સરકારી તિજોરીમાંથી લ્હાણી

આજકાલ દેશમાં સરકારી તિજોરીને છુટ્ટેહાથે લૂંટાવવામાં આપણા રાજનેતાઓ વ્યસ્ત દેખાય છે. દુર્ભાગ્યે આ નેતાઓને કુદરતનો એક અભિશાપ નડે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ એમને બુદ્ધિયોગ પ્રાપ્ત થાય છે.

આ વખતની હાલની મોસમમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષે સરકારી નાણાંનો જ મતદારોને લોભાવવામાં વિશિષ્ટ વિનિયોગ કર્યો છે જે ખરેખર તો અશિષ્ટ છે.

અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ઉક્ત રાજ્ય સરકારોએ જે મફતની લ્હાણી કરી તેમાં મોબાઇલ ફોન, સાડી, બુટચપ્પલ વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

તામિલનાડુમાં ડીએમકે પક્ષે ઈ.સ. ૨૦૦૬થી ૨૦૧૦ના સમયગાળામાં મફત ટીવી વહેંચવા માટે રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. છત્તીસગઢે જમીનના હક્કો અને સાત-બારના પત્રકો વહેંચ્યા છે. ઈ.સ. ૨૦૧૨થી ૨૦૧૫ વચ્ચે ઉત્તર પ્રદેશે પંદર લાખ લેપટોપ મફતમાં જ વહેંચ્યા છે.

આમ હોવા છતાં ચૂંટણીના પરિણામો દર વખતે અણધાર્યા જ આવ્યા છે. સત્તામાં રહેલા નેતાઓ દ્વારા ચૂંટણી પૂર્વે પોતાના પક્ષ તરફ મતદારોને આપવામાં આવતી આ એક પ્રકારની લાંચ જ છે, પછી ભલે એને વિવિધ યોજનાઓના સોળ શૃંગારે પ્રસ્તુત કરવામાં આવે ! સત્તામાં આવ્યા પછી કેન્દ્રની એનડીએ સરકાર જેટલું વીજળીની લ્હાણી કરવામાં ધ્યાન આપે છે એટલું કોલસાના ભંડારોની સમતુલા જાળવવામાં આપતી નથી, એનું એક પરિણામ નક્કી છે કે સમગ્ર ભારતમાં ઈ.સ. ૨૦૨૦ પછી વિદ્યુત સેવાઓની કારમી કટોકટી શરૂ થવાની છે, જેના પ્રારંભિક ચિહ્નો ટૂંક સમયમાં જ દેખાવા લાગશે.

દેશના આઠ-દસ થર્મલ વીજમથકોની સ્થિતિ ગંભીર છે, એનો કોલસાનો સ્ટોક ખાલસા થવા આવ્યો છે. દેશના ઉર્જા પ્રધાન પિયુષ ગોયલ આજકાલ વડાપ્રધાનના સેક્રેટરી જેવું કામ કરી રહ્યા છે ને એટલે તેમનું પોતાના મંત્રાલયમાં કોઇ ધ્યાન નથી. કોલ ઈન્ડિયાનું એક ચક્રી શાસન તોડવા ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને કોલસાના ઉત્પાદનમાં સક્રિય કર્યા એનું કોઇ વિશેષ સકારાત્મક પરિણામ હજુ દેશને મળ્યું નથી.

ટૂંક સમયમાં જ ભારત સરકારે કોલસો આયાત કરવાની અને વિપુલ માત્રામાં આયાતની નોબત આવશે. વીજળી આપવામાં હજુ દેશના હજારો ગ્રામ વિસ્તારો બાકી છે, એ માટે પણ સરકારે આયોજનથી કામ કરવું પડશે. હાલ તો ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર તરંગો પ્રમાણે જે લ્હાણી કરે છે એનાથી દેશમાં આયોજન અને અમલીકરણના ક્ષેત્રે ભારે વિસંગતતાઓ સર્જાવાની છે.

ઉદય સ્કીમ અંતર્ગત રાજ્ય સરકારો કેન્દ્રની પાછળ તણાઇ રહી છે, કારણ કે વીજળી કંપનીઓની ખોટ અને દેવાં હવે રાજ્ય સરકારોના બજેટનો હિસ્સો બની ગયા છે. વીજળી કંપનીઓની હાલત તો સુધરતા સુધરશે પણ અત્યારે તો રાજ્ય સરકારોની તિજોરીની હાલત ખરાબ થઇ ગઇ છે.

આ વખતે મધ્ય પ્રદેશ સરકારે એટલે કે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે વીજળીના બિલો જેમના બાકી હોય એમને માફી આપવાની જાહેરાત કરી છે, સ્વાભાવિક છે કે એમનો આ તુઘલખી પ્રયોગ વીજળીવેગે જ અન્ય રાજ્યોમાં ફેલાઇ જશે.

સરકાર પાસેથી મફતની લ્હાણીની પ્રજાને ટેવ પાડી રહેલા આ રાજનેતાઓ એ જાણતા નથી કે સરકારી તિજોરીમાંથી આમ છુટ્ટે હાથે લ્હાણી કરવાથી સરકાર ખુદ નિર્બળ બની જશે અને પછી પ્રજા હિતના કે રાષ્ટ્રહિતના કામો થઇ શકશે નહિ.

પાકિસ્તાનના કરાચીમાં કોઇ લાઇટબિલ ભરતું નથી અને છતાં સરકાર વીજ પુરવઠો કાપી શકતી નથી એને કારણે અને એવા અનેક ઉત્પાતો મચાવનારા પૂર્વ પાકિ. નેતાઓને કારણે પાકિસ્તાન આજે વિશ્વની નાણાં બજારોમાં એક ભિક્ષુકની અદાથી ઊભું છે. સત્તાધારી પક્ષને કોઇ પણ ભોગે ફરી સત્તા જોઇએ છે અને એ માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર છે એવો ભારતીય રાજકારણનો માહૌલ માત્ર પાંચ વરસમાં હવે તૈયાર થઇ ગયો છે.

મતદારોને વિવિધ પક્ષો તરફથી આપવામાં આવતી લાલચને જો ભારતીય મતદારો ધ્યાનમાં લેશે તો હવે કમરથી બેવડ વળી જવા આવેલા અર્થતંત્રને ધરાવતો આપણો દેશ વધુ ચોવડ વળી જશે અને એની રહી સહી ત્રેવડ પણ ગુમાવશે. ભારતીય રાજકારણમાં હવે મલિનતા વધવા લાગી છે.

અમેરિકામાં તો ચૂંટણીના છ મહિના અગાઉ સરકારી તિજોરીમાંથી પ્રજાને ખુશ કરવા કે લોભાવવા પર પ્રતિબંધ છે. આપણે ત્યાં ચૂંટણીની છેલ્લી વેળાની આચાર સંહિતા છે પરંતુ વર્તમાન રાજ્ય સરકારો અને કેન્દ્ર એને ગણકારતા નથી અને ટી.એન. શેષાન જેવા ફૂંફાડા મારતા દિગ્ગજ મુખ્ય ચૂંટણી કમિશનરની વિદાય પછી રાજનેતાઓ આ પંચ પર પગ મૂકીને આગળ ચાલતા જોવા મળે છે, જે પણ દેશનું એક દુર્ભાગ્ય છે.

હવે યુગ બદલાઇ જ ગયો છે અને માત્ર સ્વપક્ષની અને નવી ચૂંટણીની ચિંતા કરનારા નેતાઓ જ ચોતરફ દેખાય છે. પ્રજાની વધતી જતી હાડમારી તરફ તેમનું લક્ષ નથી, કારણ કે સાવ તળિયાના જનપદ વચ્ચે રહીને એમના પ્રશ્નોને સમજવાની રાજનેતાઓની તૈયારી નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો