આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના ભારે આંચકા, 6.4ની તીવ્રતાના કંપનથી અનેક ઈમારતોને પડી તિરાડ
- સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ભૂકંપના કારણે થયેલા નુકસાનની તસવીરો
નવી દિલ્હી, તા. 28 એપ્રિલ, 2021, બુધવાર
આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના સોનિતપુર ખાતે નોંધાયુ હતું અને સવારે 7:51 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 6.4 જેટલી નોંધાઈ છે. અનેક મિનિટો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેથી લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા.
આસામ સહિત ઉત્તર બંગાળમાં ભૂકંપનો પ્રભાવ અનુભવાયો હતો. ગુવાહાટીમાં અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ હતી. સવારે 7:51 કલાકે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો અને ત્યાર બાદ બીજા બે આંચકા પણ અનુભવાયા હતા. ભૂકંપના કારણે આસામના અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ છે.
ભૂકંપ બાદ થયેલા નુકસાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ગુવાહાટી શહેરમાં સૌથી વધારે નુકસાન નોંધાયું છે. અનેક જગ્યાએ દીવાલો ધસી પડી છે અને બારીઓ તૂટી ગઈ છે. આસામના અનેક વિસ્તારોમાં ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઘાયલ થયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા.
આસામના મુખ્યમંત્રીએ ટ્વીટરના માધ્યમથી સૌ કુશળ મંગળ હશે તેવી કામના કરી હતી અને લોકોને સાવધાન રહેવાની સૂચના આપી હતી.
Comments
Post a Comment