લક્ષ્મીની લાગવગ ઘણી, પણ એનાથી માણસનું કલ્યાણ કેટલું ?

જિંદગી કો તુમ તબ હી જાન જાઓગે, જબ મૌતકો અપને કરીબ પાઓગે.

શ્રીનિવાસ નગરના ત્રિદેવ રાજાની ટંકશાળના દરવાજે ફરતાં ફરતાં ઘુવડ અને મોર સામે મળ્યા. ઘુવડ એ લક્ષ્મી દેવીનું વાહન અને મોર એ સરસ્વતી દેવીનું વાહન. બંનેને પોતાની મોટાઈનું અભિમાન હતું. અભિમાનીઓ એકબીજા સાથે સદા અથડાય એમ બંનેનો ગર્વ એકબીજા સાથે અથડાવા લાગ્યો. બંને સામસામે આક્ષેપો કરવા લાગ્યા.

ઘુવડે જરા ચીડાઈને કહ્યું, 'અલ્યા મોર ! મારા કરતાં દેખાવમાં તું વધુ રૂપાળો હોય, તેથી શું થયું ? લોકો તો લક્ષ્મીદેવીને સદૈવ ઝંખતા હોય છે. એને માટે ગમે તેવો ધંધો કે કામ કરતા હોય છે. બધા રાતદિવસ મહેનત કરીને મારા માલિક એવા લક્ષ્મીદેવીને મેળવવા મથે છે, તે તું શું નથી જાણતો ?'

મોરે ખડખડાટ હસીને કહ્યું, 'અરે ! એવા લોકોને ય જાણું છું કે જેઓ ખોટા માર્ગે ચાલીને લક્ષ્મી ભેગી કરી હોય અને પછી કમોતે મરી ગયા હોય અથવા તો અતિ લોભના કારણે પોતાના ખજાન પર સાપ થઇને બેસી ગયા હોય. મેં એવા સાપોને ખાવાનો ધંધો રાખ્યો છે.'

વિવાદ વધતો ચાલ્યો અને ઘુવડ અને મોર વચ્ચે મોટો ઝઘડો થયો. એકબીજા પર આક્ષેપ કરવામાં એટલો બધો વખત વહી ગયો કે સમયનું ભાન રહ્યું નહીં, તેથી એમને શોધતાં શોધતાં લક્ષ્મી અને સરસ્વતી બંને ત્યાં આવી પહોંચ્યા.

બંનેને સ્વર્ગગંગામાં સ્નાન કરવા જવું હતું અને વાહનના અભાવે મોડું થતું હતું. પણ બંને પક્ષીઓએ બંને દેવીઓ સાથે અસહકાર કર્યો અને કહ્યું, 'એકવાર કસોટી થઇ જવા દો. લક્ષ્મી મોટા કે સરસ્વતી ? તો જ અમારો આ હંમેશનો વિવાદ ટળે, રોજના ઝઘડાઓ શાંત થાય. એના વિના અમારા મનને ચેન નહીં પડે.'

'અરે, તમે પાગલ થયા છો. આ તો અમારો સદાનો ટંટો છે.' 'સદાનો હોય કે એક દિવસનો હોય, પણ અમારે પરીક્ષા કરવી છે અને મોટાઈ સિદ્ધ કરવી છે.' આખરે બંને દેવીઓ સંમત થઈ.

સરસ્વતીદેવીએ એક વિદ્વાન બ્રાહ્મણનું રૂપ લીધું. બ્રાહ્મણ તે કેવો ? વેદ, પુરાણ, અલંકાર, ચંપૂ, નાટક બધું મોઢે ! નગરના નગરશેઠે માનપૂર્વક બ્રાહ્મણને અંદર બોલાવ્યા. સુંદર સિંહચર્મના આસન પર બેસાડયા. પૂજા-સેવા કરી. પછી માનવજીવનને સાર્થક કરે એવો ઉપદેશ આપવા વિનંતી કરી.

બ્રહ્મદેવે ઉપદેશ શરૂ કર્યો ! શું સુંદર ને ભાવપૂર્ણ ઉપદેશ ! ધીરે ધીરે આખું નગર એકઠું થયું. અન્ય નગરનાં લોકો અને પરદેશથી પણ લોકો ઉપદેશ સાંભળવા આવ્યા. લોકો કહે, 'ભાઈ ! બ્રહ્મદેવ શું છે ? જાણે દાઢીમૂંછવાળી સાક્ષાત્ સરસ્વતી જોઇ લો ! આ વાણી સાંભળીને આપણા તો આ આ-લોક ને પરલોક બંને ધન્ય થઇ ગયા.'

ઉપદેશગંગા વહેતી હતી ત્યારે એક અતિ વૃદ્ધ સ્ત્રી નગરમાં આવી. લાંબા હોઠ, કદરૂપો ચહેરો અને એ દયામણા અવાજે ભીખ માગતી નગરશેઠના ઘેર આવી. નગરશેઠના અકળાયેલ પત્નીએ દીકરાની વહુને કહ્યું, 'જાને ! પેલી લપને કંઇ આપીને ટાળને ! આ ઉપદેશનો એક એક શબ્દ એક એક મોતીની પણ ગરજ સારે એવો છે. મારાથી તો એકેય શબ્દ છોડાશે નહીં.'

દીકરાની વહુ ઊઠી ને ડોસીને ખખડાવવા માંડી. પેલી ડોસી કહેછ 'બાઈ, દયા ધરમ કા મૂલ હૈ,. ખાવાનું ન હોય તો પીવાનું પાણી તો દો. ભૂખથી આંખે અંધારાં આવે છે, પણ તરસે તો જીવ જાય છે.'

'લે મર !' એમ કહી વહુ પાણી લાવી. પેલી ડોસીએ પાણી લેવા માટે ઝોળીમાંથી રામપાતર કાઢ્યું પણ કાઢતાંની સાથે જ ચારે તરફ અજવાળું અજવાળું ! નામ રામપાતર પણ સાવ સોનાનું ! એમાં ભાતભાતનાં મણિ કંડારેલાં ! દીકરાની વહુને આશ્ચર્ય થયું. કહે ઃ 'ઓહ ! સોનાનું રામપાતર પાસે છે, ને ઘેર ઘેર ભીખ માંગે છે ?'

ડોસી ગરીબડી થઇને બોલી, 'ન માગું તો શું કરું, બેન ! ઘેર લક્ષ્મી તો ઘણી છે, પણ આ ટકાની ડોસીને જાળવનાર કોઈ નથી. છતે પૈસે ઘરમાં પાણી પાનાર પણ કોઈ નથી. સોનું કંઇ ખવાય છે, કે કંઇ પિવાય છે ? એ માટે ભીખ માંગીને પેટ ભરું છું.'

દીકરાની વહુને લાગ્યું કે આ તો આકડે મધ છે. ડોસીને રાખી લઇએ ને એનો દલ્લો લઇ લઇએ. એણે ભાવથી કહ્યું, 'માજી ! અહી રહો, તમારી દીકરી થઇને હું ચાકરી કરીશ.'

ડોસી બોલી, 'બેહન, તું તો દયાનો અવતાર છે, પણ ઘરમાં તું વડેરી છે કે તારે સાસુ-નણંદ કોઈ છે ? એ હોય તો એમની રજા જોઇએ ને ?' 'મારે માથે સાસુ છે. લ્યો, એમને બોલાવું.' સાસુને સઘળી વાત કરી, તો સાસુએ કહ્યું 'આ તો લક્ષ્મીજી ચાંલ્લો કરવા સામે પગે આવ્યાં. રહો. માજી ! અહીં જ રહો. મારી મા-જણી બેન સમજીને સેવા કરીશ.'

ડોશી કહે, 'બેન, તારી હેતપ્રીત અપાર છે, પણ ઘરના પુરુષની રજા વગર કોઇને ત્યાં ન રહેવું એવો મારો નિયમ છે.'

શેઠ આવ્યા. શેઠાણીએ બધી વાત કરી એટલે શેઠ ઠંડાગાર ! તરત કહેવા લાગ્યા, 'અરે ! એમાં મને બોલાવવાની જરૂર શી હતી ? અતિથિ તો દેવતા કહેવાય. શાસ્ત્રમાં એનો મહિમા ભારે ભાખ્યો છે ! પલંગ બિછાવો, જલપાન લાવો, અરે વહુ ! પાંગતે બેસી માજીનાં પગ દાબો ! ઘરડું પાન છે. આશીર્વાદ લો.'

નગરશેઠનું કુટુંબ માજીની સારવારની ધમાલમાં પડી ગયું. એ વખતે અચાનક કેટલાક બ્રાહ્મણો નીકળ્યા. તેઓ જોરથી કહેવા લાગ્યા ઃ 'રાજાને ત્યાં કુંવર જન્મ્યો છે. બ્રાહ્મણ માત્રને શેલાં ને સીધાં આપે છે ! વહેલો તે પહેલો !'

સભામાં જેટલાં બ્રાહ્મણો હતા તે બધા ઊઠીને દોડયા ! એવામાં બૂંગિયો ઢોલ વાગતો સંભળાયો: ઢંઢેરો પિટાતો સંભળાયો. 'રાજા સેના તૈયાર કરે છે. રાજપૂત માત્રને કેડ સોનાની મૂઠવાળી તલવાર ને માથે સોનેરી મંડીલ બંધાવે છે !'

રજપૂતો ઊઠયા ને મૂછો આમળતા દરબાર તરફ ચાલી નીકળ્યા. એવામાં દાણિયો બંદર પરથી બૂમ પાડતો હતો: 'રાજાએ ચાંચિયાનાં વહાણ જપ્ત કર્યાં છે. લિલામ થાય છે. સીસાના ભાવે સોનું જાય છે !'

વેપારી માત્ર ઊઠીને ઝડપથી રવાના થયા. ધીરે ધીરે સભા આખી વેરાઈ ગઈ, પણ બ્રાહ્મણ મહારાજ તો લાખ લાખનાં મોતી જેવાં વચનોનો વરસાદ વરસાવી રહ્યા હતા. ત્યાં પેલી ઘરડી ડોશીએ નગરશેઠને કહ્યું, 'આ બ્રાહ્મણ સોનાને માટી સાથે સરખાવે છે, ને લક્ષ્મીને ચંચળ કહી ગાળો આપે છે. અરે ! દુનિયામાં દોલત છે તો બધું છે. એ બ્રાહ્મણ લક્ષ્મી નિંદા કરે છે, એ મારાથી સહન થતી નથી !'

'તો એને કાઢી મૂકું ? આ વ્યાખ્યાન પણ બ્રાહ્મણ દક્ષિણા સારું જ વાંચે છે ને !' નગરશેઠે ડોશીને કહ્યું. ડોશીએ ડોકું હલાવી હા કહી. નગરશેઠે તરત આવીને મહારાજને કહ્યું, 'હવે મહારાજ ઘણું થયું. વળી પછી આવજો. અમારાં એક ઘરડાં માજીથી તમારો કઠોર અવાજ સહન થતો નથી !'

છતાં બ્રાહ્મણ મહારાજે તો આખ્યાન ચાલુ રાખ્યું એટલે શેઠે તાડૂકીને કહ્યું, 'દક્ષિણા લઇને જલદી ચાલ્યા જાઓ ભટજી, નહીં તો ધક્કા મારીને કાઢવા પડશે. આંખ ઉઘાડીને જુઓ તો ખરા ! તમારી સભામાં તો હવે તમે એકલા જ બોલનાર છો ને એકલાજ સાંભળનાર છો !'

તોય બ્રાહ્મણ દેવ ન માન્યા. આખરે શેઠે એમને હાથથી પકડીને આસન પરથી ઊભા કર્યા. ખૂબ ઝકઝક ચાલી. બ્રાહ્મણનું મોં ગુસ્સાથી લાલચોળ બની ગયું. ત્યાં પેલાં ડોશીમા બહાર આવ્યા ને બોલ્યા ઃ 'મહારાજ, તમે સમજતા કેમ નથી ? અહીં તો નગદ ધર્મની પૂજા થાય છે. બોલો લક્ષ્મીદેવીની જય !'

આ સાંભળી બ્રાહ્મણ મહારાજ એકાએક હસી પડયા. અરે ! પળ પહેલાં ક્રોધનાં હુંકાર કરતા મહારાજ હસ્યા કેમ ? શેઠ જુએ તો ઘરડાં માજી ને મહારાજ બેય ગુમ ! ગોતીને ગામ ગાંડું કર્યું તોય સરસ્વતી કે લક્ષ્મીદેવી ન મળ્યાં તે ન મળ્યાં !

આ બનાવ નજરોનજર જોયા પછી ઘુવડભાઈનો મિજાજ ઓર વધી ગયો. ચોવીસે કલાક પોતાનું ભૈરવી ગાન ચોરે ને ચૌટે ગાતા ગાતા ફરવા લાગ્યા. મોરનું મોં પડી ગયું. એનાં પીંછાની શોભા ઝાંખી પડી. સરસ્વતીદેવીએ પોતાના પ્રિય વાહનને દુઃખી જોઈ આશ્વાસન આપ્યું, તોય મોર રડતો અટકે નહીં. એની આંખમાંથી વેળા-કવેળાએ ડળક-ડળક આંસુ પડે !

 સરસ્વતીદેવીએ આખરે એનો શોક ટાળવા એક યુક્તિ ગોઠવી. શ્રીનિવાસ નગર તરફ જવાના રસ્તામાં એણે એક સોનાનો નાનો શો ડુંગર ખડો કર્યો. મોરને ત્યાં ચોકી કરવા બેસાડયો. રાત પડું પડું થતી હતી, ને બે સગા ભાઈઓ ત્યાં આગળથી નીકળ્યા. તેઓએ કંઇક ચમકતું જોયું. બંને ભાઈઓ ત્યાં પહોંચ્યા. બંને વચ્ચે તકરાર થઈ.

હવે નાના ભાઈને કાળ વ્યાપ્યો. એણે કમરમાં રહેલી કટાર તાકીને મારી. મારી એવી આરપાર નીકળી ગઈ. પણ મોટોભાઈ બળવાન હતો. એણે એ જ કટાર કાઢી તાકીને નાનાભાઈની છાતીમાં મારી ! થોડી વારમાં બંને ધરતી પર ઢળી પડયા.

મોર આ દેખાવ જોઇને બોલી ઊઠયો, 'રે ધિક્કાર છે આ લક્ષ્મીને ! ભાઈ ભાઈમાં ભેદ પડાવે. ભાઈ ભાઈનું ખૂન કરાવે.' એટલામાં મોરે એક નગ્ન સંન્યાસીને આવતો જોયો. એને થયું કે આને મન તો માટીને સોનું સરખાં હશે ! માઈનો લાલ હમણાં લાત મારીને ચાલ્યો જશે ! પણ અજબ આશ્ચર્ય થયું.

નગ્ન સંન્યાસી તો આ સોનાનો ડુંગર જોઇને ગાંડો થઇ ગયો. વિચારવા લાગ્યો, 'બળ્યો આ સંન્યાસ ! મરીને સ્વર્ગ લેવું એ કરતાં આ જીવતું સ્વર્ગ શું કામ ન લઇએ ? પણ આ ડુંગરને કેવી રીતે પોતાના આશ્રમમાં લઇ જવો ?' એ વખતે અચાનક સાત રજપૂતો ત્યાંથી નીકળ્યા. સંન્યાસીએ કહ્યું, 'ભાઈ, એક રાતની મજૂરી શું લેશો ?'

રજપૂતો કહે, 'બે સોનામહોર !' સંન્યાસી કહે, 'માગો છો એનાથી બમણું આપીશ. ચાલો કામે, મારે અડધી રાતમાં કામ પતાવવું છે.'

સંન્યાસી રાજપૂતોને સોનાના ડુંગર પાસે લઇ ગયો. સાતે રજપૂતોને એણે ડુંગર ખોદવાનો હુક્મ કર્યો. રજપૂતોએ વિચાર કર્યો કે આ ક્યાં એના બાપનો માલ છે ? મહેનત કરીએ આપણેને માલ એ ખાય ? કરી નાંખોને ટૂંકો ! સોનાના લોભીને વળી સંન્યાસી કોણ કહે ?

બસ સાતે જણાએ મળીને સંન્યાસીને ઝૂડી નાખ્યો ! લાશને લઇ જઇને એક ખાડામાં નાખી ઉપર માટી વાળી દીધી. હવે સાતે જણા આનંદથી સોનાનો ડુંગર ખોદવા લાગ્યા, પણ તલવાર અને ભાલાથી સોનાનો ડુંગર થોડો ખોદાય ? એ માટે તો છીણી ને હથોડો જોઇએ. તરત તેઓએ પોતાનો સોની-મિત્ર યાદ આવ્યો. સાતે સોનીને ઘેર પહોંચ્યા. સોનીને ઊંઘમાંથી ઉઠાડીને બધી વાત કરી.

સોનીએ વિચાર્યું, 'એક તો મરકટ ને વળી મદિરા પીધી. આ ઘેલાઓને સોનું મળશે, તો ગામ પર આફત આવશે. એટલે સોનીએ મોટા મોટા આઠ લાડવા લીધા. સાતમાં હળાહળ ઝેર નાખ્યું. પછી બધા સોનાના ડુંગર પાસે આવ્યા.

કામકાજ શરૂ કર્યું. થોડીવારે બધા ભૂખ્યા થયા. એટલે સહુને સોનીએ ઝેરના લાડવા પીરસ્યા બધાએ ખાધા એટલે તરસ્યા થતાં કૂવા પાસે ગયા. આ વખતે એક રજપૂતે કહ્યું, 'ભાઈ, આનો વિશ્વાસ થાય નહિ. છીણી ને હથોડો હાથવગો કરી લો. ને સોનીને નાખો કૂવામાં.'

બધાએ તરકટ રચી સોનીને કૂવા પાસે બોલાવ્યો, ને પકડીને કૂવામાં ઝીંક્યો ! થોડી વારે પેલા સાતે જણા પણ લાડવાના ઝેરની અસરથી ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા.

આમ મોરે એક રાતમાં અગિયાર માનવીને કમોતે મરતા જોયા. આથી એના મનને સંતોષ થયો કે ના, ના, લક્ષ્મીની લાગવગ ભલે ગમે તેટલી હોય, પણ એનાથી માણસનું કલ્યાણ નથી.

એણે જઇને ઘુવડને બોલાવ્યો. બધી હકીકત કહી. પણ ઘુવડે ન માની ! એ હરહંમેશ રાતે સોનાના ડુંગર પાસે આવવા લાગ્યો ને પોતાના સૂરથી સહુને બોલાવવા લાગ્યો. મોરના મનને હવે સંતોષ થયો હતો, એટલે એ તો આખો દિવસ પીંછાની કળા કરતો ફરવા લાગ્યો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો