ગુજરાત રમખાણ કેસ: તીસ્તા સેતલવાડની મુંબઈમાં અટક, ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધ્યો
- ઝકીયાના કેસમાં બેજવાબદાર લોકો સામે પગલાં ભરો, આ અરજી કોઈના ઈશારે થઇ છે એવા સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તરત જ કાર્યવાહી શરુ
અમદાવાદ તા. 25 જુન 2022,શનિવાર
સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવા શરુ કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આવા આક્ષેપો કરનારા પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર તથા ઝાકિયા જાફરીના કેસમાં સહઅરજદાર એવા સોશિયલ એક્ટીવીસ્ટ તીસ્તા સેતલવાડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો છે.
આ કેસના આધારે અમદાવાદ પોલીસે મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને મુંબઈ લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ, આર બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં શરુ થઇ ગઈ છે અને સંજીવ ભટ્ટ એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.
ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આવા નિવેદનો પાછળ કોણ જવાબદાર છે, ક્યાં પ્રકારની નાણાકીય હેરફેર કરવામાં આવી છે, આવા નિવદેન પાછળ કોનો દોરીસંચાર હતો કે નહી, કોઈ સંગઠન જવાબદાર હતું કે નહી તેની તપાસ કરવામાં આવશે.
ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો પૂર્વયોજિત કાવતરું હતા અને તેમાં એ સમયે મુખ્યમંત્રી (હાલ વડાપ્રધાન) નરેન્દ્ર મોદી અને અન્ય સામે કાયર્વાહી થવી જોઈએ એવી ઝકીયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે શુકવારે ફગાવી દીધી હતી. આ અરજી અને આક્ષેપો કોઈના ઈશારે થયા હોય એવું લાગે છે અને આ ઘટનામાં કાલ્પનિક, તથ્યથી વેગળા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા ચુકાદામાં કરી છે.
શું છે સુપ્રીમ કોર્ટની ટકોર
વર્ષ 2002માં ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે શુકવારે કર્યું છે.
એ લોકો પોતે જાણતા હતા કે આ નિવેદનો ખોટા છે છતાં તેમણે આ તોફાનો અંગે બોલવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી (જેમની પછીથી હત્યા થઇ હતી) હરેન પંડ્યા અને IPS ઓફિસર સંજીવ ભટ્ટે કરેલો દાવો કે પોતે કન્ટ્રોલરૂમમાં હાજર હતા જ્યાંથી તોફાન કરનારા લોકોને મદદ પહોચાડવામાં આવી રહી હતી. આ તથ્ય અંગે તપાસમાં કોઈ પુરાવા કે હકીકત સામે આવી નથી. આવી જ રીતે ગુજરાતના પૂર્વ DGP શ્રીકુમારે પણ ખોટા નિવેદન કર્યા હતા.
Comments
Post a Comment