પૂર્વોત્તરમાં પ્રતિબંધ છતાં બેરોકટોક ચાલતું ગેરકાયદે ખાણકામ

- ગત ૧૩ ડિસેમ્બરથી મેઘાલયના કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોના જીવિત હોવાની સંભાવના નહિવત્

- મેઘાલયમાં બનેલી દુર્ઘટનાએ પૂર્વોત્તરના રાજ્યોમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર કોલસાના ખાણકામને શક્તિશાળી કોલસા માફિયાઓના નેટવર્કને ઉઘાડું પાડયું છે

મેઘાલયની કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોના જીવિત હોવાની સંભાવના સાવ પાંખી છે. આ ૧૫ મજૂરો ગત ૧૩ ડિસેમ્બરથી ખાણમાં ફસાયેલાં છે. લગભગ ૨૦ જેટલા મજૂર ૩૭૦ ફૂટ ઊંડી ખાણમાં ઉતર્યા હતાં જેમાંના કેટલાંક તો સગીર વયના હોવાનું પણ માલૂમ પડયું છે. સ્થાનિકોના મતે આ ખાણ એટલી સાંકડી છે કે એક સમયે તેમાંથી એક જ વ્યક્તિ પસાર થઇ શકે. એવામાં એકાદ મજૂરે અજાણતા જ સુરંગની દીવાલ તોડી નાખી જેના કારણે પાસે વહેતી નદીનું પાણી ખાણમાં આવવા લાગ્યું. પાંચ જણાને તો જેમ તેમ કરીને બહાર કાઢવામાં આવ્યાં પરંતુ બાકીના ૧૫ જણાં ફસાઇ ગયાં. 

લગભગ ૧૩ દિવસ પછી રાજ્ય સરકારે પણ સર્ચ ઓપરેશન બંધ કરી દીધું કારણ કે તેની પાસે પાણીને બહાર કાઢવા માટેના હાઇ પાવર પમ્પ ઉપલબ્ધ નહોતા. આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર તરફથી પણ કોઇ મદદ મળી નહીં. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે મોજૂદ હતી અને બચાવકાર્ય માટે તૈયાર હતી પરંતુ ખાણમાંથી પાણી બહાર કાઢ્યા વિના તે પણ કંઇ કરી શકવાને અસમર્થ હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા થાઇલેન્ડની એક ગુફામાં બાળકોની એક ફૂટબોલ ટીમ આવા જ સંજોગોમાં ફસાઇ હતી અને ત્યારે થાઇલેન્ડની સરકારે રેસ્ક્યૂ ઓપરેશન માટે દુનિયાભરના નિષ્ણાંતોની મદદ લીધી હતી. જેમાં છેવટે તમામ બાળકોને જીવતા બચાવી લેવાયા હતાં. 

પરંતુ અફસોસની વાત એ છે કે મેઘાલયની સરકારે આવા કોઇ પ્રયાસ ન કર્યાં. કે ન તો કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પગલાં લેવાયા. કારણ સાફ છે કે આપણી સરકાર આ મજૂરોના જીવ બચાવવા માટે ગંભીર નહોતી. એવું લાગે છે કે મજૂરોના જીવની કોઇ કિંમત જ નથી. ખરેખર તો આ ઘટનાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પોલ ખોલી દીધી છે કે દેશમાં વિશાળ પાયે ખાણકામ થતું હોવા છતાં આવી કોઇ આફતને પહોંચી વળવા માટે આપણી પાસે પર્યાપ્ત સાધનો કે કૌશલ્યનો અભાવ છે. ભારે હોબાળો મચ્યા બાદ હવે સરકાર દાવા કરી રહી છે કે એરફોર્સ અને નેવીની ટીમો પહોંચી ગઇ છે અને બચાવકાર્ય તેજીથી આગળ વધી રહ્યું છે. 

હકીકત એ છે કે એક તરફ અવકાશમાં માનવી મોકલવાની વાતો થઇ રહી છે અને બીજી તરફ ખાણમાં ફસાયેલા મજૂરોના જીવ બચાવવા માટે આપણે નિષ્ફળ જઇએ છીએ. આધુનિક બની રહેલા સમાજમાં મોટામાં મોટી સફળતા પણ આંખના પલકારામાં મળી જતી હોવાના દાવાઓ આવા સમયે ખોખલા પૂરવાર થાય છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાના દેશો સાથે કદમ મિલાવીને ચાલવાના આપણી સરકારના દાવાઓ વચ્ચે આપણે એવી વ્યવસ્થા પણ ન કરી શક્યા કે ખાણની અઁદર ફસાયેલા મજૂરો કેવી સ્થિતિમાં છે અને અંદરની પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ આવે કે જેથી કરીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાઇ શકે. 

૪૩ વર્ષ પહેલા ૨૭ ડિસેમ્બર, ૧૯૭૫ના દિવસે ભારતના ઇતિહાસની સૌથી મોટી ખાણ દુર્ઘટના ધનબાદથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ચાસનાલામાં સર્જાઇ હતી જેમાં  ૩૭૫ જણા માર્યા ગયા હતાં. એ સમયે ચાસનાલા કોલિયેરીની બરાબર ઉપર વિશાળ જળભંડાર ખાણની છતમાં બાકોરું પાડી રહ્યો હતો અને અનેક ફરિયાદો છતાં એ સમસ્યા ઉકેલાઇ નહીં અને પરિણામે ખાણ ઇતિહાસની મોટી દુર્ઘટના સર્જાઇ.

આજે પણ ખાણ અકસ્માતની નાની મોટી ઘટના બને છે ત્યારે ચાસનાલાની એ દુર્ઘટના લોકોના મનમાં તાજી થાય છે. આ દુર્ઘટના ઉપર અમિતાભ બચ્ચનને ચમકાવતી કાલા પથ્થર ફિલ્મ પણ બની હતી. મેઘાલયની વર્તમાન ઘટના એટલી ભયાવહ ન હોય તો પણ એ તો સ્પષ્ટ છે કે આટલા વર્ષો પછી પણ આપણા ખાણકામને સલામત બનાવવા ઘણું બધું કરવાનું રહે છે. 

મેઘાલયમાં રેટ હોલ કહેવાતી આવી ખાણોમાં ખોદકામ ૨૦૦૪થી જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રેટ હોલ ખાણકામમાં અત્યંત સાંકડી સુરંગમાં ખોદકામ હાથ ધરવામાં આવે છે જે અત્યંત ખતરનાક, જોખમભર્યું અને અવૈજ્ઞાાનિક છે. રેટ હોલ માઇનિંગમાં ઉંદર જેમ દર ખોદે એમ સુરંગ ખોદીને કોલસો કાઢવામાં આવે છે. આ માટે પહેલા પાંચથી સો ચોરસ કિલોમીટરનું કોઇ એક ક્ષેત્ર પસંદ કરવામાં આવે છે ત્યાર બાદ ત્યાં સુરંગ ખોદવામાં આવે છે. આ સુરંગ એટલી સાંકડી હોય છે કે તેમાંથી એક જ જણ મહામુસીબતે પસાર થઇ શકે છે. સુરંગની અઁદર જઇને મજૂરો કોલસા કાઢે છે. 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાર વર્ષ પહેલાં આવા રેટ હોલ માઇનિંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ છતાં રેટ હોલ ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ બેરોકટોક ચાલી રહ્યું છે. કાળું સોનું ગણાતા કોલસાના કારોબારમાં કમાણી એટલી બધી છે કે કોલસા માફિયાઓ અંકુશ બહાર જતાં રહ્યાં છે.

મેઘાલય સરકાર આવા ગેરકાયદેસર ખાણકામનો ઇન્કાર કરતી આવી છે પરંતુ આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારની પોલ ખૂલી ગઇ છે. તાજ્જુબની વાત તો એ છે કે ગામના લોકો પણ આ દુર્ઘટના છુપાવી રહ્યં હતાં કારણ કે તેમને ખાણ માલિકો દ્વારા હાનિ પહોંચાડવાનો ડર હતો. પૂર્વોત્તરના રાજ્યોમાં ખાણ માફિયાનું વર્ચસ્વ છે. હકીકતમાં પૂર્વોત્તરની જેટલી કુદરતી સંપત્તિ આ ખાણ માફિયાઓએ જેટલી લૂંટી છે એટલી કોઇએ નથી લૂંટી. ગેરકાયદેસર ખાણકામને સત્તાનું સંરક્ષણ પણ મળી રહે છે જેના કારણે આ ખાણ માફિયાઓ અત્યંત શક્તિશાળી બની ગયા છે. 

મેઘાલય ઉપરાંત પશ્ચિમ બંગાળના ઝારખંડ પાસેના વિસ્તારોમાં પણ આવી ગેરકાયદે ખાણોની ભરમાર છે. આ વિસ્તારોમાં દટાયેલા કાળા સોનારૂપી કોલસા બહાર કાઢવાની કિંમત મજૂરોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડે છે. રોજીરોટી રળવા માટે રોજેરોજ કેટલાંય મજૂરો આવી ગેરકાયદેસર ખાણોમાં ઉતરે છે. અવારનવાર કેટલાંય લોકો ખાણમાં જ દટાઇને મરી જતાં હોય છે. કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો જ બહારની દુનિયાને એના વિશે જાણ થાય છે.

જાણકારોના મતે ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે જ્યાં કોલસા કાઢવાનું બંધ કરી દીધું છે એવા વિસ્તારોમાં આવું ગેરકાયદેસર ખાણકામ મોટે પાયે ચાલે છે. જાણકારોનું કહેવું છે કે આ વિસ્તારમાં લગભગ પાંચસો જેટલી ગેરકાયદેસર ખાણો છે જ્યાં વીસ હજારથી પણ વધારે લોકો કામ કરે છે. લોકોને પણ ખબર છે કે તેમનો જીવ ગમે ત્યારે જઇ શકે છે પરંતુ ભૂખમરાથી પરેશાન લોકો જીવના જોખમે પણ ખાણકામ કરે છે. આ મજૂરોને નથી કોઇ ટ્રેનિંગ આપવામાં આવતી કે નથી તેમની પાસે વૈજ્ઞાાનિક ઢબે કામ લેવાતું. 

રાજ્ય સરકારને દુર્ઘટનાની જાણ થયા બાદ પણ રાજ્યના આપદા વિભાગના મંત્રીએ ઘટનાસ્થળે જવા સુદ્ધાંની તસ્દી ન લીધી. ખાણમાંથી પાણી બહાર કાઢવા માટે ૧૦૦ હોર્સ પાવરના દસ પમ્પોની જરૂર હતી પરંતુ બચાવ દળ પાસે ૨૫ હોર્સ પાવરના બે પમ્પ જ ઉપલબ્ધ હતાં. જેના કારણે બચાવ કાર્ય દિવસે ને દિવસે વધારે ને વધારે મુશ્કેલ બનતું ગયું. હેરાન કરતી બાબત એ છે કે રાજ્ય સરકાર પાણી કાઢવા માટે જરૂરી પમ્પ ઉપલબ્ધ ન કરાવી શકી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પાડોશી રાજ્યો કે પછી કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી શકે એમ હતાં તેમ છતાં તેમણે કશું કર્યું નહીં. છેવટે વાત હદ બહાર વણસી જતાં નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવી. 

કોલસાના આ ગેરકાયદે વેપારમાં ભારે નફો મળતો હોવાથી તેનો ગેરકાયદેસર ધંધો ચાલુ રહે છે. રાજ્યના શક્તિશાળી ખાણ માફિયાઓ આવા ખાણકામ વિરુદ્ધ અભિયાન ચલાવતા સંગઠનોના કાર્યકર્તાઓ ઉપર અનેક વખત જીવલેણ હુમલા પણ કરાવી ચૂક્યાં છે. રાજ્યની વિપક્ષ કોંગ્રેસે મેઘાલયની સંગમા સરકાર ઉપર ગેરકાયદેસર કોલસાના ખાણકામના વેપારને સંરક્ષણ આપવાનો આરોપ પણ મૂક્યો છે.

થોડા વખત પહેલાં જ મેઘાયલના સામાજિક કાર્યકર્તા અગ્નેસ ખારશિંગ અને તેમના સાથીદાર જયંતિયા જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર ખાણકામની તસવીરો અને વીડિયો લેવા ગયાં ત્યારે તેમના ઉપર ખાણ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. ખરેખર તો આ સામાજિક કાર્યકર્તાઓ ઉપર હુમલો થયો ત્યારે જ જો સરકારે આવા ગેરકાયદેસર ખાણકામને રોકવાના પગલાં લીધાં હોત તો આ દુર્ઘટના સર્જાઇ ન હોત. ૭૦૦ ફૂટ ઊંડી ખાણ કંઇ રાતોરાત તો બની ગઇ નથી. કદાચ આવી તો બીજી કેટલીક દુર્ઘટનાઓ સામે પણ ન આવી હોય એવું સંભવ છે. 

થાઇલેન્ડની ગુફામાં બાળકો ફસાવાની ઘટના બની ત્યારે તેમને બચાવી લેવાનું શક્ય બન્યું કારણ કે ફસાયેલા લોકો પાસે ગુફાના નકશા હતાં એ બાળકો હોવા છતાં તેઓ આવી પરિસ્થિતિમાં કામ પાર પાડવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હોય એવાં હતાં. જેના પરિણામે દિવસો સુધી ગુફામાં રહેવા છતાં તેઓ જીવતા રહી શક્યાં હતાં. મેઘાલયની ખાણમાં ફસાયેલા મજૂરોના મામલો સાવ અલગ છે અને વધારે દુર્ગમ છે. અહીંયા કોઇ યોજનાબદ્ધ કામ થતું નથી. ખાણમાં ખોદકામ કેવી રીતે થયું હશે કે મજૂરો કયા રસ્તે અંદર ગયાં હશે એ કહેવાવાળું પણ કોઇ નથી.

 નેવી એરફોર્સ અને એનડીઆરએફની ટીમો આ લોકોને બચાવવા જાનની બાજી લગાવીને પ્રયાસ કરી રહી હશે પરંતુ સંજોગો એવાં છે કે હવે ચમત્કારની આશા જ રાખી શકાય એમ છે. એનડીઆરએફની ટીમ તો બે દિવસ પહેલાં જ સુરંગમાંથી દુર્ગંધ આવવા લાગી હતી જેનો અર્થ એમ પણ નીકળી શકે તે મજૂરો કદાચ મૃત્યુ પામ્યા હશે. 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ મળીને આવા ગેરકાયદેસર ખાણકામને રોકવા માટે કોઇ નક્કર યોજવા વિચારવી પડશે નહીંતર આવી ગેરકાયદેસર ખાણોમાં મજૂરોની બલિ ચડવાનો ક્મ ચાલુ જ રહેશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો