દેવેન્દ્ર ફડણવીસે નમતું જોખ્યું : દિલ્હીની અરજીએ ઉપ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું
નવી મુંબઇ, તા. 30 જૂન 2022, ગુરુવાર
શિવસેનાને તોડીને સરકાર રચવામાં હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બીજેપીનું પોતાનું ઘર તૂટી રહ્યું છે. માસ્ટર સ્ટ્રોકના માહિર ગણાતી મોદી-શાહની જોડીએ અંત સમયે તખ્તો પલટીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. આ માસ્ટર સ્ટ્રોકની જાહેરાત ખુદ મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રેસ વાર્તામાં કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા.
જોકે હવે સ્થિતિ બીજેપી માટે પણ કપરી બની જ્યાં નાખુશ થયેલ દેવેન્દ્ર ફડણવીસે સરકારમાં જ ન આવવાનો નિર્ણય કર્યો. માસ્ટ સ્ટ્રોકની લ્હાયમાં લેવામાં આવેલ આ આકરો નિર્ણય બીજેપી માટે જ સમસ્યા ન બને અને દેવેન્દ્ર જ નારાજ ન થાય તે માટે જેપી નડ્ડા અને દિલ્હી હાઈકમાને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા અરજી કરી છે.
શાહ અને નડ્ડાએ જાહેરાત કરી છે કે બીજેપીની માંગણી અને મહારાષ્ટ્રના લોકોના વિકાસની જરૂરિયાતને ધ્યાને રાખીને દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી પદ સ્વીકાર્યું છે.
કેમ દેવેન્દ્ર CM નહિ ? એક રાજકીય ચાલ...
દેવેન્દ્ર ફડણવીસ બીજેપી કરતા RSSના વધુ નજીકના માણસ ગણાય છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ ન મળતા તેઓ હવે મંત્રી પણ બનવા નહોતા માંગતા. આ નારાજગી સ્પષ્ટ હતી કે તેમને CM પદ નથી મળી રહ્યું તો બીજું કઈં ઓછું પણ ન ખપે.
બીજેપીની સીએમ પદ ફડણવીસને ન આપવાની આ એક રાજકીય ચાલ પણ હોઈ શકે છે. જેમકે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાથી અજીત પવાર વખતે જે પ્રમાણે ફટકો પડ્યો હતો તેમ બની શકે. શિંદે પણ ગમે ત્યારે બીજેપીનો સાથ છોડી, ટેકો પાછો ખેંચી શિવસેનામાં ભળી જાય તો ફરી ફજેતી થાય. આ કારણે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપીને ભાજપે એક રીતે શિંદેની કમાન પણ પોતાના હાથમાં દિલ્હી ખાતે રાખી છે.
Comments
Post a Comment