રમખાણોનો મુદ્દો સળગતો રાખવા બદઈરાદાથી અરજી કરાઈ : સુપ્રીમ


- 2002ના રમખાણો ગુજરાત સરકાર પ્રેરિત હોવાનો જાફરીનો દાવો સુપ્રીમે ફગાવ્યો, મોદી સહિત 64ને ક્લિનચીટ

- એસઆઈટીના રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજી 'કોઈ અન્યો' દ્વારા પ્રેરિત, આ પ્રક્રિયામાં સામેલ બધા લોકોને કઠેડામાં ઊભા કરવા જોઈએ : સુપ્રીમ

- મુસ્લિમો સામે સામુહિક હિંસા માટે ઉચ્ચ સ્તરે કાવતરું ઘડાયું હોવાના એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા નથી : સુપ્રીમ

- અરજીના નામે 514 પાનામાં કોર્ટના ચૂકાદાઓ પર જ સવાલો ઊઠાવાયા છે : એસઆઈટીની કામગીરી પ્રશંસનીય

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૨માં ગુજરાતના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઈટી રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી ઝકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમે ઝકિયા જાફરીની ઝાટકણી કાઢતા નોંધ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી આ મુદ્દાને સળગતો રાખવા માટે બદઈરાદાપૂર્વક આ અરજી કરાઈ છે. સુપ્રીમે આ કેસમાં નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને ક્લિનચીટ આપી છે. સુપ્રીમે ૨૦૦૨ના રમખાણો લઘુમતીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર પ્રેરિત હોવાના જાફરીના દાવાને નકારી કાઢ્યો છે. અગાઉ ૨૦૧૨માં મેજિસ્ટ્રેટ અને ૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીના રિપોર્ટને મંજૂરી આપી દીધી હતી. હવે સુપ્રીમે કહ્યું કે, આ અરજી તથ્યહીન છે. આમ, સુપ્રીમે એસઆઈટીની તપાસ ફરી શરૂ કરવાના પ્રયાસો પર પડદો પાડી દીધો છે.

ન્યાયાધીશો એએમ ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે ૪૫૨ પાનાના તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે, મુસ્લિમો સામે સામુહિક હિંસા માટે ઊચ્ચ સ્તરે ગુનાઈત કાવતરું રચાયું હોય તેવા કોઈ પુરાવા એસઆઈટીની તપાસમાં મળ્યા નથી.  કોંગ્રેસ નેતા અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ૬૩ લોકોને ક્લીન ચીટ આપતા એસઆઈટીના ક્લોઝર રિપોર્ટને વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં ઝકિયા જાફરીની અરજી પર ત્રણ વર્ષ સુધી સુનાવણી થઈ શકી નહીં. મોટાભાગે અરજદારે જ સુનાવણી ટાળવા વિનંતી કરી હતી. ગયા વર્ષે સુપ્રીમે આ બાબતે આકરું વલણ અપનાવીને સુનાવણી વધુ ટાળવાનો ઈનકાર કરી દીધો હતો. અંતે સુપ્રીમે આ અરજી પર મેરેથોન સુનાવણી પૂરી કર્યા પછી સાત મહિના પહેલા ૯મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ચૂકાદો અનામત રાખ્યો હતો.  સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ વિરુદ્ધ રમખાણોના આરોપોનો કેસ બંધ કરવાના એસઆઈટીના ક્લોઝર રિપોર્ટને પડકારવા બદલ ઝકિયા જાફરીની ઝાટકણી પણ કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે તેમની અરજી બદઈરાદાપૂર્વકની તેમજ આ મુદ્દાને સતત સળગતો રાખવાના પ્રયાસ સમાન છે. કોર્ટે એમ પણ કહ્યું કે, આ પ્રક્રિયાના દુરુપયોગમાં સામેલ બધા જ લોકોને કઠેડામાં ઊભા કરવાની જરૂર છે. તેમના વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ. ઝકિયા જાફરીની અરજી 'કોઈ અન્યો' દ્વારા પ્રેરિત છે.

સુપ્રીમે કહ્યું કે, ૫૧૪ પાનામાં અરજીના નામે ઝકિયા પરોક્ષરૂપે વિચારણા હેઠળના કેસોમાં કોર્ટો દ્વારા અપાયેલા ચૂકાદા પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. હકીકતમાં અરજીની સામગ્રી એવી વ્યક્તિઓએ દાખલ કરેલા સોગંદનામા પર આધારિત છે, જે જૂઠ્ઠા હોવાનું જણાયું છે અને તે એસઆઈટીના સભ્યોની સત્યનિષ્ઠા તથા પ્રમાણિક્તા પર સવાલો ઊભા કરનારી છે. વધુમાં સુપ્રીમે તેની આકરી ટીપ્પણીમાં કહ્યું કે આ અરજી હકીકતમાં સુપ્રીમ કોર્ટની બુદ્ધિમત્તા પર પણ સવાલ ઉઠાવવાની પ્રકૃતિવાળી છે. સુપ્રીમ કોર્ટે એસઆઈટીના કામકાજની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ઈરાદાપૂર્વક આ કેસને લાંબો ખેંચવામાં આવ્યો છે.

સુપ્રીમે કોરોના મહામારીનું ઉદાહરણ આપ્યું

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તંત્રની કોઈ ખામી અથવા યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી નહીં કરી શકવાની બાબતને કાવતરાં સાથે જોડી શકાય નહીં. કોર્ટે પોતાની વાત સમજાવવા માટે કોરોના મહામારીનું ઉદાહરણ આપ્યું હતું. સુપ્રીમે કહ્યું કે, ઈમર્જન્સીના સમયમાં સરકારી તંત્રનું નિષ્ફળ જવું કોઈ અનોખી બાબત નથી. કોરોના મહામારીના સમયમાં સૌથી સારી સુવિધાઓથી સજ્જ સરકારો પણ નિષ્ફળ ગઈ હોવાનું જોવા મળ્યું. શું આ બાબતને ગુનાઈત કાવતરું કહી શકાય તેવો સુપ્રીમે સવાલ કર્યો હતો.

સંજીવ ભટ્ટ, હરેન પંડયા, શ્રીકુમારના દાવા નિરાધાર : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઝકિયા જાફરીની અરજીમાં પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ, શ્રીકુમાર તેમજ નેતા હરેન પંડયાના સોગંદનામાનો ઉલ્લેખ છે. જોકે, સંજીવ ભટ્ટ, હરેન પંડયા અને આરબી શ્રીકુમારના દાવા ખોટા સાબિત થયા છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રીની બેઠકમાં પોતે હાજર હતા અને ઊચ્ચતમ સ્તરે લઘુમતીઓ વિરુદ્ધ મોટું કાવતરું ઘડાયું હોવાના દાવા કર્યા હતા. જોકે, તેમના આ દાવા એસઆઈટીની તપાસમાં ખોટા સાબિત થયા હતા. તેઓ તત્કાલીન મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં હાજર જ નહોતા. આ કેસમાં મુખ્યમંત્રીની બેઠકમાં સામેલ હોવાના દાવેદારોના નિવેદનો પણ રાજકારણ પ્રેરિત હોવાનું જણાયું હતું.

તીસ્તાએ સ્વાર્થ માટે ઝકિયાની ભાવનાઓનો દુરુપયોગ કર્યો

સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડના પાછલા રેકોર્ડ અને ભૂમિકાનો ઉલ્લેખ કરતાં એસઆઈટીના રિપોર્ટ અને ગુજરાત સરકારની દલીલોને ટાંકી હતી. કોર્ટે તેના ચૂકાદામાં લખ્યું કે તીસ્તા શેતલવાડ અંગે તપાસ કરવાની જરૂર છે. કારણ કે તીસ્તા આ કેસમાં ઝકિયા જાફરીની ભાવનાઓનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરી રહી હતી. આ કેસમાં ઝકિયા અહેસાન જાફરી અસલી પીડિત છે અને તીસ્તા પોતાના હિસાબથી તેમને આ કેસમાં મદદ કરવાના બહાને તેમને નિયંત્રિત કરી રહી હતી.

દોષિતો સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરાઈ છે

કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાને કાવતરું ગણાવી શકાય નહીં : સુપ્રીમ

- ગુજરાતમાં રમખાણોની અલગ અલગ ઘટનાઓને સાંકળતા કોઈ પુરાવા મળ્યા નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ને એસઆઈટી દ્વારા અપાયેલી ક્લિનચીટ જાળવી રાખતા કહ્યું કે, વહીવટી તંત્રના એક વર્ગના કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતા અથવા નિષ્ફળતાની બાબત સરકારનું પૂર્વનિયોજિત કાવતરું અથવા લઘુમતીઓ વિરુદ્ધ સરકાર દ્વારા પ્રેરિત ગૂનો જાહેર કરવાનો આધાર બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવી સ્થિતિમાં કાયદો-વ્યવસ્થા સરકાર દ્વારા પ્રાયોજિત ગતિવિધિઓ હેઠળ નષ્ટ કરાયા હોવા અંગે વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ અને માત્ર રાજ્ય તંત્રની નિષ્ક્રિયતા અથવા નિષ્ફળતાના આધારે કાવતરું હોવાનો અંદાજ મૂકી શકાય નહીં. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે, એસઆઈટીની તપાસમાં ઉલ્લેખ કરાયો છે કે દોષિત અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીને યોગ્ય સ્તરે ધ્યાનમાં લેવાઈ છે અને તેમના વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.

બેન્ચે કહ્યું કે એસઆઈટીને રાજ્ય તંત્રની નિષ્ફળતાઓની તપાસ કરવાનું કામ અપાયું નહોતું. પરંતુ તેને મોટા ગુનાઈત કાવતરાંના આરોપોની તપાસ કરવાનું કહેવાયું હતું. એસઆઈટીને ગોધરા ટ્રેન ઘટના સહિત નવ અલગ અલગ ગૂનાઓની તપાસ દરમિયાન રાજ્યભરમાં થયેલી સામૂહિક હિંસાની અલગ અલગ ઘટનાઓને જોડતા કોઈ કાવતરાંના પુરાવા મળ્યા નથી. આ તપાસ એસઆઈટીએ સુપ્રીમ કોર્ટના આકરા નિરિક્ષણ હેઠળ કરી હતી અને ન્યાય મિત્રે તેમાં યોગ્ય સહાયતા પૂરી પાડી હતી.

બેન્ચે નોંધ્યું કે એસઆઈટીની તપાસમાં જણાયું હતું કે ઝડપથી એક પછી એક ઘટનાઓ બની અને તેણે અગાઉથી હયાત વ્યવસ્થાઓનો નાશ કરી નાંખ્યો. આ કેસમાં રાજ્યના સૌથી અશાંત ક્ષેત્રોમાં કરફ્યૂ લગાવવા ઉપરાંત ૨૮મી ફેબુ્રઆરી ૨૦૦૨ના રોજ સૈન્યને બોલાવાયું હતું. રાજ્ય તંત્રની ક્ષમતા ઓછી પડવાની સમસ્યા નવી નથી. કાયદો -વ્યવસ્થાની સ્થિતિ થોડાક સમય માટે પડી ભાંગે તેને કાયદાનું શાસન ધ્વસ્ત થઈ જવું અથવા બંધારણીય સંકટ ગણી શકાય નહીં. સરકાર પ્રાયોજિત ગતિવિધિઓના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી તે સાબિત કરવા વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો