બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન, 8મા ફેઝની 35 બેઠકો પર વોટિંગનો આરંભ
- કોરોના પ્રોટોકોલના પાલન સાથે તમે લોકો મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વને વધુ મજબૂત બનાવોઃ વડાપ્રધાન
નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2021, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે એટલે કે આજે વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આઠમા અને અંતિમ તબક્કાના મતદાનમાં 4 જિલ્લાની કુલ 35 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં માલદાની 6, બીરભૂમની 11, મુર્શિદાબાદની 11 અને કોલકાતા નોર્થની 7 બેઠકો સામેલ છે. મોડી સાંજે બંગાળ ચૂંટણીનું એક્ઝિટ પોલ જાહેર થશે જ્યારે 2 મેના રોજ પરિણામો ઘોષિત થશે.
ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ આજે નોર્થ કોલકાતાના કાશીપુર-બેલગછિયા ખાતે પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ મિથુને જણાવ્યું કે, આજે પહેલી વખત મેં આટલા શાંતિપૂર્ણ વાતાવરણમાં મત આપ્યો છે જેના માટે હું સુરક્ષાકર્મીઓને શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન માટે વિનંતી કરી હતી. તેમણે લખ્યું હતું કે, આજે બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણી છે. કોરોના પ્રોટોકોલના પાલન સાથે તમે લોકો મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વને વધુ મજબૂત બનાવો.
કોંગ્રેસી નેતા અધીર ચૌધરીના ગૃહક્ષેત્ર મુર્શિદાબાદ જિલ્લામાં માકપા-કોંગ્રેસ-આઈએસએફ ગઠબંધનને સારા પરિણામોની આશા છે. કોંગ્રેસ માલદા જિલ્લાના પોતાના પરંપરાગત ગઢમાં પણ કેટલાક મત મેળવવા પ્રયત્ન કરી રહી છે જે એક સમયે કેન્દ્રીય મંત્રી એબીએ ગની ખાન ચૌધરીનો ગઢ હતો.
Comments
Post a Comment