જ્યોર્જ ફર્નાન્ડીસઃ જનપ્રિય વિદ્રોહીથી લઈને કમજોર કેન્દ્રીય પ્રધાન સુધી
કોમરેડ જ્યોર્જનું એન્કાઉન્ટર ન થાય તે માટે બ્રિટનના વડા પ્રધાને ઇંદિરા ગાંધીને ફોન કરીને ચેતવણી આપી હતી
તટસ્થ શ્રદ્ધાંજલિ એને જ કહે છે જેમાં વ્યક્તિના ગુણ અને અવગુણ બંને તરફ ઇંગિત કરવામાં આવે, જેમાં તેની સિદ્ધિઓ પણ વર્ણવવામાં આવે અને જેમાં તેમની ભૂલો પણ આંગળી મૂકીને બતાવાય. જેમાં તેમના પ્લસ અને માઇનસ બંને ઝૂમ ઇન કરાય.
દેશના દિગ્ગજ નેતા જ્યોર્જ ફર્નાન્ડીસના નિધન નિમિત્તે લખાયેલા આ આર્ટિકલમાં એ જ પ્રકારનો ઉપક્રમ રહેશે. તેમનું જીવનકર્મ જનપ્રિય વિદ્રોહીથી લઈ કમજોર કેન્દ્રીય પ્રધાન સુધી વિસ્તરેલું હતું. હા, બેશક તેઓ દેશને એક રાજકીય વારસો આપીને ગયા છે.
તેમનો જન્મ મેંગલોરમાં ૧૯૩૦માં થયો હતો. માતાને બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ખૂબ ગમતા હોવાથી દીકરાનું નામ જ્યોર્જ રાખ્યું હતું. પાદરી બનવાનો વિચાર હતો, પરંતુ તાલીમ દરમિયાન અન્ય પાદરીઓના વાણી અને વર્તનમાં તફાવત જોઈ હરિરસ ખાટો થઈ ગયો. ૧૯ વર્ષની ઉંમરે કામની શોધમાં મુંબઈ આવેલા. બાંકડા પર સૂઈ રહેતા. અડધી રાતે પોલીસ આવીને જગાડે તો ઊઠીને બીજા બાંકડે જઈને સૂઈ જતા. છેવટે પ્રુફ રીડરની નોકરી મળતા છાપરાંની પણ વ્યવસ્થા થઈ રહી.
એ સમયે મુંબઈ રાજકીય રીતે ખૂબ સક્રિય હતું. તેઓ રામ મનોહર લોહિયાના વક્તવ્યોથી ભારે પ્રભાવિત હતા. સમાજવાદી આંદોલનોમાં જોરશોરથી ભાગ લેવા લાગ્યા ને જીવનમાં સૌથી પહેલી મહત્ત્વની જવાબદારી બોમ્બે ટેક્સી યુનિયનના નેતા તરીકેની સંભાળી.
એ સમયે સદાશિવ કાનોજી પાટીલનો વટ મુંબઈમાં બાલ ઠાકરે જેવો હતો. તેઓ મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા. ત્રણ વખત મુંબઈના મેયર રહી ચૂક્યા હતા અને નહેરુ તથા શાસ્ત્રીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ હતા. ૧૯૬૭માં લોકસભાની ચૂંટણી થઈ. જ્યોર્જ ફર્નાન્ડીસ ત્યારે કેવળ મ્યુનિસિપલ કાઉન્સીલર હતા. તેમણે એસ. કે. પાટિલ સામે ચૂંટણીમાં ઝુુકાવ્યું.
એક પત્રકારે પ્રેસ કોન્ફરન્સમાં ટિખ્ખળ કરી. સાંભળ્યું છે કોઈ મ્યુનિસિપલ કાઉન્સીલર જ્યોર્જ ફર્નાન્ડીસ તમારી સામે ચૂંટણી લડવાનો છે? પાટિલે વળતો સવાલ કર્યો, કોણ જ્યોર્જ ફર્નાન્ડીસ?
પત્રકારે ફરી સળી કરી, તમને કોઈ હરાવી તો ન શકે, કિન્તુ જો તમે હારી ગયા તો? પછી પાટિલે જે વિધાન કર્યું, એ જ તેમને પરાસ્ત કરનારું સાબિત થયું. તેમણે કહ્યું, મને ભગવાન પણ ન હરાવી શકે. બીજે દિવસે તેમનું આ ભ્રમ વાક્ય તમામ મુંબૈયા અખબારોની હેડલાઇન બન્યું. ફર્નાન્ડીસે આ વિધાનના આધારે પોસ્ટર છપાવ્યાં.
પાટિલ કહે છે, ભગવાન પણ તેમને ન હરાવી શકે... પણ તમે તેને હરાવી શકો છો. જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે જ્યોર્જ ફર્નાન્ડીસ ૪૨,૦૦૦ મતથી ચૂંટણી જીતી ગયા. તેમણે દિગ્ગજ નેતાને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હોવાથી નવું નામ મળ્યું, જ્યોર્જ ધ જાયન્ટ.
આઝાદી પછી ત્રણ પગારપંચ આવી ચૂક્યાં હતાં, પરંતુ રેલવે કર્મચારીઓના વેતનમાં કોઈ ખાસ વધારો થયો નહોતો. મોંઘવારી માથા પર નાગિન ડાન્સ કરી રહી હતી. ૧૯૭૩માં ફર્નાન્ડીસ ઓલ ઇંડિયા રેલવે મેન્સ ફેડરેશનના પ્રમુખ બન્યા.
આઠમી મે ૧૯૭૪માં તેમણે બોમ્બેમાં હડતાળ શરૂ કરી. જોતજોતામાં ટેક્સી યુનિયન, ઇલેક્ટ્રિસિટી યુનિયન અને ટ્રાન્સપોર્ટ યુનિયન પણ તેમાં સામેલ થઈ ગયા. મદ્રાસ કોચ ફેક્ટરીના ૧૦,૦૦૦ મજૂર પણ હડતાળમાં જોડાઈ ગયા. ગયામાં રેલવે કર્મચારીઓએ સપરિવાર પાટા પર બેઠક જમાવી.
ઇંદિરા સરકારે કડક વલણ અપનાવ્યું. ૩૦,૦૦૦ આંદોલનકારીઓને જેલ ભેગા કર્યા. રેલવે કર્મચારીઓને ક્વાર્ટરમાંથી બહાર તગેડવા માંડયા. ઇંદિરા ગાંધીએ ૧૩મી મેએ પોખરણમાં પરમાણું પરીક્ષણ કર્યું. માહોલ પલટાઈ ગયો.
દેશભરમાં ઈંદિરાના વિરોધને બદલે જયજયકાર થવા માંડયો. આંદોલન નબળું પડી ગયું. ૨૮મી મેના રોજ સરકાર સામે કોઈપણ પ્રકારની શરત વિના હડતાળ સમેટાઈ ગઈ. જોકે આનાથી બે બાબત બની. ૧) દેશને શક્તિશાળી મજૂર નેતા મળ્યા. ૨) ઇંદિરા ગાંધીને એ પછી ક્યારેય સરકારી કર્મચારીઓના મત ન મળ્યા.
૧૯૭૫માં લાદેલી કટોકટીને વાજબી ઠરાવવા માટે પણ ઇંદિરાએ હંમેશા રેલવે હડતાળનું ઉદાહરણ આપ્યું. ૨૫મી જૂન ૧૯૭૫ના રોજ તેઓ ઓડિશાના ગોપાલપુર ગામમાં પત્ની લૈલા કબીર સાથે વેકેશન માણી રહ્યા હતા. જેવી તેમને ખબર પડી કે કટોકટી લાગુ થઈ છે કે વેશપલટો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા.
થોડા સમયમાં યાત્રા દરમિયાન દાઢી અને વાળ વધી ગયા તો શીખનો વેશ રાખવા લાગ્યા. કોઈ પૂછે તો વિખ્યાત લેખકનું નામ આપી દેતા, મારું નામ ખુશવંત સિંઘ છે. બેંગલોરની એક હોટલમાં તેઓ છુપાવેશે હતા ત્યારે ત્યાં દરોડા પડયા. તેઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા. બહુ શાંતિથી તેમણે નાસ્તો ખતમ કર્યો અને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. જાણે પોતાને આની સાથે કોઈ નિસબત જ ન હોય એવી બેફિકરાઈ અને બેપરવાઈથી.
વડોદરામાં તેઓ એક મિત્રના ઘરે ગયા તો તે જ્યોર્જ ફર્નાન્ડીસને સરદારજીના રૂપમાં જોઈને ચકિત થઈ ગયો. ફર્નાન્ડીસ કહે, હું મારા જ દેશમાં શરણાર્થી બનીને ફરી રહ્યો છું.
તેમના જીવનમાં કેટલીક ભૂલો પણ તેમણે કરી. તેમાંની આ એક. તેમને એવું લાગવા માંડયું કે કટોકટી હટાવવા માટે અહિંસક આંદોલન પૂરતું નથી. આથી હિંસાના માર્ગે વળવાનો નિર્ણય કરેલો. વડોદરામાં કેટલાક સાથીઓને મળી ડાયનામાઇટની વ્યવસ્થા કરાવી. કોઈને ઈજા ન પહોંચે એ રીતે સરકારી ઇમારતના ટોઈલેટમાં વિસ્ફોટ કરાવવાનું નક્કી થયું. બિહારમાં નોન ગેઝેટેડ કર્મચારી યુનિયનના તત્કાલીન અધ્યક્ષ રેવતીકાંત સિંહાના ઘરમાં ડાયનામાઇટ છુપાવ્યો.
પોલીસે રેવતીકાંતના ઘરે દરોડા પાડયા. જ્યોર્જ તો ન મળ્યા, પણ ડાયનામાઇટ મળી આવ્યો. ફર્નાન્ડીસ સહિત ૨૮ સામે રાજદ્રોહનો આરોપ મુકાયો. ૧૦મી જૂન ૧૯૭૬માં જ્યોર્જને કલકત્તાના ચર્ચમાંથી પકડવામાં આવ્યા. કોલકાતાથી દિલ્હી લઈ જવાયા. એ સમયે ઇંદિરા ગાંધી રશિયા હતા. જ્યોર્જ ફર્નાન્ડીસનું એન્કાઉન્ટર થવાની હવા તેજ હતી.
બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન જ્યોર્જ કેલગહન, જર્મન ચાન્સલર વિલિ બ્રાન્ડ અને ઓસ્ટ્રિયાના ચાન્સલર બુ્રનો ક્રાએસ્કીએ સાથે મળીને ઇંદિરા ગાંધીને મોસ્કો ફોન કરીને ચેતવણી આપી, જ્યોર્જ ફર્નાન્ડીસનું એન્કાઉન્ટર થશે તો ભારત સાથેના સંબંધો ખરાબ થઈ જશે.
તેમને જેલમાં ધકેલી દેવાયા. કટોકટી સામેના આંદોલનમાં તેઓ સૌથી મોટા હીરો બની ગયા હતા. ૧૯૭૭માં કટકોટી હટતા ચૂંટણી આવી. તેમણે જેલમાંથી ચૂંટણી લડવાનો નિશ્ચય કર્યો. મુઝફ્ફરપુર સીટ પર ફોર્મ ભર્યું. તેઓ તો જેલમાં હતા. તેમણે ન તો એક પણ સભા સંબોધી કે એક રૂપિયો વાપર્યો. જનતાએ તેમના માટે પૈસા ઉઘરાવી ચૂંટણી પ્રચાર કર્યો.
હથકડી બાંધેલા હાથ ઊંચા કરી જનતાનું અભિવાદન ઝીલતા હોય તેવી તેમની તસવીર એ સમયે ખૂબ લોકપ્રિય બની હતી. ઇમરજન્સી સામેની ચળવળનું તે પ્રતીક બની ગઈ હતી. સમર્થકોએ ઠેક-ઠેકાણે તે તસવીર બતાડી.
ફર્નાન્ડીસના સાથી મિત્ર જેલમાં ચોરીછૂપીથી રેડિયો લાવ્યા હતા. ચૂંટણી પરિણામના બીજા દિવસે સવારે ૪.૦૦ વાગ્યે તેમણે વોઇસ ઑફ અમેરિકાનું સ્ટેશન સેટ કરતા સાંભળવા મળ્યું, ઇંદિરા ગાંધી રાયબરેલીમાં હારી ગયા છે અને ફર્નાન્ડીસ મુઝફ્ફરપુર બેઠક પર ત્રણ લાખ મતે વિજેતા બન્યા છે.
જેલમાંથી બહાર નીકળ્યા. મોરારજીભાઈની સરકારમાં ઉદ્યોગ મંત્રી બન્યા. તેમના પર મૂકવામાં આવેલા તમામ આક્ષેપ કોર્ટે હટાવી દીધા. ફરી તેમણે એક ભૂલ કરી. જે કદાચ તેમના જીવનમાં સૌથી મોટી હતી. સવા બે વર્ષમાં મોરારજીભાઈની સરકારમાં ફૂટ પડી ગઈ. મોન્સૂન સત્રની શરૂઆત અવિશ્વાસ પ્રસ્તાવથી થઈ.
તેની વિરુદ્ધ જ્યોર્જે બે કલાક કરતા લાંબુ ભાષણ આપ્યું, જે તેમના યાદગાર ભાષણોમાંનું એક છે. તેના બે દિવસ પછી ફર્નાન્ડીસ યુ ટર્ન મારી જતા મોરારજીભાઈની સરકાર પડી ગઈ. આખો દેશ અચંબામાં પડી ગયો. આ તે કેવો પાટલી બદલું? જે સરકારના સમર્થનમાં બે કલાકનું ઐતિહાસિક ભાષણ આપે છે અને તેના બે દિવસ પછી એકાએક પલ્ટી મારી જાય છે? તેમના રાજકીય જીવનમાં એકદમ કાળું ધાબું પડયું.
એક પત્રકારે આ વિશે પૂછતા તેમણે જણાવેલું, હું ભાષણ આપીને પાછો ફર્યો તે પછી મધુ લિમયે મારી ઘરે આવ્યા. બંને આખી રાત દલીલો કરતા રહ્યા. જ્યોર્જ તેમની સાથે સહમત ન થયા. સવારે મધુ ઘરેથી વિદાય લેતા હતા ત્યારે તેઓ ભૂતકાળમાં સરી પડયા, જ્યોર્જ તને યાદ છે આપણે આખા દિવસના થાકેલા ઘરે આવતા અને લીલી બદામ ખાઈને સૂઈ જતા? મધુ ભાવુક થઈ ગયા.
જ્યોર્જ તેમને ઇનકાર કરી શક્યા નહીં. મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ. ચરણસિંહ વડા પ્રધાન બન્યા, પરંતુ એ દરમિયાન જ્યોર્જની માધ્યમોમાં એટલી બધી ટીકા થઈ હતી કે તેમણે તેને પોતાની કેબિનેટમાં પણ ન લીધા.
૧૯૭૬માં તીસ હઝારી કોર્ટમાં તેમને જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે જેએનયુના વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે નારા લગાવેલા કોમરેડ જ્યોર્જ કો લાલ સલામ. બહુ દુઃખની વાત એ છે કે સત્તા માટે આ લાલ સલામ કેસરી સલામ સાથે ભળી ગઈ. જ્યોર્જ સમાજવાદી નેતા હતા. તેમનો ઝુકાવ ડાબેરી વિચારધારા તરફ હતો. તેમની સાથે મળીને ચૂંટણી લડી, કિન્તુ ગજ ન વાગ્યો. છેવટે દક્ષિણપંથી ભાજપ સાથે હાથ મિલાવી વાજપેયીની સરકારમાં સંરક્ષણ પ્રધાન બન્યા.
ફર્નાન્ડીસ તેમની ઑફિસમાં અણુ બોમ્બથી તબાહ હિરોશિમાની તસવીર રાખતા. એ જ જ્યોર્જ ફર્નાન્ડીસ વાજપેયીની સરકારમાં સંરક્ષણ મંત્રી હતા ત્યારે ભારતે બીજી વખત પરમાણું પરીક્ષણ કર્યું. આ કેવો વિરોધાભાસ? વાજપેયી તેમના કરતા હોશિયાર હતા. પરમાણું વિસ્ફોટનો યશ પોતે લીધો.જ્યોર્જ પરમાણું શસ્ત્રના ઘોર વિરોધી રહ્યા હોવાથી કશું બોલી શકે તેમ નહોતા.
તેઓ ઘરકામ જાતે કરતા. ભાગ્યે જ નોકર રાખતા. કપડાંય જાતે ધોતા. રાજીવ શુક્લાના ટેલિવિઝન શો પર તેઓ લુંગી પહેરીને કપડાં ધોવા તૈયાર થયેલા. ૧૯૯૫માં કપડાં ધોવા જતી વખતે બાથરૂમમાં લપટી જતા માથામાં ઈજા થઈ. અહીંથી અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સનના રોગની શરૂઆત થઈ. રક્ષા મંત્રી તરીકે તેમણે ૨૪ વખત સિઆચેનની યાત્રાનો વિક્રમ સ્થાપેલો.
બરાક મિસાઇલની ખરીદીમાં તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો. ૨૦૦૧માં તહલકા સામયિકે કરેલું સ્ટિંગ ઓપરેશન તેમની રાજકીય કારકિર્દી પરનો કારમો આઘાત સાબિત થયું. તેમની નિકટવર્તી સાથી અને સમતા પાર્ટીની અધ્યક્ષ જયા જેટલી સ્ટિંગમાં રૂ.૨ લાખની લાંચ લેતા દર્શાઈ હતી. ભલે આ મામલે તેમને ક્લિનચીટ મળી, કિન્તુ માથા પરનો કલંક ક્યારેય ભુંસાયો નહીં.
બિહારના પ્રવર્તમાન મુખ્યમંત્રી નીતીશકુમાર તેમના હાથ નીચે તૈયાર થયા છે. અલ્ઝાઇમર્સને લીધે કથળતી જતી તબિયતને પગલે તેમણે પોતાના ગુરુને ૨૦૦૯ની લોકસભામાં ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. નીતીશે બિહારમાં સામાજિક વિકાસની રાજનીતિ કરીને નોંધપાત્રો કામ કર્યાં છે, કિન્તુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં એના ઉપર તેઓ પાણી પણ ફેરવવા લાગ્યા છે.
વીફરેલા જ્યોર્જ અપક્ષમાંથી ચૂંટણી લડયા અને નવ વખત સાંસદ તરીકે ચૂંટાયા પછી આખરે હાર્યા. એ જ હાર કે જે તેમણે એસ. કે. પાટિલને આપી હતી તે હવે તેમને ખાવી પડી હતી. ત્યાર પછી તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું. નીતીશ કુમારે ઉદારતા રાખી બીજો ઉમેદવાર ન ઉતારી તેમને રાજ્યસભા સાંસદ બનવા દીધેલા.
જ્યોર્જના અંગત જીવનમાં પણ લગ્નેતર સંબંધો સહિતના ઘણા-બધા ગૂંચવાડા છે. અહીં તેમના જાહેર જીવનને સ્પર્શવાનો ઉપક્રમ હતો, જે જાળવ્યો છે. વિદ્રોહી નેતા તરીકે નોંધપાત્ર કામગીરી કરનારા અને સામાજિક રાજનીતિનો વારસો મૂકીને જનારા નેતાને અલવિદા.
આજની નવી જોક
પલ્સ પોલિયોની ટીમ ઘર પર આવી.
છગન (લીલીને: બંદૂક અને કારતૂસ ક્યાં છે?
પોલિયોની ટીમ ભાગી.
છગન (બુમ પાડીને: અરે ભાગો છો ક્યાં? કારતૂસ અને બંદૂક મારા પૌત્રાના નામ છે.
Comments
Post a Comment