સેનાનું સંયુક્ત નિવેદન- 'અગ્નિપથ' પાછી નહીં ખેંચાય, ભવિષ્યમાં વર્ષે 1.25 લાખ ભરતી કરાશે


- 24 જૂનથી એરફોર્સમાં, 25મી જૂનથી નેવીમાં તથા પહેલી જુલાઈથી સેનામાં ભરતી શરૂ થશે

- તોડફોડ કરનારાઓને તક નહીં મળે, હવેથી સેનામાં તમામ ભરતીઓ આ સ્કીમ અંતર્ગત જ થશે, 12 પાસનું સર્ટિફિકેટ આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ દિલ્હીના જંતર-મંતર ખાતે આ યોજનાના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે એક બેઠક યોજી હતી ત્યારે હવે સેનાની ત્રણેય પાંખે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સ્વૈચ્છિક યોજના અંગે જે શંકાઓ છે તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. 

FIR થઈ હશે તો નહીં મળે તક

સેનાએ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સેનાએ જણાવ્યું કે, અમુક સંસ્થાઓ જેમણે વિદ્યાર્થીઓ પાસેથી તૈયારીના પૈસા લઈ લીધા છે તેઓ તેમને ઉશ્કેરી રહી છે. સેના એક વાત સ્પષ્ટ કરી દેવા માગે છે કે, જો કોઈ યુવાન સામે એફઆઈઆર દાખલ થઈ હશે, તોડફોડમાં સામેલ હશે તો તેને સેનામાં ભરતીની તક નહીં આપવામાં આવે. 

ભવિષ્યમાં દર વર્ષે સવા લાખ ભરતી થશે

ત્રણેય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં 'અગ્નિપથ' યોજના યુવાનો માટે લાભદાયી હોવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત ભવિષ્યમાં દર વર્ષે સવા લાખ જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સેનાએ જણાવ્યું કે, આગામી 4-5 વર્ષમાં 50થી 60 હજાર સૈનિકોનો વધારો કરવામાં આવશે તથા બાદમાં તેને વધારીને 90 હજાર-એક લાખ સુધી લઈ જવાશે. આ યોજનાનું વિશ્લેષણ કરવા માટે 46,000 જવાનો એક નાનકડી શરૂઆત છે. 

યોજના પાછી નહીં લેવાય

સેનાએ અગ્નિપથ યોજના પાછી ખેંચવાની કોઈ પણ સંભાવનાને નકારી દીધી છે. સેનાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય. 

1989થી આ યોજના પર વિચારણા

અગ્નિપથ યોજના પર સૈન્ય મુદ્દાઓના વિભાગના અધિક સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું કે, આ સુધારો ઘણાં લાંબા સમયથી પેન્ડિંગ હતો. 1989ના વર્ષમાં આ યોજના માટેની વિચારણા શરૂ થઈ હતી અને તેને લાગુ કરતા પહેલા અનેક દેશની સેના નિયુક્તિઓ તથા ત્યાંના એક્ઝિટ પ્લાનનો અભ્યાસ કરવામાં આવ્યો. 

સેનાની સરેરાશ વય ઘટાડવાનું લક્ષ્ય

આજે સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. અમે તેને ઘટાડીને 26 વર્ષ કરવા માગીએ છીએ. યુવાનો વધુ રિસ્ક લઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ. સેનાને યુવાનોની જરૂર છે. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોના જોશ-હોંશ સાથે તાલમેલ સાધવાનો છે. 

વધુ વાંચોઃ અગ્નિપથ યોજનાઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસ રજા- IAFએ જાહેર કરી વિગતો

ભરતીની તારીખો

એડજ્યુટન્ટ જનરલ લેફ્ટિનેન્ટ જનરલ બંશી પુનપ્પાએ જણાવ્યું કે, સેનામાં અગ્નિવીરોની ભરતી માટે પહેલી જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર થઈ જશે. ત્યાર બાદ એપ્લિકેશન રજિસ્ટ્રેશન શરૂ થશે. ભરતી માટેની પહેલી રેલી ઓગષ્ટના બીજા સપ્તાહથી શરૂ થશે. રેલીમાં ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ થશે. ત્યાર બાદ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે અને બાદમાં તેમને કોલમમાં મેરિટ પ્રમાણે મોકલવામાં આવશે. 

ઓગષ્ટથી નવેમ્બર દરમિયાન 2 બેચમાં રેલીઓ થશે. પહેલા લોટમાં 25,000 અગ્નિવીર આવશે. તેઓ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આવશે. અગ્નિવીરોનો બીજો જથ્થો ફેબ્રુઆરીમાં આવશે. દેશભરમાં કુલ 83 ભારતીય રેલીઓ થશે જે દરેક રાજ્યના છેવાડા ગામડા સુધીની હશે. વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 24મી જૂનથી શરૂ થશે જ્યારે નૌસેનાની ભરતી પ્રક્રિયા 25મી જૂનથી શરૂ થશે. 

સેનામાં તમામ ભરતી આ સ્કીમ અંતર્ગત થશે

લેફ્ટિનેન્ટ જનરલે જણાવ્યું કે, અમે એજ પ્રોફાઈલ નીચી લાવવા માગતા હતા. હાલ સરેરાશ આયુષ્ય 32 વર્ષ છે. અમે તેને કારગિલ સમીક્ષા સમિતિ તથા અરૂણ સિંહ સમિતિ રિપોર્ટની ભલામણો પ્રમાણે કરવા ઈચ્છીએ છીએ. આ સાથે જ એમ પણ જણાવ્યું કે, હવેથી સેનામાં તમામ ભરતીઓ આ સ્કીમ અંતર્ગત જ થશે. 

સેવાનિવૃત્તિ બાદ શું?

સેવાનિવૃત્તિ અંગેના સવાલના જવાબમાં અનિલ પુરીએ જણાવ્યું કે, દર વર્ષે આશરે 17,600 લોકો ત્રણેય સેનામાંથી સમય પહેલા સેવાનિવૃત્તિ લઈ રહ્યા છે. કોઈએ તેમને એવો સવાલ પુછવાનો પ્રયત્ન નથી કર્યો કે, તેઓ સેવાનિવૃત્તિ બાદ શું કરશે. 

બલિદાન આપનારા અગ્નિવીરો માટે 1 કરોડનું વળતર

અનિલ પુરીએ જણાવ્યું કે, દેશસેવામાં બલિદાન આપનારા અગ્નિવીરોના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર મળશે. 

ભેદભાવ નહીં કરવામાં આવે

અગ્નિવીરોને સિયાચીન તથા અન્ય ક્ષેત્રોમાં વર્તમાનમાં કાયમી સૈનિકોને મળે છે તે પ્રમાણે જ ભથ્થા અને સુવિધાઓ મળશે. સેવા શરતોમાં તેમના સાથે કોઈ ભેદભાદ નહીં કરવામાં આવે. જે કપડા સેનાના જવાનો પહેરે છે તે જ અગ્નિવીરો પહેરશે. સેનાના જવાનો જે લંગરમાં જમે છે ત્યાં જ અગ્નિવીરો પણ ભોજન કરશે. સેનાના જવાનો જ્યાં રહે છે ત્યાં જ અગ્નિવીરો પણ રહેશે. 

12 પાસનું સર્ટિફિકેટ આપવામાં આવશે

લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ એવો સવાલ કર્યો હતો કે, 21 વર્ષની અંદર કયા યુવાનને નોકરી મળી જાય છે? અગ્નિપથ યોજનામાં ભરતી થનારા 60થી 70 ટકા યુવાનો 10 ધોરણ પાસ હશે. તેમને ધો. 12 પાસનું સર્ટિફિકેટ આપવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, અગ્નિપથ યોજનામાં સામેલ યુવાન ડિસિપ્લિન્ડ હશે. કોઈ પણ ક્ષેત્રમાં કામ માટેની સૌથી પહેલી ડીમાન્ડ આ જ હોય છે. 

મહિલાઓને પણ અગ્નિવીર બનાવાશે

નેવીના મતે આગામી 2-3 દિવસમાં, 25મી જૂન સુધીમાં તેમની જાહેરાત ઈન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી સુધી પહોંચી જશે. નૌસેના તરફથી વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, અમારી ટાઈમલાઈન પ્રમાણે 21મી નવેમ્બરે તેમની પ્રથમ અગ્નિવીર બેચ આઈએનએસ ચિલ્કા, ઓરિસ્સામાં રિપોર્ટ કરવાનું શરૂ કરી દેશે. અમે મહિલાઓને પણ અગ્નિવીર બનાવી રહ્યા છીએ. હું 21મી નવેમ્બરની રાહ જોઈ રહ્યો છું અને મને આશા છે કે, મહિલા અને પુરૂષ અગ્નિવીર આઈએનએસ ચિલ્કા ખાતે રિપોર્ટ કરશે. 

4 વર્ષ બાદ અગ્નિવીરો શું કરી શકશે

સેનાએ જણાવ્યું કે, અગ્નિવીરો 4 વર્ષ બાદ તેમને મળતા 11.7 લાખ રૂપિયા સાથે જે ઈચ્છે તે કરી શકશે. તેમના માટે બ્રિજિંગ કોર્સની જોગવાઈ અંગે વિચારણા ચાલી રહી છે. તેના અંગેની તૈયારી ચાલુ છે. અનિલ પુરીએ જણાવ્યું કે, સરકારે અગ્નિવીરોને સીએપીએફમાં પ્રાથમિકતા આપવા કહેલું છે. CAPFમાં અનામત આપવાની યોજના પહેલેથી જ હતી કારણ કે, સરકારને ખબર હતી કે આ જે 75 ટકા અગ્નિવીરો 4 વર્ષ બાદ નીકળશે તે દેશની તાકાત હશે. 

રાજ્ય સરકારોએ સ્પષ્ટ કહ્યું છે કે, અગ્નિવીરોને પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે. 4 રાજ્યો તો એવા છે જેમણે અગ્નિવીરોને નોકરી આપવાની સ્પષ્ટતા કરી છે. તે સિવાય બેંક અગ્નિવીરોને ક્રેડિટ આપશે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો