લોકસભા પેટા ચૂંટણીઃ સપાના ગઢ રામપુર-આઝમગઢમાં BJPનો જલવો
લખનૌ, તા. 26. જૂન. 2022 રવિવાર
લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.
આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.
આઝમગઢ
બીજી તરફ આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ તેમની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ ધર્મેન્દ્ર યાદવને પાછળ છોડવા માંડ્યા હતા.
Comments
Post a Comment