જેવું કરે તેવું પામે : નારાયણ સાંઇને આજીવન કેદની સજા
સાધિકા બહેનો ગંગા-જમના અને સાધક કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાનને ૧૦ વર્ષની કેદ અને દંડ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
આજથી ૧૮ વર્ષ પહેલાં સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં સત્સંગમાં આવેલી સાધિકા યુવતિ સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આસારામના પુત્ર નારાયણને આજે સુરતની કોર્ટમાં એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યના ગુના બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રૃ.૧ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
જ્યારે નારાયણ સાંઈની કામલીલામાં મદદગારી કરનાર આરોપી સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા પ્રમોદ મિશ્રા, ભાવના પટેલ ઉર્ફે જમના,કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાનને બળાત્કાર ગુજારવા તથા સૃષ્ટિ વિરુધ્ધના ગુનામાં ૧૦ વર્ષની કેદ,રૃ.૫ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફટકારી હતી.જ્યારે નારાયણના ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને મદદગારી તથા પુરાવાના નાશ કરવાના ગુનામાં કોર્ટે ૬ માસની કેદ,રૃ.૫૦૦ દંડ તથા દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા ફટકારી છે.
આસારામ સામે ઓગષ્ટ-૨૦૧૩માં જયપુરની છોકરીએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ થઇ હતી. જેથી સુરતમાં પણ આસારામ અને નારાયણના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા બહેનોને હિંમત મળી હતી. અને મોટી બહેને આસારામ સામે અને નાની બહેને નારાયણ સાંઇ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આસારામ સામેની ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર કરાઇ હતી. જ્યારે નારાયણ સાંઇ સામેની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં ઓક્ટોબર-૨૦૧૩માં દાખલ થઇ હતી.
જેમાં પીડિતાએ નારાયણ વિરુધ્ધ બળજબરીથી દુષ્કર્મ, મુખમૈથુન કારવી જાતિય શોષણ કર્યાની ફરિયાદ કરી હતી. તેમાં મદદગારી કરનાર સાધક-સાધિકાઓ ગંગા-જમના, હનુમાન અને ડ્રાઇવર સામે પણ ગુનો નોંધાયો હતો. ૧૨ વર્ષ પહેલા થયેલા દુષ્કર્મ અંગેની ફરિયાદની કેસ કાર્યવાહી ૬ વર્ષથી ચાલી રહી હતી.
ફરિયાદ બાદ નારાયણ સાંઇ ફરાર થઇ ગયો હતો અને ડિસેમ્બર-૨૦૧૩માં હરિયાણાથી દિલ્હી પોલીસના હાથે ઝડપાયો હતો. જ્યારે અન્ય આરોપી સાધક-સાધિકાઓ તબક્કાવાર સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બહુચર્ચિત એવા સાધિકા દુષ્કર્મ કેસની તપાસ દરમિયાન તપાસ અધિકારી રિયાઝ મુન્સી તથા મુકેશ પટેલે તત્કાલીન સુરત શહેર પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના તથા ડીસીપી શોભા ભૂતડાના સુપરવિઝન હેઠળ આ કેસમાં કુલ ૩૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૨૪ આરોપીઓ સામે ભાગેડુ નારાયણ સાઈ સહિત અન્ય સાધક-સાધિકાઓને ભગાડવામાં મદદ કરવા આશરો આપવાના આક્ષેપો હતા.
છેલ્લાં પાંચ- છ વર્ષથી મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત મદદગારી કરનાર ૧૦ આરોપી સાધક સાધિકા વિરુધ્ધની કેસ કાર્યવાહી બાદ ગઈ તા.૨૬મીના રોજ સુરતની એડીશ્નલ સેશન્સ કોર્ટે ૧૦ પૈકી પાંચ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ, સાધિકા બહેનો ગંગા, જમના, સાધક હનુમાનને ઈપીકો -૩૭૬ (૨)(સી), ૩૭૭, ૩૫૪, ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)૫૦૮, ૧૨૦(બી)તથા ૧૧૪ અને ૨૧૨ના ગુના નોંધાયેલા હતા.
આજે કોર્ટે ગુનેગાર ઠેરવેલા આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય પાંચ આરોપીઓને વકીલો, પક્ષકારો તથા સાધક-સાધિકાઓથી હકડેઠઠ ભરેલી કોર્ટમાં સજાની બાબતે બંને પક્ષકારોના વકીલોની રજૂઆતો બાદ મોડી સાંજે ચુકાદો જાહેર કર્યો હતો.
જેમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈને બળાત્કાર તથા સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યના ગુનામાં આજીવન કેદ, રૃ.૧ લાખ દંડ તથા તથા દંડન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય આરોપી સાધિકા ગંગા જમના તથા કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાનને પણ બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યમાં નારાયણ સાંઈને મદદગારી કરવા બદલ ૧૦ વર્ષની કેદ, રૃ.૫ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા સંભળાવી હતી. જ્યારે ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને પુરાવાના નાશ કરવા તથા મદદગારી બદલ ૬ માસની કેદ ૫ હજાર દંડ ન ભરે તો એક માસની કેદની સજા ફટકારી હતી.
મને જ નહી મારા જેવી બીજી ઘણી પીડિતાઓને ન્યાય મળ્યો છે: પીડિતા
નારાયણને ફાંસીની સજા અપાત તો તેને એક જ વાર દુ:ખ થાત પરંતુ આજીવન કેદમાં તેને કુકર્મો આખી જીંદગી યાદ રહેશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
'સત્ય પરેશાન હો શકતા હૈ પરંતુ પરાજિત નહી અને આજે સત્યની જીત થઇ છે જેની મને ખુશી છે' એમ આજે નારાયણ સાંઇને દુષ્કર્મના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ પીડિતાએ મીડિયા સાથે વાતચિતમાં જણાવ્યું હતું.
પીડિતાએ કહયું કે, આજે સત્યની જીત થઇ છે. આ નિર્ણય ખૂબ સારો છે. મને ન્યાયપ્રણાલિકા પર પહેલાથી જ વિશ્વાસ હતો. અને આજે મને જ નહી મારા જેવી બીજી ઘણી પીડિતાઓને ન્યાય મળ્યો છે. કે જેઓ ફરિયાદ માટે બહાર આવી શકી નથી. મારો પરિવાર પહેલાથી આસારામનો અનુયાયી હતી. અમે પણ બાળપણથી આશ્રમમાં જતા હતા.
સને-૨૦૧૩માં બળાત્કારની ફરિયાદ કરાયા બાદ તે પરત લેવા અને સમાધાન કરવા મને અને મારા પરિવારને ખૂબ જ પરેશાન કરાયા હતા. સને-૨૦૧૪માં મારા પતિ પર હુમલો પર કરાયો હતો.
ઘણા સાક્ષીઓના દેશના અન્ય શહેરોમાં મર્ડર થયા છે. ફોન ઉપર ધમકીઓ પણ અપાઇ હતી. પણ હું મારા નિર્ણય પર અડગ રહી હતી.પીડિતાએ ઉમેર્યું કે, મને આ ફરિયાદ કરવાની હિંમત ત્યારે મળી જ્યારે રાજસ્થાનના જોધપુરની પીડિતાએ આસારામ સામે કેસ કરવાની હિંમત કરી હતી. ત્યારે મને પણ એવું લાગતું હતું કે આસારામ વગ-પૈસાના જોરે છુટી જશે.
પણ જે રીતે કેસ ચાલ્યો અને ચુકાદો આવ્યો તેનાથી મારી હિંમત પણ સતત વધી હતી. પીડિતાએ અંતે જણાવ્યું કે, નારાયણને ફાંસીની સજા આપવામાં આવી હોત તો તેને એક જ વાર દુ:ખ થાત અને પતી જતે. પરંતુ આજીવન કેદની સજામાં તેને આખી જિંદગી યાદ રહેશે કે મેં (નારાયણે) કયા કુકર્મ કર્યા હતા તેની સજા આજે ભોગવું રહયો છું.
Comments
Post a Comment