પાંચ વર્ષમાં પહેલી વખત દેખાયો IS ચીફ અલ-બગદાદીનો વીડિયો
નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો વડો અબુ બકર અલ-બગદાદી પાંટ વર્ષમાં પહેલી વખત દેખાયો છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે જારી કરેલા એક વીડિયોંમાં બગદાદી બોલી રહેલો જણાય છે. જુલાઇ 2014 બાદ પહેલી વખત અબુ બકર અલ-બગદાદી કોઇ વીડિયોમાં જોવા મળ્યો છે.
વીડિયોમાં અલ-બગદાદી એક ગાદી પર બેઠેલો જણાય છે. તેણે કાળા અને ગ્રે રંગના કપડા પહેર્યાં છે અને તેની પાછળ એક અત્યાધુનિક હથિયાર પણ રાખવામાં આવ્યું છે. રૂમમાં બગદાદી ઉપરાંત બીજા ત્રણ જણ પણ જોવા મળ્યાં. આ ત્રણેય જણાના ચહેરા બ્લર કરી દેવામાં આવ્યાં છે.
વીડિયોમાં બગદાદી ત્રણ જણાને સંબોધીને કહે છે કે બાગૂઝની લડાઇ પૂરી થઇ ગઇ છે. આ વીડિયો ક્યારે ફિલ્માવવામાં આવ્યો છે એ સ્પષ્ટ નથી. જોકે બગદાદીએ જે લડાઇનો ઉલ્લેખ કર્યો એ બાગૂઝની લડાઇ ગયા મહિને પૂરી થઇ હતી. અગાઉ વર્ષો પહેલાં બગદાદી મોસૂલની મસ્જિદમાં ઉપદેશ આપતો જોવા મળ્યો હતો. વર્ષ 2015માં એવા સમાચાર હતાં કે બગદાદી એક હવાઇ હુમલામાં ઇજાગ્રસ્ત થયો છે. જોકે બગદાદીના માર્યા જવાની ખબરો પણ વખતોવખત આવતી રહી છે.
Comments
Post a Comment