કોઇ સંત પિતા-પુત્રને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવસની સજાઇ થઇ હોય તેવી સંભવત પ્રથમ ઘટના
સુરત, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
આજે સાંજે નારાયણ સાંઇને સુરતની સેસન્સ કોર્ટે સાધ્વી પર દુષ્કર્મ આચારવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારતા ભારતના ઇતિહાસમાં કોઇ પિતા-પુત્રને આજીવન કેદની સજા મળી હોય એવું સંભવત પ્રથમ વખત બન્યું છે. આ અગાઉ નારાયણ સાંઇના પિતા અને પોતાની જાતને સંત તથા બાપુ કહેવડાવનારા આસારામને પણ જોધપુર કોર્ટે પણ પોતાની શિષ્યા પર દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
પિતા આસારામને એપ્રિલ 2018માં જ્યારે તેમના સગા પુત્ર નારાયણ સાંઇને પણ એપ્રિલ 2019માં સુરતની કોર્ટે દુષ્કર્મના જ અપરાધમાં આજીવન કેદની સજા ફટકારી છે. જાણકારો કહે છે કે ભારતના ઇતિહાસમાં ભૂતકાળમાં કોઇ સંત પિતા-પુત્ર હોય અને દુષ્કર્મના જુદા જુદા કેસમાં બંને બાપ દિકરાને આજીવન કારાવાસની સજા થઇ હોય તેવું ક્યારે બન્યું નથી. એટલે કે આસારામ અને નારાયણ સાંઇને સજા કરવાની ઘટના પ્રથમ વખત બની છે.
અત્રે નોંધનીય છે કે 2014ની લોકસભા ચૂંટણી પહેલા આસારામ બાપુ સામે રાજસ્થાનની એક સગીરવયની છોકરીએ ફરિયાદ કરી હતી. જેને પગલે આસારમ ભાગતા ફરતા હતા. અંતે પોલીસે તેમને પકડી લીધા હતા. આ જ રીતે આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂધ પણ સુરતની યુવતી (સાધ્વી)એ પોલીસ ફરીયાદ કરી હતી. ત્યાર બાદ નારાયણ સાંઇ પણ પિતાની માફક ભાગતો ફરતો હતો. તે વેશ પલ્ટો કરીને વિવિધ રાજ્યોમાં પોલીસથી બચતો રહેતો હતો પરંતુ બાતમીના આધારે પોલીસે તેમને વેશ પલ્ટો કરેલી હાલતમાં જ પકડી લીધો હતો. ત્યારેથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી નારાયણ સાંઇ સુરતમાં આવેલી લાજપોર જેલમાં કેદ છે.
આમ દુષ્કકર્મ કર્યા બાદ પોલીસથી ભાગવાની બાબતમાં પણ પિતા-પુત્ર વચ્ચે ઘણી જ સામ્યતા જોવા મળે છે. સજા મેળવવામાં પણ પિતા-પુત્ર સરખા સાબિત થયા છે. ઉપરાંત બંને પિતા-પુત્રએ જેલમાંથી છુટવા માટે અનેક પ્રકારના ધણપછાડા કર્યાં છે. સાક્ષીઓ પર હુમલા કરાવવા, સાક્ષીઓને ધમકી આપલી, તેમને ફોડી નાખવા, એસિડ એટેક કરવો, કેસ ઢીલો કરવા પોલીસ અધિકારીઓને પણ કરોડો રૂપિયાની લાંચ આપવી વગેરે જેવી અનેક ઘટનાઓને પિતા-પુત્રએ અંજામ આપ્યો છે. તેમજ બંને પિતા-પુત્રએ અનેક વખત કોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરેલી છે તેમાં પણ સામ્યતા જોવા મળે છે. જેમકે બંને કોર્ટોએ પિતા-પુત્રની જામીન અરજીને હંમેશા ફગાવી દીધી હતી. પિતા કે પુત્ર બંને માંથી કોઇ એકને પણ ક્યારેય જામીન મળ્યા નથી. એક વખત તેઓ જેલમાં ગયા પછી તેઓ બહાર નીકળી શક્યા નથી.
નારાયણ સાંઇના કિસ્સામાં તો તેમની પત્ની જાનકી દેવીએ જ કોર્ટમાં તેમજ પોલીસમાં પોતાના પતિની વિરૂધ જ નિવેદન આપી તેમના કરતૂતોનો પર્દાફાશ કરી દીધો હતો. જાનકી દેવીએ ભરણપોષણ માટે પતિ નારાયણ સાંઇ સામે કેસ કર્યો છે. કોર્ટે નારાયણ સાંઇની નાણાકીય સ્થિતિ જોઇને દર મહિને જાનકી દેવીને 50 હજાર રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો છે પરંતુ નારાયણ સાંઇને કોર્ટના આદેશનું પણ પાલન કરતો નથી અને પત્નીને ભરપોષણના નાણાં ચૂકવતો નથી.
આમ દુષ્કર્મના કેસમાં અનેક સામ્યતાઓ બાદ નવી સામ્યતા એ આવશે કે બંને પિતા-પુત્ર છુટવા માટે સુપ્રિમ કોર્ટનો આશરો લેશે. બંને પિતા-પુત્રના ભારત તથા વિદેશમાં પણ સંખ્યબંધ આશ્રમો આવેલા છે તેમજ બંનેના કરોડોની સંખ્યાં સમર્થકો છે. પિતા-પુત્ર પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે.
Comments
Post a Comment