અગ્નિપથ યોજના પાછી નહીં જ ખેંચાય : કેન્દ્ર


- સૈન્યમાં હવે આ યોજના હેઠળ જ ભરતી થશે, વિરોધની પ્રતિક્રિયારૂપે સુધારા નથી કરાયા, અગાઉથી નિશ્ચિત હતા

- એરફોર્સમાં અગ્નિવીરોની પહેલી બેચનું રજિસ્ટ્રેશન 24 જૂનથી શરૂ થશે, મહિના પછી ઓનલાઈન પરિક્ષા, 30મી ડિસેમ્બરથી તાલિમ અપાશે

- નેવી 25મી સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે, અરજી પ્રક્રિયા ઓનલાઈન, પહેલી બેચની તાલીમ 21મી નવેમ્બરથી

- આર્મીમાં 40,000 અગ્નિવીરોની ભરતી માટે દેશભરમાં ત્રણ મહિનામાં 83 રેલી યોજાશે, પહેલી બેચ ડિસે.માં સૈન્યમાં જોડાઈ જશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

- વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.' વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, 'જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની 'ચોકીદારી' કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક 'નોકરી' નહીં.'

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો