કાલેે બજેટ: મધ્યમ વર્ગને ટેક્ષ લિમિટ- રાહતની અપેક્ષા


આવતીકાલના બજેટ પર દરેક ક્ષેત્રની નજર છે. કૃષિ ક્ષેત્ર નવી રાહત માંગે છે, ટેક્ષટાઈલ ક્ષેત્ર નવી નીતિ ઝંખે છે તો નોકરીયાત વર્ગ ટેક્ષ લીમીટમાં વધારો ઈચ્છે છે. સરકાર શું રાહત આપવા માંગે છે તેનો કોઈ ખુલાસો નથી થયો પણ ૨૦૧૯ના લોકસભા જંગ અગાઉનું આ બજેટ હોઈ તે ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે.

વિરોધ પક્ષો કહે છે કે બજેટમાં કોઈ રાહતની જાહેરાત ના કરવી જોઈએ કેમકે ચૂંટણી પૂર્વેના બજેટ લેખાનુદાન હોવું જોઈએ.

બજેટમાં કોઈ રાહતની જાહેરાત ના થવી જોઈએ એમ ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ અને યશવંતસિંહાએ કહ્યું છે. કોંગ્રેસના મનીષ તિવારીએ પણ સરકારને ચેતવી છે કે આ બજેટ લેખાનુદાન હોઈ તેને ફુલ-ફ્લેથ બજેટ તરીકે રજૂ ના કરી શકાય. 

૨૦૧૯ના લોકસભાના જંગમાં જે સરકાર રચાશે તે ફુલ-ફ્લેથ બજેટ રજૂ કરી શકે છે. આ વિવાદ છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહ્યો છે. નાણા મંત્રાલયે તો શીરો ખાઈને બજેટની તૈયારી કરી લીધી હતી.

નાણાપ્રધાન અરૂણ જેટલી બિમાર છે અને અમેરિકામાં સારવાર લઈ રહ્યા છે. તેમની જગ્યાએ પીયુષ ગોએલ બજેટ બહાર પાડશે. નાણા મંત્રાલયનો હવાલો પણ પિયુષ ગોએલ પાસે છે.

ગઈ ત્રીજી ડિસેમ્બરથી જ સમાચાર માધ્યમોને નોર્થ બ્લોકમાં પ્રવેશવા દીધા નહોતા. નોર્થ બ્લોકમાં બજેટની તૈયારીઓ થતી હોય છે. આ તૈયારીઓ જોઈને એમ લાગે છે કે બજેટ લેખાનુદાન નહીં હોય.

ઈન્ટરીમ બજેટ હોવા છતાં એનડીએ સરકાર મોટી રાહતો જાહેર કરી શકે છે. સરકાર કૃષિ ક્ષેત્ર અને મધ્યમ વર્ગને રાહત આપવા મથામણ કરી શકે છે. સરકારે મધ્યમ વર્ગને અનામત આપીને સૌને ચોંકાવી દીધા હતા. સરકારના આ પગલાંનો કોઈ પક્ષ વિરોધ કરી શક્યું નહોતું. મધ્યમ વર્ગ એ ભાજપને વફાદાર રહેલો વર્ગ છે. મધ્યમ વર્ગની ડીમાન્ડ ઈન્કમટેક્ષની લીમીટ વધારવાની છે જે પુરી થાય એમ છે.

કૃષિ ક્ષેત્ર કોંગ્રેસે આંચકી લીધું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૃષિ દેવા માફી અંગે કોંગ્રેસે કરેલી જાહેરાત સામે વિરોધ થઈ રહ્યો છે. કિસાનોના દેવા માફ બહુ ઓછા પ્રમાણમાં થયા છે. દેવા માફીની સિસ્ટમ રાજ્ય સરકારોને દેવામાં ધકેલી શકે એમ છે. 

કૃષિ ક્ષેત્રનું 'દિલ માંગે મોર' જેવું છે. આવતીકાલના બજેટમાં કૃષિ ક્ષેત્રને લાભ થવાની શક્યતા છે. કૃષિ ક્ષેત્રની આવક બમણી કરવાનું ૨૦૧૪માં મોદી સરકારે વચન આપ્યું હતું. આ વચન મોદી સરકાર પાળી શકી નહોતી એટલે બજેટમાં રાહતના પગલાં લેશે એમ મનાય છે. દેશના ૪૫ ટકા લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. 

ગણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે વિજય મેળવ્યા પછી તરત જ દેવા માફીની જાહેરાત કરી હતી. દેવા માફીનો આ રેલો અન્ય રાજ્યો સુધી ખેંચાયો હતો. કૃષિ ક્ષેત્રને દેવા માફી, માલની વધુ ઉપજ, જેવા મુદ્દે રાહત અપાશે એમ મનાય છે.

કોંગ્રેસના મતે ભાજપ પાંચ વર્ષમાં ફૂલ ફ્લેથ બજેટ પાંચ વાર રજૂ કરી ચુક્યું છે. હવે તે છઠ્ઠીવાર આપી શકે નહીં. ભારતમાં છેલ્લા દાયકાથી ચાલી આવતી પરંપરા અનુસાર છઠ્ઠીવાર બજેટ રજૂ ના થઈ શકે કેમકે આગામી પાંચ વર્ષ માટે સરકાર તેના વિચારો અમલી ના બનાવી શકે.

સરકાર ૨૬ મે સુધી જ ઓફિસમાં છે એટલે બજેટ આપવું અને સરકારની સમય મર્યાદા વચ્ચે માંડ ૮૦ દિવસ બાકી રહેશે. ૮૦ દિવસમાં બીજી સરકાર આવશે તો, તેને નવેસરથી તેના વિચારો પ્રમાણેનું બજેટ આપવું પડશે. મોદી સરકાર એમ માને છે કે બીજી ટર્મમાં પણ તે શાસન પર આવશે જ્યારે કોંગ્રેસ આ દાવાને હાસ્યાસ્પદ ગણે છે.

કોંગ્રેસની વાતમાં દમ છે. કેમકે નવી સરકાર તેના સિધ્ધાંતો પ્રમાણેનું આર્થિક તંત્ર ચલાવશે. નવી સરકારે જુની દરખાસ્તો રદ્દ કરીને નવી લાવવી પડશે. આ સંજોગોમાં મોદી સરકારે લેખાનુદાન બજેટ આપીને નવી સરકારને તેની રીતે આગળ વધવા માટે જગ્યા કરી આપવી જોઈએ.

મોદી સરકાર ફૂલ ફ્લેથ બજેટ ગમે તેટલું પ્રજાલક્ષી કે ચૂંટણીલક્ષી આપશે પણ જો તે હારશે તો નવી સરકારે નવેસરથી બજેટની પ્રોસેસ કરવી પડશે. સાત દાયકાની પરંપરા મોદી સરકાર તોડશે કે કેમ તે અંગે બજેટની રાહ જોવી પડશે.

- પ્રસંગપટ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે