અક્ષય ખન્ના: ડાઉન ટુ અર્થ અભિનેતા



મારા પિતા ક્યારેય કોઈ વિશે અભિપ્રાય ન બાંધતા એ બાબત મને વારસામાં મળી છે, એવું તેમણે પિતાને અંજલિ આપતા કહેલું

નાટયશાસ્ત્રના રચયિતા ભરતાચાર્યે બ્રહ્મા સમક્ષ યાચના કરી હતી, હું એક એવું રમકડું ચાહું છું, જે ઈર્ષા અને ક્રોધમાં ભાન ભૂલેલા માનવ સમાજને ફરીથી જગાડે. તે રમકડું એટલે અભિનય. અભિનેતા માત્ર પાત્રમાં નથી ઊતરતો, પાત્રમાં ઊતરી ગયેલા આપણને બહાર લાવવાનું કામ પણ કરતો હોય છે. 

પાણીમાં પડી ગયેલો દડો બહાર કાઢવા પાણીમાં ઊતરવું પડે એમ વિવિધ વિકારોનો શિકાર એવા મનુષ્યને તેની વૃત્તિમાંથી બહાર લાવવા અભિનયની કળા સર્જાઈ છે. આટલો સીરિયસ ઉપાડ કર્યા પછી વાત કરવી છે હલકા-ફૂલકા અભિનેતા અક્ષય ખન્નાની. કોઈના નાકનું ટીચકું ચડી જશે. લે, અક્ષય ખન્ના પર લેખ હોય કે? એ ક્યાં એવો મોટો સ્ટાર છે? તેમને જણાવી દઈએ કે મોટા-નાનાના આપણા માપદંડ જ ખોટા છે.  કોઈપણ અભિનેતાને માત્ર તેની ફિલ્મોની સફળતાના ગ્રાફથી ન માપી શકાય. 

અહીં ટેબલ પર લખતા-લખતા ગણવા બેસીએ તો અક્ષય ખન્નાની સારી ફિલ્મોની સૂચિ આ પ્રમાણે બને છે. બોર્ડર, તાલ, ગાંધી માય ફાધર, હંગામા, હલચલ, મેરે બાપ પહેલે આપ, દિલ ચાહતા હૈ... (બીજી પણ હશે પણ યા તો જોઈ નથી અથવા અત્યારે યાદ નથી આવતી.) આ સાત ફિલ્મમાંથી તમે અક્ષય ખન્નાના કયા પાત્રને નબળું ગણી શકશો? નોટ અ સિંગલ. ગાંધી માય ફાધરમાં તેમણે ગાંધીજીના બગડેલા બેટા હરિલાલનું પાત્ર ભજવ્યું તેમાં તમારા મગજમાં અક્ષયના સ્થાને કોઈ બીજો અભિનેતા બેસે છે ખરો? ના, સંભવ જ નથી. અજોડ અભિનય કર્યો હતો તેમણે.

અક્ષય ખન્ના દંતકથા સમાન અભિનેતા નથી, પણ તેમણે કેટલીક ફિલ્મોમાં તેમનું ઉત્તમ કામ આપ્યું છે. ઢગલાબંધ નબળી ફિલ્મો કરવાને બદલે ચૂનંદા સારી ફિલ્મો કરી છે. હિટ-ફ્લોપ તેની જગ્યાએ છે ત્યાર પછીની આ વાત છે. આવો તેમના જીવન અને કવન વિશેની કેટલી અજાયબ વાતો જાણીએ.

હિમાલય પુત્ર અને બૉર્ડરની શૂટિંગ એક સાથે શરૂ થયેલી એટલે તમે બોર્ડરને પણ અક્ષય ખન્નાની પ્રથમ ફિલ્મ ગણી શકો. હિમાલય પુત્ર ફ્લોપ ગઈ હતી, પણ આજે ફરીથી જોવાની ટ્રાય કરો. ખરાબ નહીં લાગે. ૧૯૯૭ની એ સાલ હતી. ત્યારે અક્ષયની ઉંમર ૨૨ વર્ષ હતી. 

ફિરોઝ ખાન અક્ષય ખન્નાને પ્રેમ અગનથી લોન્ચ કરવાના હતા. દરમિયાન દીકરાએ પણ બૉલિવુડમાં લૉન્ચ થવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેને લઈને જાનશીં બનાવવા લાગ્યા. પ્રેમ અગનમાં પણ અક્ષય ખન્નાને પડતો મૂકીને દીકરા ફરદીન ખાનને લઈ લીધો. પૂર્વાગ્રહ ગમે તેટલો રાખવામાં આવે અંતે તો એ જ આગળ વધે છે જેનામાં પ્રતિભા છે. 

૧૯૮૨ની એ સાલ હતી. અક્ષય ખન્ના સાત વર્ષના હતા અને મોટા ભાઈ રાહુલ ખન્ના ૧૦ વર્ષના. વિનોદ ખન્નાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. બંનેને તેમાં લઈ ગયેલા. તેમણે જાહેરાત કરી કે તેઓ ફિલ્મમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.  તેઓ પરિવારને છોડીને ઓરેગોન જતા રહ્યા. ઓશો રજનિશના આશ્રમમાં. ૮૫માં વિનોદ અને ગિતાંજલીના લગ્નમાં ભંગાણ પડયું.

૨૦૦૯માં તેમને પૂછવામાં આવેલું, એવી કઈ ફિલ્મ છે જેમાં તમને એમ થાય કે કાશ આ ફિલ્મ મેં કરી હોત. અક્ષયે કહ્યું, તારે ઝમીન પર જોયા પછી મને એવું લાગ્યું હતું. ને ખરેખર અમોલ ગુપ્તેએ શિક્ષક રામ શંકર નિકુંભનું પાત્ર અક્ષય ખન્નાને ધ્યાનમાં રાખીને જ લખ્યું હતું. 

કરીના કપૂરને અક્ષય ખન્ના માટે ક્રશ હતો. માન્યામાં આવે? આ વાત કરીના કપૂરે પોતે કરી હતી, મારી બહેન કરિશ્મા જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થઈ ત્યારે હું નાની હતી. હું તેની સાથે સેટ પર જતી. એ સમયનો દરેક હીરો કરિશ્મા સાથે રોમાન્સ કરવા ચાહતો. અમારા ગમતા સ્ટારને અમારી આસપાસ જોઈને અમે પાગલ થઈ જતા હતા.

અક્ષય ખન્ના માટે ત્યારે મને જબરદસ્ત ક્રશ હતો. તે આસપાસ હોય તો હું માથાથી લઈને પગ સુધી બ્લશ કરવા લાગતી. બંનેએ હલચલ અને ૩૬ ચાઇના ટાઉનમાં સાથે કામ પણ કર્યું. કરીના બહુ મોટી સ્ટાર બની ગયા પછી પણ તેણે આ વાતનો એકરાર કર્યો તે તેની નિખાલસતા દર્શાવે છે. 

અક્ષયે ખૂબ ઓછી પિક્ચર્સ કરી છે. વચ્ચે-વચ્ચે ગેપ પણ લીધા છે. તેની ફિલોસોફી છે, એક ટાઇમ પર એક ખરાબ ફિલ્મ કરવા કરતા બહેતર છે કે ઘરે બેસીએ. દિલ ચાહતા હૈમાં તેમણે સિદ્ધાર્થ ઉર્ફે સિડનો રોલ ભજવ્યો હતો.

એ તેમનો સૌથી યાદગાર રોલ મનાય છે. સિદ્ધાર્થનું પાત્ર ઓછું બોલનારું અને ઝાઝું વિચારનારું છે. પહેલા અક્ષયને સિડના ગંભીર નહીં, આકાશના મજાકિયા રોલ માટે લેવામાં આવેલા. ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે આમિરને નવ મહિના સુધી મનાવ્યા. એ પછી આકાશનું પાત્ર આમિરને આપ્યું અને અક્ષયને સિડના પાત્રમાં લીધા.

સલમાન ખાન ઘણી વખત કહે છે કે ડરનું પાત્ર ભજવવાનો મેં ઇનકાર ન કર્યો હોત તો મુંબઈમાં આજે મન્નત હોત નહીં. બોર્ડરમાં અક્ષય ખન્નાએ જે લેફ્ટિનન્ટ ધર્મવીરનું પાત્ર ભજવ્યું હતું તે સૌપ્રથમ સલમાન ખાનને ઑફર કરાયું હતું. તેણે ના કહી તો આમિરને, આમિરે ના કહી તો અક્ષય કુમારને, અક્ષયે ના કહી તો સૈફ અલી ખાનને, સૈફે ના કહી તો અજય દેવગનને ઑફર કરવામાં આવેલી. આ બધાએ ઇનકાર કર્યો ને અંતે આ પાત્ર આમિર ખાનની ઝોળીમાં પડયું.

તમારા નસીબમાં હોય તે અંતે તમને આવીને મળે જ. અક્ષય ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા. એટલે પાત્રમાં બિલકુલ તાજગી આવી. એટલો સુંદર અભિનય કર્યો કે ન પૂછો વાત. અજય દેવગન મલ્ટી સ્ટારર ફિલ્મમાં કામ કરવા ન માગતા હોવાથી તેમણે બૉર્ડરમાં કામ કરવાનો નનૈયો ભણી દીધો હતો. એ જ અજય દેવગને પછી જે. પી. દત્તાની એલઓસીમાં કામ કર્યું. એલઓસી ફ્લોપ ગઈ. અજયના નસીબ!

તેણે શાહરુખ સાથે ક્યારેય કામ કર્યું નથી. ન તો તેની સાથે ક્યારેય જોવા મળ્યો છે. તોય શાહરુખ અક્ષયના કામના પ્રશંસક છે. તેણે કહેલું, અક્ષયમાં વિચિત્ર રહસ્ય છે, જે તેની એક્ટિંગમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ બહુ ઓછું કામ કરે છે, અને જ્યારે કરે છે ત્યારે કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના બહુ બધા ઇમોશન્સ આપી દે છે. દર્શક તરીકે કહું તો તેમના કિરદારની જર્ની એવી હોય છે કે તમે હંમેશા અટકળ લગાવતા રહો.

અક્ષયને સ્પાય થ્રિલર્સ ખૂબ પસંદ છે. જેમ્સ બોન્ડ, બોર્ન સીરિઝ અને હોમલેન્ડ જેવી ટીવી સીરિઝ. તમે એક્ટિંગમાં શા માટે આવ્યા એ વિશે પૂછવામાં આવે ત્યારે ભાગ્યે જ કોઈ અભિનેતા પ્રામાણિક જવાબ આપી શકે. અક્ષયે આપ્યો, કારણ કે મારા પિતા એક્ટર હતા એટલે. જોકે એક્ટિંગ એક માત્ર એવી ચીજ હતી જે હું કરવા માગતો હતો અને તે કરીને ખુશ રહી શકું તેમ હતો.

પહલાજ નિહલાનીની ફિલ્મ ભાઈ-ભાઈમાં તેમણે ડાન્સ કર્યો હતો. આ ફિલ્મ માટે તેને ક્રેડિટ સુદ્ધા આપવામાં આવી નહતી. તેમાં જેને હીરો તરીકે લોન્ચ કરવામાં આવેલો તેનો આજે કોઈ અતોપતો નથી. દીપા મહેતાની ફિલ્મ ૧૯૪૭: અર્થનો કિરદાર અક્ષય ખન્ના માટે લખવામાં આવેલો જે પછી તેના ભાઈ રાહુલ ખન્નાએ ભજવ્યો.

અભિનય જગતમાં અક્ષય ખન્નાનું નામ રાહુલ ખન્નાથી મોટું છે, પણ હકીકત એ છે કે અભિનય જગતમાં રાહુલ અક્ષય કરતા મોટા હતા અને તેમની નકલ કરતા. આપકી ખાતિરમાં તેનું નામ સિંગર તરીકે આવે છે. હિમેશ રેશમિયાના ફિલ્મ નિર્દેશનમાં તેણે એક અનપ્લગ સોંગ ગાયેલું. 

પિતા વિનોદ ખન્નાના મૃત્યુ પછી જ્યારે અક્ષય ખન્નાને પૂછવામાં આવ્યું કે પિતા તરફથી મળેલા વારસા વિશે તમે શું કહેવા માગશો. તેણે જવાબ આપ્યો, બે વાત. ૧) મારા પિતાએ મને ખૂબ પ્રેમ આપ્યો. અને ૨) તેઓ હંમેશા લોકો વિશે નોન-જજમેન્ટલ રહ્યા. તેમણે ક્યારેય કોઈ વિશે ગોસિપ ન કરી. કોઈનું ક્યારેય ખરાબ ન વિચાર્યું. લોકોનો સ્વીકાર કરતા. તેમના વિશે મગજમાં કોઈ અભિપ્રાય બાંધતા નહીં. હું તેમના આ ગુણની ખૂબ પ્રશંસા કરું છું. 

તાલમાં અક્ષય ખન્નાએ માનવ મહેતાનો રોલ કર્યો હતો. તેની કરિયરની ખૂબ મોટી ફિલ્મ છે. લેખક-દિગ્દર્શક સુભાષ ઘઈએ ૧૯૯૫થી તેના પર કામ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મમાં તેઓ જેકી શ્રોફ, માધુરી અને શાહરુખને લેવા માગતા હતા, પણ એ જ સમયે તેમની ત્રિમૂર્તિ ફ્લોપ ગઈ. તેમાં શાહરુખ, જેકી અને અનિલ હતા. ઘઈ સાહેબે કાસ્ટિંગ બદલી. પરદેસમાં શાહરુખને લીધા અને અને તાલમાં તેના સ્થાને અક્ષય ખન્નાને લીધા.

ફરહાન અખ્તર અને અક્ષય ખન્નાનું કનેકશન કેવળ દિલ ચાહતા હૈ પૂરતું સીમિત નહોતું. એ પહેલા અને પછી પણ તેમણે સાથે કામ કર્યું. હિમાલય પુત્રમાં ફરહાન પંકજ પરાશરના સહાયક નિર્દેશક હતા. ૨૦૦૮માં ફરહાને બોય્ઝ ફ્રોમ ધ સ્કાય ફિલ્મ શરૂ કરી હતી. તેમાં અક્ષયને લીધેલા, પણ એ પ્રોજેક્ટ અભેરાઈ પર મુકાઈ ગયો.

જરૂરી તો નથી કે હંમેશા છવાઈ જવું. અભિનયનો અર્થ સુપર સ્ટાર હોવું, એટલો સંકુચિત કઈ રીતે હોઈ શકે? દરેક કલાકારને પોતાના ગજા પ્રમાણે અને મજા પ્રમાણે જીવવાનો હક છે. તમે શું કહો છો?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો