સેન્સેક્સ, નિફ્ટીમાં ગાબડું : બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા


- વિદેશી રોકાણકારોની રૂા. 3258 કરોડની વેચવાલી

- વૈશ્વિક મંદીના ભય પાછળ ચોમેરની વેચવાલીએ સેન્સેક્સમાં 1045 અને નિફ્ટીમાં 332 પોઇન્ટનો કડાકો

અમદાવાદ : અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ૦.૭૫ ટકાનો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કર્યો હતો. જેના પગલે અમેરિકા સહિત વૈશ્વિક મંદી પ્રબળ બન્યાના ભયથી તેમજ અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ ગાબડા નોંધાયા હતા. 

બેઉ આગેવાન ઇન્ડેક્સ આજે બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા. આજે હેવીવેઇટ શેરો સહિત સ્મોલ- મિડકેપ ક્ષેત્રના પણ અનેક શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા.ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજદર વધારાની બીજી તરફ સ્વીસ નેશનલ બેંકે પણ ૧૫ પણ ૧૫ વર્ષ પછી વ્યાજદર વધાર્યાના અહેવાલો તેમજ બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ગણતરીના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. વિશ્વભરમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દર વધારાના કારણે ધિરાણ મોંઘુ થવા સાથે ડિફોલ્ટના કેસમાં વધારો થવાની ભીતિ ઉદ્ભવવા સાથે વૈશ્વિક મંદીનો ભય પ્રબળ બની રહ્યો છે.

મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ પોઝીટીવ ઝોનમાં થયા બાદ એક તબક્કે સેન્સેક્સ ૫૦૦થી પણ વધુ પોઇન્ટનો ઉછાળો દર્શાવતો હતો. જો કે ત્યારબાદ વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે વેચવાલી નીકળવાની બીજી તરફ ઓપરેટરો, ફંડો, રોકાણકારો દ્વારા પણ વેચવાલી હાથ ધરાતા શેરોની જાતેજાતમાં ગાબડા પડયા હતા જેના પગલે આજે અનેક શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા.

ચોમેરથી આવેલ વેચવાલીના પ્રબળ દબાણે સેન્સેક્સ તબક્કે તો ઇન્ટ્રાડે તુટીને ૫૧૪૨૫.૪૮ની બાવન સપ્તાહની તળિયાની સપાટીએ પટકાયા બાદ કામકાજના અંતે ૧૦૪૫.૬૦ પોઇન્ટ તૂટીને ૫૧૪૯૫.૭૯ના મથાળે બંધ રહ્યો હતો.

બીજી તરફ એનએસઇ ખાતે પણ વેચવાલીના ભારે દબાણે નિફ્ટી ઇન્ટ્રા ડે તૂટીને ૧૫૩૩૫.૧૦ની બાવન સપ્તાહની તળિયાની સપાટીએ પટકાયા બાદ કામકાજના અંતે ૩૩૧.૫૫ પોઇન્ટ તૂટીને ૧૫૩૬૦.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂા. ૩૨૫૮ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. આજે કુલ ૩૪૭૬ ટ્રેડિંગ થયેલ શેરોમાંથી ૨૮૨૬ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં સામેલ ૩૦ શેરોમાંથી આજે એકમાત્ર નેસ્લે ઇન્ડિયાનો શેર પોઝીટીવ બંધ રહ્યો હતો. અન્ય તમામ શેરો તૂટયા હતા.

ડાઊજોન્સ ઇન્ડેક્સમાં 720 પોઇન્ટનું ગાબડું

મોંઘવારી તેમજ વૈશ્વિક મંદીની ચિંતા પાછળ અમેરિકન શેરબજારનો ડાઊજોન્સ ઇન્ડેક્સ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં તૂટીને ૩૦૦૦૦ની નીચે વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યો હતો.

મોડી સાંજે ડાઊજોન્સ ઇન્ડેક્સ ૭૨૦ પોઇન્ટ તૂટીને ૨૯૯૪૯ અને નાસ્ડેક ૪૨૪ પોઇન્ટ તૂટીને ૧૦૬૭૫ ઉતરી આવ્યો હતો.

યુરોપીયન બજારોમાં આજે લંડન શેરબજારમાં ૨૧૨ પોઇન્ટ, ફ્રાંન્સ શેરબજારમાં ૧૩૩ પોઈન્ટ અને જર્મન શેરબજારમાં ૪૧૫ પોઇન્ટનું ગાબડું પડયું હતું.

એશિયાઈ બજારોમાં હોંગકોંગ બજારમાં ૪૬૩ પોઈન્ટ, તાઈવાન શેરબજારમાં ૧૬૦ અને ચીનનાં બજારમાં ૨૦ પોઈન્ટનું ગાબડું પડયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો