મોદી સરકારની ઉદાસીનતાના પરિણામે જગતનો તાત ફરી આંદોલનના માર્ગે
- ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓનો સામનો કરી રહેલા દેશના જુદા જુદા પ્રદેશોના ખેડૂતો પોતાની માગોને લઇને લાંબા સમયથી આંદોલનો કરી રહ્યા છે અને દર વખતે તેમને સરકાર તરફથી ઠાલાં વચનો સિવાય કશું હાથ લાગ્યું નથી
ફરી વખત દેશના ખેડૂતો પોતાની માંગોને લઇને સડક ઉપર ઉતરી આવ્યાં છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના બેનર હેઠળ દેશના ૨૦૦થી વધારે ખેડૂત સંગઠનોએ એકઠા થઇને દેશની રાજધાની દિલ્હીમાં મોરચો માંડયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ખેડૂતોની આ ત્રીજી રેલી છે. અંદાજે એક લાખ કરતા વધારે અન્નદાતાઓ પોતાનો હક માંગવા માટે દિલ્હીના રામલીલા મેદાન ખાતે આંદોલન કરી રહ્યાં છે.
લગભગ દોઢ વર્ષ પહેલા તામિલનાડુના ખેડૂતો દિલ્હીના જંતર મંતર ખાતે પ્રદર્શન માટે એકઠાં થયાં હતાં. ત્યાર બાદ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં પોલીસ ફાયરિંગ દરમિયાન પાંચ ખેડૂતોના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે માર્ચ મહિનામાં લગભગ સાત રાજ્યોના ૩૫ હજાર ખેડૂતો ૧૮૦ કિલોમીટર લાંબી પદયાત્રા યોજીને પોતાની માંગો સાથે મુંબઇ પહોંચ્યાં હતાં. એ પછી ઉત્તરપ્રદેશના ખેડૂતોએ પણ દિલ્હી તરફ કૂચ કરી હતી. આ જ મહિને મહારાષ્ટ્રના ખેડૂતોએ ફરી એક વખત મુંબઇ તરફ કૂચ કરી હતી. દરેક વખતે ખેડૂતોની અપેક્ષા રહી કે જમીની સ્તરે કંઇક નક્કર પગલાં લેવાશે. પરંતુ દર વખતે ખેડૂતોની આશા ઠગારી નીવડી.
જગતના તાતનું બિરુદ પામેલા ખેડૂતોને ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે જમીન ઉપર પાક લેવાનો છે એ જમીન જ ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતની આશરે ૬૦.૩ ટકા ભૂમિ ખેતીલાયક છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા ટ્રસ્ટ ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનનો રિપોર્ટ પણ કહે છે કે અમેરિકા બાદ ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન છે. યૂ.એન.ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશને ૨૦૧૩ના એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતની ૪૪ હેકટર જમીન ઉપર ૧૦.૯૧૯ કરોડ ટન ડાંગરનું ઉત્પાદન થયું. મતલબ કે પ્રતિ હેકટર ૨.૪ ટન થયું જે ઉત્પાદન શ્રેણીમાં ભારતને દુનિયાના ૪૭ દેશોની યાદીમાં ૨૭મા સ્થાને મૂકે છે.
એવામાં સવાલ થવો વાજબી છે કે શા માટે ખેતીલાયક જમીન હોવા છતાં પણ દેશનો ખેડૂત ન તો ઉત્પાદન વધારી શકે છે કે ન તો નફો કમાઇ શકે છે. છેલ્લા કેટલાંક દાયકાથી સરેરાશ ખેતીલાયક જમીનનો વિસ્તાર પણ ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩ના કૃષિ રિપોર્ટ અનુસાર દેશમાં નાના ખેતરોની સંખ્યા કુલ ખેતરોના ૮૫ ટકા જેટલી છે. પરંતુ આવા ખેતરોનું કુલ ક્ષેત્રફળ માત્ર ૪૪ ટકા જેટલું જ છે. મતલબ કે દેશમાં કેટલાંક ખેડૂતો શ્રીમંત છે તો કેટલાંક ભૂમિવિહોણા છે. આ માટે જાણકારો દેશના વારસાના કાયદાને જવાબદાર માને છે. આ કાયદા અનુસાર પિતાની સંપત્તિ સંતાનોમાં બરાબરીના ધોરણે વહેંચી દેવામાં આવે છે. જેના કારણે જમીનના નાના નાના ટુકડા થતાં રહે છે. જમીનના આવા નાના ટુકડા ઉપર થતી ખેતીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.
ખેડૂતોની બીજી સમસ્યા છે બીજની. સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તાના બીજની જરૂર રહે છે. પરંતુ ભારે કિંમતોના કારણે સારી ક્વૉલિટીના બીજ સીમાંત અને નાના ખેડૂતોની પહોંચની બહાર જ રહે છે. આ સમસ્યાને ઉકેલવા માટે કૃષિ મંત્રાલયે ૧૯૬૩માં રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કરી, એ સાથે જ ૧૩ રાજ્યોમાં બીજ નિગમ સ્થાપવામાં આવ્યાં કે જેથી ખેડૂતોની જરૂરિયાત પૂરી થઇ શકે. પરંતુ આજે પણ ખેડૂતોએ સારી ક્વૉલિટીના બીજ મેળવવા માટે ભટકવું પડે છે. ત્રીજી સમસ્યા છે કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝર અને કીટનાશકોની ઉપલબ્ધતા. દેશમાં છેલ્લા કેટલાંય દાયકાથી ખેતી થતી આવી છે જેના કારણે જમીનનું મોટું ક્ષેત્ર પોતાની ફળદ્રુપતા ગુમાવી રહ્યું છે. એ પરિસ્થિતિમાં પાકની ગુણવત્તા જાળવી રાખવા માટે ખાતર અને ફર્ટિલાઇઝરના ઉપયોગનો વિકલ્પ જ બચે છે. પાકને કીટકોથી બચાવવા માટે કીટનાશકોનો ઉપયોગ પણ અનિવાર્ય બની ગયો છે. આ વધી રહેલી જરૂરિયાતોના કારણે ખેડૂતોને મળતા નફામાં ઘટાડો થયો છે. કેટલીક વખત ફળદ્રુપ જમીન ઉપર પણ હવા અને પાણીના વહેણના કારણે માટીનું ક્ષારણ થાય છે જેના કારણે ભૂમિ પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે અને તેની અસર પણ ઉત્પાદન ઉપર પડે છે.
કૃષિક્ષેત્રમાં યંત્રોનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘણું ખરું કામ ખેડૂતો અને ખેતમજૂરો હાથ વડે કરે છે. આવા લોકો ખેતીવાડીમાં પારંપરિક ઉપાયો પ્રયોજતાં હોય છે. ખાસ કરીને આવા મામલા નાના અને સીમાંત ખેડૂતોમાં વધારે જોવા મળે છે. આની સીધી અસર પણ ખેતઉત્પાદનોની ગુણવત્તા અને ખર્ચ ઉપર પડે છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો સંગ્રહ કરવાની સુવિધાઓની કમી છે જેના કારણે ખેડૂતો ઉપર વહેલામાં વહેલી તકે ખેતપેદાશોનો સોદો કરવાનું દબાણ રહે છે અને કેટલીયે વખત ખેડૂતો નજીવા દામે ખેતપેદાશોનો સોદો કરી લેતા હોય છે. સંગ્રહ સુવિધાઓને લઇને કોર્ટે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર પણ લગાવી છે પરંતુ જમીનીસ્તરે પરિસ્થિતિ હજુ સુધરી નથી.
ભારતીય કૃષિના વિકાસમાં મોટો અવરોધ સારી પરિવહન વ્યવસ્થાના અભાવનો પણ છે. આજે પણ દેશના અનેક ગામ અને કેન્દ્ર એવાં છે જે બજારો અને શહેરો સાથે જોડાયેલાં નથી. અનેક સડકો એવી છે જે અમુક મોસમમાં ખસ્તાહાલ બની જાય છે. એવામાં ખેડૂતો સ્થાનિક બજારોમાં જ ઓછી કિંમતે ખેતપેદાશો વેચી દેતાં હોય છે. આ સમસ્યાને નિવારવા માટે મોટી ધનરાશિ ઉપરાંત મજબૂત રાજકીય પ્રતિબદ્ધતા પણ જરૂરી છે.
આ તમામ સમસ્યાઓ ઉપરાંત પાક ઉપર મળતું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) પણ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહ્યું છે. થોડા વખત પહેલાં જ સરકારે જાહેરાત કરી હતી કે નોટિફાઇડ ખેતપેદાશો ઉપર સરકાર ખેતીના ખર્ચની ઓછામાં ઓછી દોઢ ગણી કિંમત આપશે. પરંતુ ખેડૂતો એનાથી સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે વધી રહેલા ખર્ચ અને બળતણના ભાવોના કારણે એમએસપી વધારવાનો ખેડૂતોને ખાસ લાભ નહીં મળે. બીજી બાજુ અર્થશાસ્ત્રીઓની દલીલ એવી છે કે એમએસપી વધારવાથી ફુગાવો વધી શકે છે.
સરકારે ટેકાના ભાવ તો જાહેર કરી દીધાં છે પરંતુ આ ભાવનો લાભ કેટલા ખેડૂતોને મળે છે એ મોટો સવાલ છે. એક અનુમાન પ્રમાણે માત્ર દસ ટકા ખેડૂતો જ ટેકાના ભાવે પોતાની ખેતપેદાશો વેચી શકે છે.
જ્યારે ૯૦ ટકા ખેડૂતોને બજારમાં બેઠેલા વચેટિયાઓને ખેતપેદાશો નજીવા દામે વેચી દેવી પડે છે. કેન્દ્ર સરકાર ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય તો જાહેર કરી દે છે પરંતુ તેની વ્યવસ્થા રાજ્ય સરકારો કરતી હોય છે. ખેડૂતોની મજબૂરી હોય છે તેઓ બજારમાં મૂકેલી તેમની ખેતપેદાશોની કિંમત તાત્કાલિક વસુલી શકે કારણ કે પાક તૈયાર થવામાં લાંબી રાહ જોવાની રહે છે અને પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોની હાલત જર્જર થઇ ગઇ હોય છે અને તેમનો તમામ દારોમદાર પાકની કિંમત ઉપર જ આધાર રાખે છે. આ દરમિયાન ખેડૂતો દેવા કરીને પણ પરિવારનો ગુજારો કરવા માટે મજબૂર બની જાય છે. નાના અને સીમાંત ખેડૂતો જ્યારે તેમની પરસેવો પાડીને ઉપજાવેલી ખેતપેદાશો બજારમાં લઇ જાય છે ત્યારે તેના ખિસ્સા સાવ ખાલી હોય છે અને તેમને નાણાની તાતી જરૂરિયાત હોય છે. ખેડૂતોની આ મજબૂરીનો તગડો લાભ વેપારીઓ ઉઠાવે છે અને ખેતપેદાશોનો બધો નફો ખાઇ જાય છે.
આજે ખેડૂતોને લોન આપવા માટે ઘણી સરકારી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ ઓછું ભણેલાં કે અભણ ખેડૂતો માટે લોન મેળવવાની પ્રક્રિયા સરળ નથી. જેના પરિણામે ઘણાં ખેડૂતો આજે પણ બેંકો પાસેથી લોન લેવાના બદલે શાહુકારો અને મહાજનો પાસેથી નાણાં ઉધાર લે છે. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા આ લોકો ખેડૂતો પાસે વાર્ષિક ૨૪થી ૬૦ ટકા જેટલું વ્યાજ વસૂલે છે. કેટલાંય અભ્યાસમાં બહાર આવ્યું છે કે આવા દેવા જ આગળ જતાં ખેડૂતોની આત્મહત્યાના કારણ બને છે. ખેતી દ્વારા બે વખતની રોટી કમાવા માટે ખેડૂતોને નાના રોકાણની જરૂર હોય છે પરંતુ કૃષિપ્રધાન દેશ હોવા છતાં ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યવસ્થિત તંત્ર વિકસી શક્યું નથી. આમ, ખેડૂતોની બજાર સુધીની મર્યાદિત પહોંચ, વચેટિયાઓની ભૂમિકા, અપૂરતી અન્નસંગ્રહ ક્ષમતા અને મૂડીની કમી જેવા પરિબળોએ ખેડૂતોની હાલત ઓર દયનીય કરી દીધી છે.
આઝાદીના ૭૦ વર્ષોમાં ખેડૂતો માટે વિટંબણા કહી શકાય એવી બાબત એ રહી છે કે તેઓ કદી એક સ્વરે અવાજ ઉઠાવી નથી શક્યાં. જુદાં જુદાં પ્રદેશો, ખેતપેદાશો, વર્ગ અને જાતિના આધારે ખેડૂતો અલગ અલગ અવાજ ઉઠાવતા રહ્યાં છે. જેના કારણે ખેડૂતોનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચ્યો જ નથી. પરંતુ હવે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના બેનર હેઠળ સમગ્ર દેશના, દરેક વર્ગ અને જુદી જુદી વિચારધારા ધરાવતા ખેડૂતો એકઠા થઇ રહ્યાં છે. પહેલી વખત ખેડૂતો માત્ર આંદોલન જ નથી કરી રહ્યાં, પરંતુ વિકલ્પ પણ આપી રહ્યાં છે.
ખેડૂતોની માંગ છે કે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવે અને તેમાં ખેડૂતોને લગતા બે કાયદા ઘડવામાં આવે. પહેલો કાયદો એ કે ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય દામ કાનૂની ગેરંટી સાથે મળે. બીજો કાયદો એ કે ખેડૂતોને એક ઝાટકામાં તમામ દેવામાંથી મુક્તિ આપવામાં આવે. આ બિલ સંસદ સમક્ષ રજૂ થઇ ચૂક્યાં છે એટલા માટે આશા જન્મે છે કે આ વખતે ખેડૂતોનો અવાજ કાને ધરવામાં આવશે.
Comments
Post a Comment