથે ગામડોઓને પણ બાનમાં લીધા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસનો આંકડો અને સાથે સાથે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને કોઇ પ્રકારની પ્રાથમિક સુવિધા અને જાગૃતિના અભાવે ગામડાઓની હાલત અત્યારે કફોડી બના છે. રાજ્યના એવા કેટલાય ગામડાઓ છે, જ્યાં કોરોનાએ 30 કરતા વધારે લોકોનો ભોગ લીધો છે. ખોબા જેવડા ગામની અંદર 30 લોકોના મોતથી ગામડાઓમાં ભયનો માહોલ છે.
આ બધા વચ્ચે રાજ્યની રુપાણી સરકારે ગામડાઓને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. ગ્રામ્યવિસ્તારમાં કેસનો ગ્રાફ સતત ઉંચો રહેવાને કારણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા ગઇકાલે કેટલીક સુચનાઓ આપી હતી. જેને પગલે હવે ગાંધીનગર જિલ્લાના દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર ઉભુ કરવા માટે જિલ્લાકક્ષાએથી ગ્રામ પંચાયતોને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ગામના પોઝિટિવ દર્દીઓને રાખીને ચેપ ફેલાતો અટકાવવાના પગલાં ભરવા માટે તલાટી-સરપંચને કરવા આદેશ છુટયા છે.
ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં શહેરોની સરખામણીએ કોરોના વાયરસ વધારે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. જેથી મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના ફેલાવાને રોકવા માટે જિલ્લા પંચાયતો સહિત સંબંધિત તંત્રને સુચના આપી છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાન દ્વારા આજે ચારેય તાલુકાના વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર રેપીડ ટેસ્ટીંગ વધુ થાય અને પોઝિટિવ દર્દીઓને અલગ તારવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામડાઓમાં આઇસોલેશન સેન્ટર શરૃ કરવા બાબતે પણ તાલુકા વિકાસ અધિકારીઓને પણ સુચના આપવામાં આવી હતી.
Comments
Post a Comment