અગ્નિપથ યોજનાઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસ રજા- IAFએ જાહેર કરી વિગતો


- અગ્નિવીરોને વાયુસેનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનર્સ તથા એવોર્ડ્સ આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર

વાયુસેનાએ અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટેની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે 4 વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને વાયુસેના તરફથી અનેક સુવિધા પૂરી પાડવામાં આવશે. તે કાયમી વાયુસૈનિકોને મળતી સુવિધાઓ પ્રમાણેની જ હશે. 

વાયુસેનાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અગ્નિવીરોને વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ મળશે. આ તમામ સુવિધાઓ એક રેગ્યુલર સૈનિકને મળે છે. 

અગ્નિવીરોને સેવાકાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. તે સિવાય તેમને વર્ષ દરમિયાન 30 દિવસની રજા મળશે. તેમના માટે મેડિકલ લીવની અલગ વ્યવસ્થા છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સુવિધા પણ મળશે. જો દુર્ભાગ્યવશ સર્વિસ દરમિયાન (4 વર્ષ) કોઈ અગ્નિવીરનું અવસાન થાય તો તેના પરિવારને ઈન્સ્યોરન્સ કવર મળશે. તેના અંતર્ગત તેના પરિવારને આશરે 1 કરોડ રૂપિયા મળશે. 

વધુ વાંચોઃ 'અગ્નિપથ' યોજનાઃ ભરતીમાં આ વર્ષ માટે છૂટ, વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરાઈ

પર્ફોર્મન્સના આધાર પર મળશે રેગ્યુલર કેડર

વાયુસેનામાં તેમની ભરતી એરફોર્સ એક્ટ 1950 અંતર્ગત 4 વર્ષ માટે થશે. વાયુસેનામાં અગ્નિવીરોની એક અલગ રેન્ક હશે જે વર્તમાન રેન્કથી અલગ હશે. અગ્નિવીરોએ અગ્નિપથ યોજનાની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. જે અગ્નિવીરોની વાયુસેનામાં નિયુક્તિ વખતની ઉંમર 18 વર્ષથી ઓછી હશે તેમણે નિયુક્તિ પત્ર પર પોતાના માતા-પિતા કે વાલીની સહી કરાવવાની રહેશે. 4 વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને રેગ્યુલર કેડરમાં લેવામાં આવશે. સેવા કાળ દરમિયાન તેમની સર્વિસના પર્ફોર્મન્સના આધાર પર તેમની નિયુક્તિ કરવામાં આવશે. 

સન્માન અને એવોર્ડ માટે હકદાર

વાયુસેનાના કહેવા પ્રમાણે અગ્નિવીર સન્માન અને એવોર્ડના પણ હકદાર ગણાશે. અગ્નિવીરોને વાયુસેનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનર્સ તથા એવોર્ડ્સ આપવામાં આવશે. વાયુસેનામાં ભરતી થયા બાદ તેમને સેનાની જરૂરિયાત પ્રમાણે ટ્રેઈનિંગ આપવામાં આવશે. 

જો સેવાકાળ દરમિયાન મૃત્યુ થાય તો..

અગ્નિવીરોને 4 વર્ષની સેવા અવધિ દરમિયાન 48 લાખ રૂપિયાનું વીમા કવર મળશે. તે સિવાય તેમને 44 લાખ રૂપિયાની એકીકૃત રકમ પણ આપવામાં આવશે. ઉપરાંત 4 વર્ષની નોકરીમાં જેટલો સમય બાકી રહ્યો હોય તેનું વેતન પણ અગ્નિવીરના પરિવારને આપવામાં આવશે. તે સિવયા અગ્નિવીરના સેવાનિધિ ફંડમાં જેટલા રૂપિયા જમા થયા હોય તેમાં સરકારનું યોગદાન તથા તેના પરનું વ્યાજ પણ અગ્નિવીરના પરિવારને આપવામાં આવશે. 

ફરજ દરમિયાન વિકલાંગ થવા પર અગ્નિવીરોને એક્સ-ગ્રેશિયા 44 લાખ રૂપિયા મળશે. આ સાથે જ નોકરીમાં જેટલો સમય બાકી હોય તેનું સંપૂર્ણ વેતન મળશે અને સેવા નિધિ પેકેજ પણ મળશે. જોકે વિકલાંગતાની સીમા પ્રમાણે અગ્નિવીરોને મળતી રકમ વધારે કે ઓછી હોઈ શકે છે. 

સેવા પૂરી થયા બાદ અગ્નિવીરોને એક વિસ્તૃત સ્કીલ સર્ટિફિકેટ આપવામાં આવશે. તે પ્રમાણપત્રમાં અગ્નિવીરોનું કૌશલ્ય અને તેમની યોગ્યતાનું વર્ણન કરેલું હશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો