રામ મંદિર નિર્માણ મામલે ભાજપની વ્યૂહરચના બદલાઇ છે?


- બિનવિવાદિત જમીન તેના માલિકોને સુપરત કરવાની અપીલ કરવા પાછળ ભાજપનો ગેમપ્લાન શો છે એ વિશે અટકળો

- ગત લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વાયદો કર્યો હતો પરંતુ સત્તામાં આવ્યાને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં મોદી સરકારે મંદિર નિર્માણની દિશામાં કોઇ પગલાં લીધા નથી

અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને ૬૭ એકર બિનવિવાદિત જમીન તેના માલિકોને પાછી આપવાની અનુમતિ માંગી છે. સરકારે પોતાની યાચિકામાં કહ્યું છે કે અયોધ્યા મામલામાં માત્ર ૦.૩૧૩ એકર જમીન જ વિવાદાસ્પદ છે અને બાકીની જમીન ઉપર યથાસ્થિતિ રાખવાની જરૂર નથી. અયોધ્યામાં વિવાદિત જમીનને લઇને કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ગયા મંગળવારે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરવાની હતી પરંતુ એમાં ફરી વખત મુદ્દત પડી છે. એવામાં મોદી સરકાર આ અરજી દ્વારા એવો સંદેશ આપવા માંગે છે કે તે રામ મંદિર નિર્માણ માટે ગંભીર છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં મામલો હોવાના કારણે કશું કરી શકવાને લાચાર છે. 

૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કેન્દ્રમાંની તત્કાલિન નરસિમ્હા રાવ સરકારે સમગ્ર વિવાદાસ્પદ હિસ્સાને કબજામાં લઇ લીધો હતો. ૧૯૯૩માં વિવાદાસ્પદ સ્થળ તેમજ આસપાસની લગભગ ૬૭ એકર જમીનનું કેન્દ્ર સરકારે અધિગ્રહણ કરી લીધું હતું. બાદમાં કોર્ટે સમગ્ર પરિસરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો અને કોઇ ગતિવિધિ ન થવા દેવાના નિર્દેશ આપ્યાં હતાં. વર્ષ ૨૦૧૦માં અલાહાબાદ હાઇકોર્ટે આ જમીનના ૨.૭૭ એકર વિવાદાસ્પદ હિસ્સાને ત્રણ પક્ષોમાં સરખે ભાગે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશને જ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

જાણકારોના મતે સરકારનું આ પગલું હિન્દુ મતદારોને આકર્ષવામાં સફળ નહીં નીવડે કારણ કે બિનવિવાદિત જમીન ઉપર યથાસ્થિતિ ન રાખવાની અપીલ મોદી સરકાર સત્તામાં આવી ત્યારે સાડા ચાર વર્ષ પહેલાં જ કરી શકી હોત. પરંતુ હવે ઘણો વિલંબ થઇ ચૂક્યો છે અને સરકારની નજરમાં ભોળી જનતા પણ એટલું તો સમજી જ શકે છે કે લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં જ સરકાર આ મામલે શા માટે પહેલ કરી રહી છે. વળી સરકારની આ પહેલને લઇને અયોધ્યા વિવાદના પક્ષકાર પણ ખાસ ઉત્સાહિત નથી. ખરેખર તો તેઓ આ વાતને ખાસ મહત્ત્વ જ આપી નથી રહ્યાં કારણ કે સરકારના આ પગલામાં એવું કશું નથી કે જેથી વિવાદનો ઉકેલ નીકળે કે મંદિર નિર્માણનો માર્ગ સાફ થાય.

જોકે ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદ સરકારના આ પગલાને લઇને ખાસી ઉત્સાહિત છે. મંગળવારે યોગી આદિત્યનાથની પૂરી કેબિનેટ પ્રયાગરાજ સ્થિત કુંભ મેળામાં મોજૂદ હતી અને ત્યાં જ કેબિનેટની બેઠક પણ યોજાઇ. તમામ મંત્રીઓએ સંગમ સ્નાન પણ કર્યું. બાદમાં યોગી આદિત્યનાથે મોદી સરકારના આ પગલાની પ્રશંસા કરી. વિશ્વ હિન્દુ પરિષદે પણ સરકારની આ પહેલને આવકારી છે. હકીકતમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં જ સંતોએ નારો આપ્યો છે કે મંદિર નહીં તો સરકાર નહીં. 

જોકે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં મુખ્ય પક્ષકાર નિર્મોહી અખાડાના પ્રતિનિધિઓને તો એ વાતે પણ વાંધો છે કે કેન્દ્ર સરકાર આ જમીન રામજન્મભૂમિ ન્યાસને શા માટે સોંપવા માંગે છે. નિર્મોહી અખાડાનો દાવો છે કે જો પૂરી જમીન તેમને સોંપી દેવામાં આવે તો મામલાનો ઉકેલ તુરંત આવી જશે કારણ કે નિર્મોહી અખાડા સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પોતાની જમીન આપી દેશે. બીજી બાજુ આ મામલાના અન્ય મુખ્ય મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીને સરકારના આ પગલા સામે કોઇ વાંધો નથી કારણ કે તેમનો દાવો માત્ર એ જમીન ઉપર છે જ્યાં બાબરી મસ્જિદ હતી. 

તો રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે જ્યાં સુધી ગર્ભગૃહની વિવાદિત જમીન ઉપર ફેંસલો ન આવી જાય ત્યાં સુધી મંદિર નિર્માણનું કાર્ય શરૂ ન થઇ શકે. તેમના જણાવ્યા અનુસાર મંદિર ૬૭ એકર જમીન ઉપર નહીં પરંતુ ગર્ભગૃહની જમીન ઉપર બનાવવાનું છે અને એના માટે એક જ રસ્તો છે કે સરકાર વટહુકમ લાવીને કાયદેસરની કાર્યવાહી કરે. બીજી બાજુ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના વકીલ અને બાબરી મસ્જિદ એકશન કમિટીના સંયોજક ઝફરયાબ જિલાનીનો અભિપ્રાય છે કે આ મામલામાં ઘણો ગુંચવાડો છે અને એમાંથી માર્ગ કાઢવો આસાન નથી. જિલાનીનું કહેવું છે કે ૬૭ એકર જમીનનો એક મોટો ભાગ કબ્રસ્તાનનો છે અને કબ્રસ્તાનની જમીન ઉપર મંદિર નિર્માણ કરવું શક્ય છે ખરું?

સરકારે પોતાની દલીલમાં ૧૯૯૪ના ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે જેમાં કોર્ટે કહ્યું હતું કે જો સરકાર ઇચ્છે તો આ જમીન તેના મૂળ માલિકોને સુપરત કરી શકે છે. જોકે ૨૦૦૩માં અસલમ ભૂરે કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવાદાસ્પદ જમીન સિવાય બાકીની જમીન કેન્દ્ર સરકાર હસ્તગત રહેશે અને ચુકાદા બાદ જ તેનો ઉકેલ આવશે. કોર્ટનું કહેવું હતું કે અધિગ્રહણ વ્યાપક સંદર્ભમાં હતું એવામાં વિવાદાસ્પદ અને બિનવિવાદાસ્પદ જમીનના મામલા પરસ્પર જોડાયેલા છે અને આ સ્ટેજ ઉપર બંને જુદાં જુદાં ન જોઇ શકાય. મુસ્લિમ પક્ષકારોના વકીલનું કહેવું છે કે ૨૦૦૩માં અસલમ ભૂરે કેસનો ચુકાદો આવ્યાના ૧૬ વર્ષ બાદ કેન્દ્ર સરકારે એમાં ફેરફાર કરવાની અરજી કરી છે. એ વખતની અને અત્યારની પરિસ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી તો સરકાર કયા આધારે ફેરફાર કરવાની માંગ કરે છે?

એકંદરે જોતાં સરકારની આ અરજી અંગે સુપ્રીમ કોર્ટ કેવું વલણ ધારણ કરે છે એ તો સમય આવ્યે ખબર પડશે પણ આ મામલો અત્યંત ગુંચવણભર્યો જરૂર છે. હકીકતમાં ૨૦૧૪માં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે મતદારોને એવી અપેક્ષા હતી કે સરકાર રચાયા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. હવે મોદી સરકાર પોતાનો કાર્યકાળ લગભગ પૂરો કરી ચૂકી છે અને રામ મંદિરનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો પડયો છે. મોદી સરકારે પણ આ દિશામાં અત્યાર સુધી કોઇ પહેલ કરી નથી. એવા કયાસ હતાં કે સંસદના અંતિમ પૂર્ણકાલિન એવા શિયાળુ સત્રમાં સરકાર આ અંગે કોઇ વટહુકમ લાવી શકે છે પરંતુ સરકારે એમ પણ ન કર્યું. 

કેટલાંક વિશ્લેષકોનું તો ત્યાં સુધી કહેવું છે કે ભાજપ રામ મંદિર મુદ્દાને કદી ખતમ કરવા જ નથી માંગતો પરંતુ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ એમ બંને જગ્યાએ હાલ ભાજપની સરકાર છે અને હવે મંદિર નિર્માણના મામલે આગળ વધ્યા સિવાય ભાજપ પાસે કોઇ માર્ગ બચ્યો નથી. હવે સરકારે રહી રહીને બિનવિવાદાસ્પદ જમીનને તેના માલિકોને પાછી આપવાની અનુમતિ માંગવામાં પણ વિલંબ કરી દીધો છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારના આ પગલાંને લોકો શંકાની દૃષ્ટિએ જુએ એ સ્વાભાવિક છે. હવે જ્યારે પ્રજા સમક્ષ જશે ત્યારે લોકો પૂછશે કે મંદિર કેમ ન બનાવ્યું? કારણ કે અગાઉ ભાજપ એવી દલીલ કરતો હતો કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ બહુમતિવાળી સરકાર હશે ત્યારે એ શક્ય બનશે. પરંતુ આજે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે ભાજપ એ બચાવ પણ કરી શકવાની સ્થિતિમાં નથી. 

એ તો સ્પષ્ટ છે કે ભાજપ અને સરકાર એવું ઇચ્છે છે કે અયોધ્યા મામલે વહેલો નિર્ણય આવી જાય કે જેથી કરીને આગામી લોકસભા ચૂંટણીમાં એ મુદ્દાનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે. એ જ કારણ છે કે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એવું કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી પ્રાથમિકતાના આધારે કરવી જોઇએ અને એનો જલ્દી ઉકેલ લાવવો જોઇએ. પ્રસાદે એવી સફાઇ આપી કે તેઓ એક સામાન્ય નાગરિક તરીકે આ વાત કહી રહ્યાં છે પરંતુ સ્પષ્ટ છે કે દેશના કાયદા મંત્રી રાજકીય અને સાંપ્રદાયિક રીતે અતિ સંવેદનશીલ એવા આ મુદ્દે સામાન્ય નાગરિક તરીકે પોતાનો અભિપ્રાય ન આપે. એ તો હવે સાફ બન્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નેતૃત્ત્વ સાંપ્રદાયિકતાના મુદ્દે જ આગળ વધવા માંગે છે.

જોકે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળતા અને આગામી તારીખને લઇને અનિશ્ચિતતા છે ત્યારે અયોધ્યા મામલે વહેલો કોઇ ચુકાદો આવે એવી શક્યતા નહીવત્ રહી ગઇ છે. ચૂંટણી પહેલા ચુકાદો ન આવવાની સ્થિતિમાં ભાજપ બીજી જ રણનીતિ ઉપર કામ કરવાની યોજના બનાવી રહ્યો છે. આમ પણ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે જ મંદિર નિર્માણ કરવાને લઇને મોદી સરકાર ઉપર છેલ્લા થોડા મહિનાથી દબાણ વધ્યું છે. ભાજપ ઉપર રામ મંદિર બનાવવા માટે કાયદો બનાવવા કે વટહુકમ લાવવા માટે સંઘ અને સંઘપરિવારના અન્ય સંગઠનો તેમજ શિવસેના ઉપરાંત પાર્ટીની અંદર પણ ઘણું દબાણ છે. 

હવે સરકારે બિનવિવાદાસ્પદ જમીન તેના માલિકોને પાછી આપવાની અનુમતિ માંગતી અપીલ કરીને મામલો ફરી વખત સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ સરકારની અપીલ માન્ય કરશે કે નહીં એ બંને સ્થિતિમાં એ તો સ્પષ્ટ છે કે મંદિર નિર્માણ સંબંધી કોઇ પણ કામગીરી લોકસભા ચૂંટણી પહેલા થવી મુશ્કેલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે