નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2019, ગુરુવાર હરિયાણાની જીંદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢાએ જનનાયક જનતા પાર્ટીના દિગ્વીજય ચૌટાલાને 12,935 મતોથી હાર આપી છે. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદિપ સુરજેવાલાની હાર થઇ છે. તેઓ અહીં ત્રીજા નંબરે રહ્યાં છે. જીંદ વિધાનસભા પેટાચૂંટણીના પરીણામો બાદ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, આ ચૂંટણી પરીણામની અસર લોકસભા ચૂંટણી પર રહેશે. અમને 10 માંથી 10 સીટો જીતવાનો વિશ્વાસ છે. ઉલ્લેખનિય છે કે, જીંદ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના સાતમાં રાઉન્ડ બાદ વિપક્ષી દળોના સમર્થકોએ હોબાળો કર્યો હતો. તેમણે મતગણતરીમાં ગડબડનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. પોલીસે સ્થિતી સંભાળવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જે બાદ મતગણતરી શરૂ થઇ હતી. જ્યારે રાજસ્થાનના રામગઢ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર શાફિયા જુબૈર ખાં 12,228 મતોથી જીત્યા છે. તેમને કુલ 83,311 મતો મળ્યા.