શેખ હસીનાનું બાંગ્લાદેશમાં ફરી સત્તામાં આવવું ભારતના લાભમાં
- બાંગ્લાદેશની ચૂંટણી આમ તો શેખ હસીના અને ખાલિદા ઝિયા એમ બે બેગમો વચ્ચેની લડાઇ તરીકે જ ઓળખાતી રહી છે પરંતુ બીમાર ખાલિદા ઝિયા જેલમાં છે અને શેખ હસીનાને પડકારી શકે એવા વિપક્ષી નેતાની ગેરહાજરી છે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો છે જેના પરિણામે શેખ હસીનાનું ચોથી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવું નક્કી છે. અવામી લીગની આગેવાની હેઠળના મોરચાને ૩૦૦માંથી ૨૬૬ બેઠકો મળી છે જ્યારે તેની સહયોગી જાતિયા પાર્ટીને ૨૧ બેઠકો મળી છે. વિપક્ષી ગઠબંધન નેશનલ યૂનિટી ફ્રન્ટને માત્ર ૭ બેઠકો મળી છે. જોકે વિપક્ષે ચૂંટણીના પરિણામોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને દાવો કર્યો છે કે ચૂંટણી નિષ્પક્ષ નહોતી અને સરકારે પોતાની તમામ મશીનરી અવામી લીગને જીતાડવામાં લગાડી દીધી છે. એ સાથે જ વિપક્ષે માગણી કરી છે કે નિષ્પક્ષ સરકારની દેખરેખ હેઠળ ચૂંટણી ફરી વખત યોજવામાં આવે.
દક્ષિણ એશિયામાં હાલ રાજકીય ગરમાગરમીનો માહોલ છે. થોડા મહિના પહેલા પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન વડાપ્રધાન બન્યાં. પાકિસ્તાનની જનતાએ બે મુખ્ય પક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગનો સફાયો કરીને ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફને સત્તાના શિખરે પહોંચાડી. જોકે ઇમરાન ખાનને જીતાડવામાં જનતા કરતા સેનાનું યોગદાન વધારે રહ્યું. તો માલદીવમાં એકાદ વર્ષ રહેલી રાજકીય ઉથલપાથલ બાદ લોકોએ અબ્દુલ્લા યામીનને રાષ્ટ્રપતિની ખુરશી છોડવા માટે મજબૂર કર્યાં. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્સાને વડાપ્રધાન તો બનાવી દીધાં પરંતુ સંસદ અને સુપ્રીમ કોર્ટે તેમની નિમણૂકને ગેરકાયદેસર ઠરાવી. ભારતમાં પણ તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઇ અને હવે માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીઓ ભારત માટે પણ ભારે મહત્ત્વ ધરાવે છે કારણ કે તે આપણું નિકટનું પાડોશી છે અને ખાસ કારણ એ કે દેશના પૂર્વ હિસ્સાને સાંપ્રદાયિક હિંસા અને અલગતાવાદીઓ તેમજ આતંકવાદીઓથી મુક્ત રાખવામાં બાંગ્લાદેશનો સહયોગ જરૂરી છે. શેખ હસીનાનું બાંગ્લાદેશના વડાપ્રધાનપદે ફરી વખત આરૂઢ થવું ભારતના ફાયદામાં છે કારણ કે તેમની નીતિઓ ભારતતરફી છે અને બાંગ્લાદેશની રચનામાં ભારતના યોગદાનને તેઓ આજે પણ ભૂલ્યાં નથી. ગઇ ૧૬ ડિસેમ્બરે બિજોય દિવસ મનાવતી વખતે પણ શેખ હસીનાએ પાકિસ્તાની સેના ઉપર ભારત-બાંગ્લાદેશના સંયુક્ત વિજયને યાદ કરીને ભારતના યોગદાનને ફરી વખત બિરદાવ્યું.
બાંગ્લાદેશમાં પણ ભારતની જેમ જ સામાન્ય ચૂંટણી યોજાય છે જેમાં વિજેતા બનનાર પાર્ટીના નેતા વડાપ્રધાન બને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદમાં યોજાય છે. ૧૯૭૧માં બાંગ્લા એટલે કે બંગાળી ભાષા બોલતા પ્રદેશ તરીકે બાંગ્લાદેશનો જન્મ થયો. એ પહેલાં ૧૯૪૭ વખતે અખંડ ભારતના ભાગલા બાદ તે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો પાકિસ્તાનનો હિસ્સો હતો. બાંગ્લાદેશની સ્થાપના લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે થઇ હતી પરંતુ વચ્ચે થોડા વર્ષો ત્યાં સેનાનું શાસન પણ રહ્યું. ૧૯૭૫માં બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ તખ્તાપલટો થયો અને ૧૫ વર્ષ સુધી સૈન્ય શાસન રહ્યું.
૧૯૯૦માં ફરી એક વખત બાંગ્લાદેશમાં લોકશાહી સ્થપાઇ. બાંગ્લાદેશમાં ૫.૧૬ કરોડ મહિલાઓ સહિત ૧૦. ૪૨ કરોડ મતદારો છે અને આ વખતની ચૂંટણીમાં ૪૦ પક્ષોએ ભાગ લીધો હતો. બાંગ્લાદેશની સંસદને જાતીય સંસદ (હાઉસ ઓફ નેશન) કહેવાય છે. હાઉસ ઓફ નેશનમાં કુલ ૩૫૦ સભ્યો હોય છે, જેમાંના ૩૦૦ સભ્યો વોટિંગ દ્વારા ચૂંટાય છે જ્યારે મહિલાઓ માટે અનામત ૫૦ બેઠકો વોટ શેરિંગના આધારે ફાળવવામાં આવે છે. સરકાર રચવા માટે ૧૫૧ બેઠકો જરૂરી છે અને ભારતની જેમ જ સંસદીય ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે.
બાંગ્લાદેશની હાલની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજરો ટકેલી છે કારણ કે શેખ હસીના ઉપર આરોપ છે કે તેમના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં લોકશાહી ખાડે ગઇ છે અને વિરોધીઓનું દમન કરવામાં આવ્યું છે. જોકે એક હકીકત એ પણ છે કે શેખ હસીનાના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશે સામાજિક અને આર્થિક મોરચે સારી એવી પ્રગતિ કરી છે. ૨૦૦૯થી ૨૦૧૭ દરમિયાન વાર્ષિક ૬ ટકાનો વિકાસ દર નોંધાયો છે તેમજ બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા પણ આવી છે. જોકે આ તમામ ઉપલબ્ધિઓ છતાં વધી રહેલી અસમાનતા, યુવાનોની બેરોજગારી, શ્રમિકોના પલાયન અને મજૂરોની સતત બગડતી આર્થિક પરિસ્થિતિ મોટી સમસ્યાસમાન છે.
ભૂતકાળમાં પશ્ચિમી જગત બાંગ્લાદેશની લોકશાહીનું પોતાના હિસાબે મૂલ્યાંકન કરતું હતું પરંતુ હવે એ પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે આ કામ સિવિલ સોસાયટી અને ચૂંટણી નિરીક્ષકો સંભાળે છે. ૨૦૧૪માં બાંગ્લાદેશની ગત ચૂંટણીમાં અમેરિકાએ ચૂંટણીની નિષ્પક્ષતાને લઇને સવાલ કર્યાં હતાં. આમ કરવા પાછળ અમેરિકાનો ઇરાદો પરોક્ષ રીતે વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને મદદ કરવાનો હતો અને સાથે સાથે ભારત ઉપર એવો આરોપ પણ હતો કે તે શેખ હસીનાનો બચાવ કરે છે. પરંતુ આ વખતે અમેરિકા ચૂપ છે જેના કારણે બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર પણ નિરાશા જાહેર કરી ચૂક્યાં છે. કારણ સાફ છે કે હવે પશ્ચિમી દેશો પણ આશ્વસ્ત છે કે શેખ હસીનાની આગેવાની હેઠળ બાંગ્લાદેશ વિકાસના પંથે છે.
અમેરિકા પણ શેખ હસીનાના નેતૃત્ત્વને સમર્થન કરે છે એનો પુરાવો ગત ૨૦ નવેમ્બરે મળ્યો જ્યારે અમેરિકી કોંગ્રેસમાં એક બહુદળીય પ્રસ્તાવ રજૂ થયો જેમાં બાંગ્લાદેશમાં વધી રહેલા સાંપ્રદાયિક કટ્ટરવાદને લઇને ચિંતા જાહેર કરવામાં આવી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે બીએનપીની મહત્ત્વની સહયોગી પાર્ટી એવી જમાત-એ-ઇસ્લામી અને હિફાઝત-એ-ઇસ્લામ જેવા ધર્માંધ કટ્ટરપંથી સમૂહો બાંગ્લાદેશની લોકશાહી અને લઘુમતિઓ માટે જોખમ ઊભું કરી રહ્યાં છે. જોકે બાંગ્લાદેશની કોઇ પણ ચૂંટણી વિવાદ કે હિંસા વિનાની નથી હોતી. આ વખતની ચૂંટણી દરમિયાન પણ ભારે હિંસા થઇ અને ૧૭ જણાંએ તો પોતાના જીવ પણ ગુમાવ્યાં.
આમ તો છેલ્લા ત્રણ દાયકાથી બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના અને બેગમ ખાલિદા ઝિયા એમ બે મહિલા નેતાઓનું વર્ચસ્વ રહ્યું છે. એના કારણે બાંગ્લાદેશની ચૂંટણીઓ મોટે ભાગે તો બે બેગમો વચ્ચેની લડાઇ તરીકે જ ઓળખાતી રહી છે. જોકે આ વખતે ૭૧ વર્ષના શેખ હસીના દેશમાં સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ વધારે મજબૂત કરશે. ૭૩ વર્ષના ખાલિદા ઝિયા લશ્કરી તાનાશાહ ઝિયાઉર રહેમાનના વિધવા છે તો શેખ હસીના બાંગ્લાદેશના સંસ્થાપક નેતા શેખ મુજિબુર રહેમાનના પુત્રી છે. બંને મહિલા નેતાઓએ લશ્કરી સરમુખત્યાર મોહમ્મદ ઇર્શાદને સત્તા પરથી દૂર કરીને લોકશાહી સ્થાપવા માટે લડત શરૂ કરી હતી. ૧૯૯૧માં ખાલિદા ઝિયા વડાપ્રધાન બન્યા બાદ બંને એકબીજા સામે આવી ગયાં અને ત્યારથી બાંગ્લાદેશની સત્તા બંનેના હાથમાં ચલકચલાણુ રમી રહી છે.
જોકે આ વખતની ચૂંટણીમાં શેખ હસીનાને ખાલિદા ઝિયાના પડકારનો સામનો કરવો પડયો નથી. ખાલિદા ઝિયા હાલ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ઢાકાની અંગ્રેજોના જમાનાની જેલમાં ૧૨ વર્ષની સજા કાપી રહ્યાં છે. તેમનો પક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી તેમના ઉપરના આરોપોને રાજકારણથી પ્રેરિત જણાવીને ખોટા કહે છે. દોષિત સાબિત થયા બાદ ખાલિદા ઝિયા ચૂંટણી પણ લડી શકે એમ નથી. તેમને સંધિવા અને ડાયાબિટીઝની બીમારી છે અને એક હાથ પણ ભારે મુસીબતે ઉઠાવી શકે છે. પશ્ચિમી દેશોના રાજકીય વિશ્લેષકોના મતે ખાલિદા ઝિયાની રાજકીય કારકિર્દી પૂરી થઇ ચૂકી છે. હકીકતમાં ખાલિદા ઝિયાનો પરિવાર માટે આ મુશ્કેલીઓનો દોર છે. તેમના સૌથી નાના પુત્રનું ૨૦૧૫માં બેંગકોકમાં મૃત્યુ થઇ ગયું, તો મોટો પુત્ર તારિક રહેમાન ૨૦૦૮થી લંડનમાં નિર્વાસિત તરીકે જીવન વીતાવે છે.
ખાલિદા ઝિયાના ખરાબ સમયની શરૂઆત ૨૦૧૪ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે થઇ. શેખ હસીનાએ એ વખતે કેરટેકર સરકારની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવાની સિસ્ટમ બદલી નાખી હતી. એ વખતે પણ બીએનપીએ ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાનો આરોપ મૂક્યો હતો. ગત ચૂંટણી દરમિયાન પણ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઇ હતી જેમાં ઘણાં લોકો માર્યા ગયા હતાં. એના આગલા વર્ષે પણ શેખ હસીના ઉપર સમય પહેલા ચૂંટણી યોજવા માટે દબાણ સર્જવા માટે સમગ્ર દેશમાં સડક અને રેલજામ કરવામાં આવ્યાં હતાં. એ સમયે થયેલી હિંસામાં પણ લગભગ ૧૫૦ જણાં માર્યા ગયા હતાં. હકીકતમાં બીએનપીના આ અભિયાનથી ઘણાં લોકો નારાજ થયા હતાં અને શેખ હસીનાને બીએનપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની તક મળી ગઇ હતી.
હવે શેખ હસીના ફરી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે એ ભારત માટે સારી બાબત છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો ગાઢ બન્યાં છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં પણ ભારે વિકાસ નોંધાયો છે. બાંગ્લાદેશ ભારતની નિકાસ માટેના એક મહત્ત્વના બજારોમાંનું એક છે. બાંગ્લાદેશમાં એક સ્થાયી અને ઉદારવાદી સરકાર હોય એ ભારત માટે અત્યંત જરૂરી છે. ૧૯૮૨માં બાંગ્લાદેશમાં ઉદારીકરણ બાદ બંને દેશોના વ્યાવસાયિક સંબંધોમાં મોટો સુધારો જોવા મળ્યો છે. કેટલીક વખત રાજકીય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધમાં ઓટ આવી નથી. ૧૯૯૫થી ૨૦૦૫ સુધી તો ભારત બાંગ્લાદેશના નિકાસકારોમાં પહેલા સ્થાને હતું, જોકે ત્યારબાદ ચીન બાંગ્લાદેશના નિકાસકારોમાં પહેલા સ્થાને છે. તો શેખ હસીનાના આગામી શાસનકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો નવી ઊંચાઇને આંબશે એમાં બેમત નથી.
Comments
Post a Comment