ધારાસભ્યો 'લાઈન ક્રોસ' કરતા હોવાથી મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદન પરેશાન



મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને એક વખત રડતા રડતા એવું કહ્યું હતું કે 'હું ગઠબંધનનું વિષ પી રહ્યો છું!' તે પછી સાથીપક્ષે ગેંડાસ્વામીને થોડો વખત સાચવ્યા હતા, પણ ફરી વખત ધારાસભ્યોએ ગેંડાસ્વામીએ દોરેલી 'લાઈન ક્રોસ' કરી નાખી એટલે મુખ્યમંત્રી નારાજ થયા હતા.

'મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદન ખરેખર બહુ પરેશાન લાગે છે યાર!' ઠંડીના માહોલમાં કૂણાં તડકાની મજા માણતા બકુલેશકુમાર બળદ સામે જોઈને પાડાકુમાર પંચાતિયાએ પંચાત માંડી!

'કેમ શું થયું? ફરીથી જાહેરમાં રડી પડયા?' બકુલેશકુમાર બળદે પૂછ્યું. 'ના. આ વખતે રડયા નથી, પરંતુ ટ્વીટ કરીને ધારાસભ્યોને ધમકી આપી છે' પાડાકુમાર પંચાતિયાએ મોબાઈલમાં જોઈને ટ્વીટ વાંચી સંભળાવી.

'થોડા દિવસ પહેલાં તો મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને એવું ય કહ્યું હતું કે હું તો કહેવા માત્રનો મુખ્યમંત્રી છું, નહીંતર કામ તો ક્લાર્કનું કરું છું' બંને વાત કરતા હતા ત્યાં મસ્તરામ મોરની એન્ટ્રી થઈ હતી. મસ્તરામે વાતમાં રસ લીધો, 'ગેંડાસ્વામીએ એવું કહ્યું હતું કે ગઠબંધનના સાથીદારો મારા કહેવામાં નથી. એમના આદેશને માનવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. ક્લાર્કની જેમ મારે તો કહ્યાગરા થઈને કામ કરવું પડે છે.'

'આ બધા નેતાઓ તો નાટકો કરવામાં એક્સપર્ટ હોય છે. ક્લાર્ક કરે એટલું કામ પણ જો આ બધા કરતા હોત તો ય જંગલમાં ઘણો વિકાસ થાત.' જ્ઞાાની ગાયબેને આવતાની સાથે જ નેતાઓની ઝાટકણી કાઢી.

'ગેંડાસ્વામી ગોલબદનને પેટમાં શું દુઃખે છે? મને તો આખી વાતની ખબર જ નથી' બકુલાબેન બકરીએ જ્ઞાાની ગાયબેનને પૂછ્યું, પણ તેનો જવાબ ઘેટાભાઈ ઘનચક્કરે આપ્યો: 'બકુલાબેન તમે ખાવામાંથી ઊંચા આવો તો જંગલમાં બનતી ઘટનાની ખબર પડે, પણ તમારે એવો ટાઈમ મળતો નહીં હોય!'

'ચૂપ! હું તમારી જેમ નીચી મૂંડી રાખીને બીજાની પાછળ પાછળ તો નથી જ જતી' બકુલાબેન બકરીએ જ તરત સંભળાવી દીધું.

વાત વધતી અટકાવતા જ્ઞાાની ગાયબેને બકુલાબેન બકરીના સવાલનો જવાબ આપ્યો: 'ગેંડાસ્વામી ગોલબદને સસલાભાઈના પક્ષ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે. સસલાભાઈ તો બિચારા ભોળા છે! એ તો આમ ગેંડાસ્વામીને પરેશાન કરે એવા નથી, પણ એના પક્ષના અમુક નેતાઓને ગેંડાસ્વામી સાથે જૂનો વાંધો છે.

ગેંડાસ્વામી ગોલબદનના પિતાશ્રી ગેંડાસ્વામી ગોલબદન સિનિયરે અગાઉ ઘણાં નેતાઓ સાથે દાવપેચ કર્યા છે. એનો જ બદલો અત્યારે મુખ્યમંત્રી ગોલબદને ચૂકવવો પડે છે. જંગલ ન્યૂઝની એન્કર હસીના હરણીનો એક પ્રોગ્રામ થોડા દિવસ પહેલાં આવતો હતો એમાં કંઈક આવું બધું આવતું હતું'.

'હસીના હરણીએ તો ગેંડાસ્વામી ગોલબદન સાથે વિશેષ મુલાકાત કરી હતી. એ કાર્યક્રમ પણ જોવા જેવો હતો.' મંગળા માછલીએ મોબાઈલમાં કંઈક સર્ચ કર્યું પછી ઉમેર્યું, 'યુટયૂબમાં અવેલેબલ છે. જો જો મજા આવશે'.

'હા મને યાદ છે. ગેંડાસ્વામી ગોલબદન જાહેરમાં રડયા એ વખતે 'રૂદન રાજનીતિ' ઉપર હસીના હરણીએ ગેંડાસ્વામીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. એમાં તો ગેંડાસ્વામીએ ત્યાં સુધી કહ્યું હતું કે હું ગઠબંધનનું વિષ પી રહ્યો છું. રૂદન રાજનીતિ કોની પાસે શીખ્યા એવું હસીનાએ પૂછ્યું ત્યારે ગેંડાસ્વામીએ જાહેરમાં આંસુ સારવા બાબતે મહારાજા સિંહને પ્રેરણામૂર્તિ ગણાવ્યા હતા'. મસ્તરામ મોરે એ પ્રોગ્રામનો સાર કહી સંભળાવ્યો.

'એ એપિસોડમાં તો ગેંડાસ્વામી ગોલબદને રડવાથી રાજકારણમાં થતાં ફાયદા બાબતે ય કહ્યું હતું. મુખ્યમંત્રી બન્યા પછી ગેંડાસ્વામી ગોલબદનને રડવાથી કેટલો અને કેવો ફાયદો મળ્યો એ બધી વાતો એ કાર્યક્રમમાં થઈ હતી' કબૂતર કાનાફૂસિયાએ ગેંડાસ્વામી ગોલબદન વિશે વધુ માહિતી ઉમેરી, 'ગેંડાસ્વામી ગોલબદન જ્યોતિષીઓમાં ભારે શ્રદ્ધા ધરાવે છે. લાગે છે કે તેના ઉપર આજકાલ સંકટના વાદળો ઘેરાયેલા છે'

'નેતાઓ ઉપર કોઈ જ સંકટ હોતું નથી. સંકટ તો બધું આપણા જેવા જંગલવાસીઓ ઉપર હોય છે. એ બધા તો સંકટના દેખાડા કરતા ફરે છે.' વૃદ્ધ હીરજી હંસે નેતાઓ તરફનો અણગમો બતાવ્યો.

'એ બધું બરાબર, પરંતુ ગેંડાસ્વામી ગોલબદન પરેશાન ન હોત તો કંઈ એમ થોડા કહે કે ધારાસભ્યો લાઈન ક્રોસ કરશે તો હું રાજીનામું આપી દઈશ' પાડાકુમાર પંચાતિયાએ પોતાની મૂળ વાત બીજા શબ્દોમાં કહી.

'ગેંડાસ્વામી ગોલબદન એમ કહેવા માગે છે કે ધારાસભ્યો લાઈન ક્રોસ કરે એ મને ગમતું નથી. લાઈન ક્રોસ કરવાનો હક મુખ્યમંત્રી તરીકે મારો જ છે. હું લાઈન ક્રોસ કરી શકું, પણ મારા સિવાય કોઈએ લાઈન ક્રોસ ન કરવી. બીજા પક્ષના ધારાસભ્યો લાઈન ક્રોસ કરે એ ગેંડાસ્વામીને નહીં ગમતું હોય.' મંગળા માછલીએ ટીખળ કરી.

'આમ જુઓ તો બધા જ રાજકારણીઓ લાઈનક્રોસ કરે છે, પણ જંગલવાસીઓ પાસેથી એવી અપેક્ષા રાખે કે એ બધા લાઈનમાં રહે! જંગલવાસીઓ લાઈનમાં રહે તો જ આ બધાને લાઈન ક્રોસ કરવાનો મોકો મળે ને' મસ્તરામ મોરે કટાક્ષ કર્યો.

'જંગલવાસીઓ તો બિચારા કાયમ બધે લાઈનમાં જ હોય છે. ખોરાક મેળવવામાં લાઈન, પાણીમાં લાઈન, દવામાં લાઈન, ખરીદીમાં લાઈન, અરે હવે તો સ્મશાનમાં ય લાઈન થાય છે બોલો!' હીરજી હંસે ખેદ સાથે ઉમેર્યું, '..અને આપણાં આ વીઆઈપી નેતાઓ હંમેશા લાઈન ક્રોસ કરીને બધું જ આપણાં કરતા વહેલું મેળવી લેતા હોય છે. સાંભળ્યું છે કે એમને ક્યાંય લાઈનમાં ઊભવું પડયું હોય? તમારી સાથે એકેય રાજકારણી એક પણ પ્રકારની લાઈનમાં ઊભો રહેતા તમે જોયો છે?'

'ના. ના. રાજકારણીઓને તો શું એમના સગા-વહાલાઓને ય ક્યારેય લાઈનમાં રહેવું પડતું નથી. આ બધા તો આપણી લાઈન તોડીને, દમદાટી આપીને આગળ જતા રહે છે' સભામાંથી અવાજો આવ્યાં.

'બસ ત્યારે એટલું સમજી લો, ગેંડાસ્વામી ગોલબદન ભલે દુઃખી હોવાનો ડોળ કરે. પરંતુ બિલકુલ દુઃખી નથી. ધારાસભ્યો લાઈન ક્રોસ કરી રહ્યા છે એમ કહીને ગેંડાસ્વામી ગોલબદન એવી કોશિશ કરતા હશે કે પોતે જે લાઈન ક્રોસ કરે એ જંગલવાસીઓના ધ્યાનમાં ન આવે' હીરજી હંસે જંગલના નેતાઓની બરાબર ઝાટકણી કાઢી'

'આપણાં જંગલના નેતાઓ બોલવામાં લાઈન ક્રોસ કરે છે, વર્તનમાં લાઈન ક્રોસ કરે છે, ભ્રષ્ટાચાર આચરવામાં લાઈન ક્રોસ કરે છે, ભપકો દેખાડવામાં લાઈન ક્રોસ કરે છે, દાદાગીરી બતાવવામાં લાઈન ક્રોસ કરે છે, ગુંડાગર્દીમાં લાઈન ક્રોસ કરે છે, એક બાબત એવી નથી કે જેમાં આપણાં નેતાઓ લાઈન ક્રોસ કરતા ન હોય!' જ્ઞાાની ગાયબેને હીરજી હંસની વાતમાં સૂર પુરાવ્યો.

'મને તો આમાં કંઈક બીજું રંધાઈ રહ્યું હોય એમ લાગે છે' મસ્તરામ મોરે તર્ક રજૂ કરતા કહ્યું, 'ગેંડાસ્વામી ગોલબદન વારંવાર સાથીપક્ષના ધારાસભ્યો અને નેતાઓનો વાંક કાઢીને કદાચ એવી તૈયારી કરી રહ્યા છે કે કાલ સવારે જો એમની સરકાર ઉપર આરોપ લાગે કે કંઈ કામ કર્યું નથી તો એ બધા માટે ગઠબંધનને જવાબદાર ઠેરવી શકાય'

'તારી વાત તો સાચી છે, પણ...' કબૂતર કાનાફૂસિયાએ કહ્યું, 'સાથીપક્ષના ધારાસભ્યો ય અવળચંડાઈ તો કરતા જ રહે છે. ગેંડાસ્વામી ગોલબદનના કાનમાં કંઈકને કંઈક સળી કરે પછી તો ગેંડાસ્વામીનો દિમાગ ક્યાંથી ઠેકાણે રહે?'

'ટૂંકમાં આખો ય ખેલ એકબીજાને લાઈનમાં રાખવાનો લાગે છે. લાઈન ક્રોસ કરતા કરતા ય એકબીજાને લાઈનમાં રાખવાની આપણાં નેતાઓની આ મથામણ પણ ખરેખર વિચિત્ર છે' જ્ઞાાની ગાયબેને જવા માટે પગ ઉપાડયાં.

'આ બધી વાતો ઉપરથી મને તો એટલું સમજાય છે કે ગેંડાસ્વામી ગોલબદન અને ધારાસભ્યો એમ બંને બાજુથી લાઈન ક્રોસ થઈ રહી છે.' હીરજી હંસે ઉડતા ઉડતા કહ્યું, 'અનુભવે હું તો આટલું સમજ્યો છું કે જંગલવાસીઓ મતદાનની લાઈનમાં ઊભા રહીને લાઈન ક્રોસ કરનારા નેતાઓને લાઈનમાં રાખી શકે છે! એ એક જ રસ્તો સૌથી અસરકારક છે!'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે