પનિહારીનું ચિત્ર સારું લાગે છે પણ હકીકત યાતના ભરેલી..
એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પાણીની તીવ્ર તંગી વાળા વિસ્તારો જોઇએ ત્યારે કમકમાટી ઉભી થાય છે. માથે બેડાં લઇને ગરમીમાં ચાલતી સ્ત્રીઓને જોઇને એમ થાય છે કે દેશના વહિવટકારોએ ક્યારેય પાણી માટે વિચાર્યું જ નહોતું. મોટી યોજના કરાઇ છે પણ નાની યોજના તરફ ધ્યાન નથી અપાયું.
પાણી એ જીવન છે. શહેરોમાં જ્યાં પુરતું પાણી મળે છે એવા લોકોને પાણીની કોઇ કિંમત નથી. જે લોકો અછત ગ્રસ્ત વિસ્તારોમાં રહે છે તેમનું ગળું તો કાયમ તરસ્યું રહે છે. હવે તેા શહેરેમાં પણ પાણીના ધાંધીયા જોવા મળે છે. શહેરોમાં આવતી નવી સ્કીમોમાં ૨૪ કલાક પાણીની સવલત જેવું આકર્ષણ ઉમેરાય છે.
શાળામાં પનિહારીનું ચિત્ર દોરવાની મઝા આવતી હતી. એ પનિહારી ગામના કૂવે પાણી ભરવા જતી અને માથે ત્રણ બેડાં હોય એવું ચિત્ર સૌ હોંશે હાંેેશે દોરતા હતા. પરંતુ આવી સ્થિતિ ગામડામાં આજે પણ હોય છે તે તો મોટા થયા પછી ખબર પડી છે.
ત્રણ બેડાં માથા પર મુકીને ચાર-પાંચ કિ.મી. કેડી પર ચાલતા જવું, ત્યાં પાણી માટે રાહ જોયા કરવી અને પછી એ ભરેલાં બેડાં માથે મુકીને એેટલુંજ અંતર કાપીને પાછા ફરવું એ આખી પ્રક્રીયા યાતના ભરેલી છે.
શહેરનું અને ગામડાનું જીવન એમ બે ભાગ પડી ગયા છે. જ્યાં પાણીની તંગી છે એવા વિસ્તારમાં કોઇ પોતાની દિકરી પરણાવતું નથી અને દરેક ઇચ્છે છે કે જ્યાં પાણીની સવલત સારી હોય ત્યાં પોતાની દિકરીને પરણાવવી. આમ પાણીએ સમાજ જીવનને પણ ખોટકી નાખ્યું છે. રોજ સવારે ઉઠીને પાણીનો સોર્સ શોધવા નીકળવું અને ટેન્કર ક્યાં કેટલા વાગે આવશે એની માહિતી વોટ્સ અપ જેવા સોશ્યલ નેટવર્ક વગર મેળવવી એ ગામડામાં કાબેલિયત ગણાય છે.
આઝાદીના સાત દાયકા પછી પણ જો પીવાના પાણીના ધાંધીયા હોય તો પ્રશ્નએ થાય છે કે આપણા વહીવટકારોએ જીવન જરુરી ચીજો માટે કેમ કશું વિચાર્યું નહીં હોય? જયારે આઝાદી મળી ત્યારે પાણીનું સુખ હતું.
પરંતુ ત્યારબાદ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાણીનો વહિવટ ના થયો. દેશની અનેક નદીઓનું પાણી દરિયામાં વહી જાય છે અને દેશના બીજા ભાગમાં પાણી માટે લોકો વલખાં મારે છે. પાણીનો વહિવટ કરતાં મોદી સહિતના કોેઇને ના આવડયું. ભારતના રાજકારણીઓ સત્તા કબજે કરવામાં જેેટલા નિપુણ છે એટલા નિપુણ તે વોટર મેનેજમેન્ટમાં સાબિત નથી થયા.
પાણી વિના હજારો કિ.મી.ઉજ્જડ પડયા છે. દરેક ચૂંટણીઓમાં પાણીનો મુદ્દેા ઉંચકાય છે પરંતુ કોઇ સવલત મળતી નથી. હજારો વૃક્ષો પાણી વિના સૂકાઇ ગયા છે. ઉનાળામાં તો વનરાજીનો દાટ વળી જાય છે તે તો ઠીક પણ અબોલ જીવો મોતને ભેટે છે અને વન્ય જીવો વન છોડીને ગામડાની વસાહતો તરફ પાણી માટે જાય છે.
આપણે કિસાનોનો ઉભો પાક પાણી વિના સુકાઇ રહ્યો છે તેની વાત નથી કરતા પરંતુ જીવનને ધબકતું રાખતા પીવાના પાણીની વાત કરીએ છીએ. ગુુજરાત પાણીની તીવ્ર તંગીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે.
૧૬ જુન સુધી ગરમીનો ત્રાસ લોકોને સહન કરવો પડશે. વરસાદ સારો પડશે એ અહેવાલ ૪૩ ડિગ્રીમાં ઠંડી લહેરખી જેવો લાગે છે. પરંતુ પાણીની તંગીનો પ્રશ્ન કાયમી સ્તરનો છે. કોઇ રાજકારણી તેને ઉકેલી શકતું નથી. નહેરો મોટી છે તેના કારણે કૃષિની સમસ્યા હળવી થઇ છે પરંતુ પીવાના પાણીના ધાંધીયા જૈસે થે જેવી સ્થિતિમાં છે. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પીવાના પાણી માટે પાંચ કિ.મી. માથે બેડાં લઇને ચાલતા જવું પડે છે.
સત્તાવાળાઓ પાસે કોઇ ક્રિએટીવ વિચારસરણી નથી. કૂવા ખોદવા, હેન્ડ પંપ મુકવા જેવા વિચારોથી કામ ચલાવાય છે પણ ગામના પાણીના તળીયા ઉંચા આવે તે માટેની વોટર હાર્વેસ્ટ સિસ્ટમ ભાગ્યેજ જોવા મળે છે. વરસાદ આવે ત્યારે વહી જતું પાણી રોકવા માટેની પણ સિસ્ટમ જોવા મળતી નથી.
જે દેશોમાં વરસાદ ઓછો પડે છે તેમની પાણી બચાવ યોજનાનો પણ અમલ થતો નથી. નેતાઓ વિદેશ પ્રવાસે જાય છે પણ પાણીનો સગ્રહ કરવાની સિસ્ટમનો અભયાસ કરતા નથી. પાણી એક વૈશ્વીક સમસ્યા છે.તેનો સામનો કરવાના બદલે સરકારો દુર ભાગતી ફરે છે.
અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા તે વિસ્તારની મહિલાઓના આઇડયા લેવાની જરુર છે. પાણીનું સુખ ભોગવતી મહિલાઓએ તેમને ટેકો આપવો જોઇએ. પીવાનું ચોખ્ખું પાણી તંદુરસ્તી માટે જરુરી છે.
એ દિવસો દુર નથી કે જ્યારે ચૂંટણીઓ માત્ર પાણીના મુદ્દે લડાતી હશે અને જે વધુ પાણી અપાવી શકે તે પાણીદાર સાબિત થશે.
પ્રસંગપટ
Comments
Post a Comment