હિમમાનવની કોરી કલ્પના કે પછી રોમાંચક હકીકત?
હિમાલયના ક્ષેત્રમાં સદીઓથી યેતિ તરીકે ઓળખાતા હિમમાનવ વસતા હોવાની વાયકા છે અને અનેક લોકો યેતિને જોયાના દાવા કરી ચૂક્યાં છે પરંતુ આજદિન સુધી યેતિનું અસ્તિત્ત્વ હોવાના પુરાવા મળ્યાં નથી
હિમાલયના પહાડોમાં યેતિ તરીકે ઓળખાતા હિમમાનવ વસતા હોવાની વાયકા તો ઘણી જૂની છે પરંતુ ભારતીય સેનાના એક દાવા બાદ ધરતી પર હિમમાનવ અસ્તિત્ત્વ ધરાવે છે કે નહીં એ અંગે નવેસરથી ચર્ચા છેડાઇ ગઇ છે. સેનાના એક પર્વતારોહી અભિયાન દળે કેટલીક તસવીરો જાહેર કરીને દાવો કર્યો છે કે યેતિના પગલાના નિશાન છે.
સેનાનું કહેવું છે કે આ માયાવી હિમમાનવ આ પહેલા માત્ર મકાલૂ-બરુન નેશનલ પાર્કમાં જ જોવા મળ્યો છે. હિમાલયના લિંબુવાન ક્ષેત્રમાં આવેલો મકાલુ-બરુન નેશનલ પાર્ક દુનિયાનું એક માત્ર સંરક્ષિત ક્ષેત્ર છે જ્યાં ૨૬ હજાર ફૂટની ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય વનની સાથે સાથે બરફાચ્છાદિત પહાડો છે.
બાળપણથી સાંભળવા મળતી કથાઓ પ્રમાણે યેતિ એક વાનર જેવું પ્રાણી છે જે સરેરાશ માનવી કરતાં ક્યાંય વધારે ઊંચુ અને શરીરે તગડું છે. યેતિના શરીર પર લાંબા વાળની ફર જેવી રુંવાટી હોય છે અને તે માનવીની જેમ બે પગે ચાલે છે. એવી માન્યતા છે કે તે હિમાલય, સાઇબીરિયા, મધ્ય અને પૂર્વીય એશિયામાં વસે છે.
આમ તો યેતિને કિવિદંતી જ માનવામાં આવે છે કારણ કે તેના અસ્તિત્ત્વને લઇને વૈજ્ઞાાનિકો એકમત નથી. આમ પણ યેતિના આકાર અને કદને લઇને અનેક વખત જુદાં જુદાં દાવા થતાં આવ્યાં છે. અમેરિકામાં પણ બિગફૂટ તરીકે ઓળખાતા વિશાળકાય જીવને જોયાના દાવા વખતોવખત થતાં રહે છે.
હિમાલય ક્ષેત્રમાં તો યેતિને લગતી વાયકાઓ એટલી પ્રચલિત છે કે જુદાં જુદાં સમૂહોમાં તેને જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. આ હિમમાનવનું યેતિ ઉપરાંત મેહ-તેહ નામ પણ પ્રચલિત છે. તિબેટી ભાષામાં યેતિને મિચે પણ કહેવામાં આવે છે જેનો અર્થ રીંછ માનવ થાય છે. તિબેટી ભાષામાં જ યેતિને મિંગોઇ અર્થાત જંગલી માનવ પણ કહેવામાં આવે છે. તો નેપાળી ભાષામાં પણ બૂન મિંચી એટલે કે જંગલી મનુષ્ય તેમજ મિરકા અને કાંગ આદમી જેવા નામો પણ ચર્ચામાં છે. લદ્દાખના કેટલાંક બૌદ્ધ મઠોએ હિમમાનવ યેતિને જોયાના દાવા કર્યાં છે.
વૈજ્ઞાાનિકો યેતિ એટલે કે હિમમાનવને ધૂ્રવીય રીંછ એટલે કે પોલર બેર અને હિમાલયના ભૂરાં રીંછની સંકર પ્રજાતિ ગણાવે છે. થોડા વર્ષો પહેલાં નેપાળના એક મઠમાં રાખવામાં આવેલી એક આંગળીનો વૈજ્ઞાાનિકોએ ડીએનએ ટેસ્ટ કર્યો હતો. એવો દાવો હતો કે આ આંગળી રહસ્યમયી યેતિની છે પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે એ આંગળી મનુષ્યની જ હતી.
હકીકતમાં યેતિ હિમાલયમાં રહેતું સૌથી રહસ્યમય પ્રાણી છે. અનેક દાયકાઓથી નેપાળ અને તિબેટના હિમાલય ક્ષેત્રમાં યેતિને જોયા હોવાના દાવા થતા આવ્યાં છે. જોકે આ દાવાઓને પ્રમાણિત કરતા પુરાવા હજુ સુધી મળ્યાં નથી. વૈજ્ઞાાનિક સમુદાય આ દાવાઓને કપોળ કલ્પિત કથાઓ ગણાવે છે.
યેતિના કિસ્સા તો છેક સિંકદરના જમાનાથી સાંભળવા મળે છે. એવી કથા છે કે ભારત પર ચડાઇ કરવા આવેલા સિંકદરે પણ યેતિને જોવાની ઇચ્છા દર્શાવી હતી કારણ કે તેણે એવી કથાઓ સાંભળી હતી કે હિમાલયમાં યેતિ તરીકે ઓળખાતો હિમમાનવ વસે છે. જોકે આધુનિક સમયમાં યેતિને લગતી વાયકા પહેલી વખત ૧૯૩૨માં પ્રકાશમાં આવી જ્યારે બી.એચ. હોજસન નામના પર્વતારોહકે પોતાની જર્નલમાં યેતિ અંગે જાણકારી આપી.
તેમણે લખ્યું હતું કે હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે તેમના ગાઇડે એક વિશાળ પ્રાણીને જોયું જે માણસની જેમ જ બે પગે ચાલતું હતું અને તેના શરીરે લાંબા વાળ હતાં. જોકે હોજસને પોતે આ પ્રાણીને નહોતું જોયું પરંતુ તેનો ઉલ્લેખ કરતા તે યેતિ હોવાનું જણાવ્યું હતું.
એ પછી તો માત્ર હિમાલય જ નહીં પરંતુ દુનિયાના ઘણાં ભાગોમાં હિમપર્વતો પર યેતિને જોયાના કે પછી તેના પગલાંના નિશાન મળ્યાના દાવા થયા. જોકે પુરાવારૂપે ક્યારેક પગલાંના નિશાન જ મળતા, એ સિવાય માત્ર વાતો જ રહેતી. અનેક પર્વતારોહીઓએ પોતાના પુસ્તકોમાં યેતિને જોયાના દાવા કર્યાં.
૧૯૨૫માં એમ.એ. ટોમબાજી નામના ફોટોગ્રાફર અને રોયલ જિયોલોજિકલ સોસાયટીના સભ્યએ લખ્યું કે તેમણે કાંચનજંઘા પર્વતમાળા પાસે જેમુ ગ્લેશિયર ખાતે ૧૫ હજાર ફૂટની ઊંચાઇએ વાળથી ઢંકાયેલી કાયાવાળા એક વિશાળકાય પ્રાણીને જોયું છે. ટોમબાજીએ સ્પષ્ટ લખ્યું કે તેમણે એ પ્રાણીને ૨૦૦ મીટર જેટલા અંતરેથી જોયું હતું. તેનું શરીર આબેહૂબ માનવી જેવું જ હતું પરંતુ આખા શરીરે લાંબા વાળ હતાં અને તેના શરીર પર કોઇ વસ્ત્ર નહોતું.
એ પછી તો હિમાલયમાં યેતિને જોયાના ઘણાં દાવા થતાં રહ્યાં પરંતુ યેતિ હોવાનો પહેલો પુરાવો ૧૯૫૧માં એરિક શિમ્પટન નામના બ્રિટીશ પર્વતારોહકે આપ્યો. હકીકતમાં શિમ્પટન માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવાના પ્રચલિત માર્ગ સિવાયનો બીજો માર્ગ શોધી રહ્યાં હતાં ત્યારે તેમણે બરફમાં વિશાળ આકારના પગલાંના નિશાન જોયા અને આ પગલાંની તેમણે તસવીરો પણ ખેંચી લીધી. પગલાંનો આકાર કેટલો મોટો છે એનો દર્શાવવા તેમણે પગલાંની પાસે પર્વતારોહીઓ ચઢાણ કરતી વખતે વાપરે છે એ હિમકુહાડી પણ મૂકી.
એરિકે આ ફોટો પશ્ચિમી એવરેસ્ટના મેન લોંગ ગ્લેશિયર પર પાડયો હતો. તેમની તસવીરમાં દેખાતા પગલાં ૧૩ ઇંચ લાંબા હતા. એરિકની તસવીરને યેતિના પુરાવા તરીકે પાડવામાં આવેલી અત્યાર સુધીની સૌથી રોમાંચક તસવીર ગણવામાં આવે છે. જોકે ભારતીય સેનાને હાલ જે પગલાંના નિશાન મળ્યાં છે એ ક્યાંય વધારે મોટા એટલે કે ૩૨ ઇંચ લાંબા છે.
એ પછી તો યેતિનો મુદ્દો એટલો ચગ્યો કે નેપાળી સરકારે ૧૯૫૦ના દાયકામાં યેતિને શોધવા માટેના લાઇસન્સ પણ જારી કર્યાં. જોકે આજ દિન સુધી યેતિને નજરોનજર જોયો હોવાનો પુરાવો કોઇ આપી શક્યું નથી. ૧૯૫૩માં સર એડમન્ડ હિલેરીએ એવરેસ્ટ પર ચઢાણ કરતી વખતે મોટા આકારના પગલાં જોયાની વાત કરી હતી. પરંતુ એ પછી ૧૯૬૦માં યેતિના પુરાવા શોધવા તેમણે એક દળની રચના કરી ત્યારે તેમના હાથ કશું લાગ્યું નહીં.
કેટલાંય લોકોનું માનવું છે કે યેતિ એ કોઇ સામાન્ય રીંછ જ હોવું જોઇએ. પરંતુ હિમાલયના બરફમાં અવારનવાર મળી આવતા પગલાંના નિશાન જોઇને યેતિ હોવાના દાવા થતાં રહ્યાં. યેતિને જોયો હોવાના અનેક દાખલા હિમાલય ખૂંદવા નીકળેલા પર્વતારોહકો અને શેરપાઓ કરતાં રહ્યાં. ૧૯૫૯માં બ્રાયન બાર્ને નામના પર્વતારોહકે યેતિના પગલાં જોયાનો દાવો કર્યો.
તો રેનોલ્ડ મેસનર નામના એક ઇટાલિયન પર્વતારોહકે તો યેતિને નરી આંખે જોયાનો દાવો પણ કર્યો. હિમાલયના વિસ્તારોમાં તો યેતિના વાયકાઓ એટલી પ્રચલિત છે કે યેતિના નામે અનેક વ્યવસાય ચાલે છે. નેપાળ અને તિબેટમાં યેતિના નામે અનેક પ્રોડક્ટ્સ વેચાય છે. નેપાળમાં તો યેતિના નામની એરલાઇન્સ પણ ચાલે છે.
થોડા વર્ષો પહેલાં હિમાલયમાંથી મળી આવેલા અનેક નમૂનાઓની ડીએનએ તપાસ કર્યા બાદ વૈજ્ઞાાનિકોએ એવો દાવો કર્યો હતો કે હિમમાનવ એટલે કે યેતિ કોઇ અલગ પ્રાણી નથી. આ તપાસ માટે દુનિયાભરના કલેક્શનો અને મ્યુઝિયમોમાંથી હાડકાં, દાંત, વાળ અને ત્વચાના નમૂના લેવામાં આવ્યાં. અનેક સ્તરે ઊંડી તપાસ કર્યા બાદ વૈજ્ઞાાનિકોએ તારણ કાઢ્યું હતું કે યેતિ તરીકે જાહેર કરી દેવાયેલા તમામ નમૂનાના ડીએનએના તાર રીંછ સાથે જોડાયેલા છે.
જિનેટિક સિક્સવન્સિંગ તરીકે ઓળખાતી અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા જાણવા મળ્યું કે મોટા ભાગના અવશેષો રીંછના છે. આ સંશોધનમાં તિબેટ, નેપાળ અને ભારતમાંથી મેળવવામાં આવેલા યેતિના કહેવાતા અવશેષોમાંથી માઇટોક્રોન્ડ્રિયલ ડીએનએ તારવવામાં આવ્યું અને તેનું જિનેટિક સિક્વન્સિંગ રચવામાં આવ્યું. રિસર્ચમાં આ અવશેષો એશિયન કાળા રીંછ તેમજ તિબેટ અને હિમાલયના ભૂરા રીંછના હોવાનું જણાયું.
વૈજ્ઞાાનિકોનો દાવો છે કે હિમાલયના ઊંચા વિસ્તારોમાં વસતા રીંછ ક્રમિક વિકાસ સાથે બદલાયા હશે. ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે હાલાકીભરી પરિસ્થિતિમાં જીવવા માટે તેમને વધારે ઉર્જા બચાવવાની જરૂર પડતી હશે તેમજ ખોરાક શોધવા માટે લાંબુ અંતર કાપવું પડતું હશે.
વેરાન પ્રદેશમાં ખોરાક અને આશરો શોધવા માટે દૂર સુધી નજર ફેંકવી પડતી હશે જેના કારણે તેઓ ક્યારેક બે પગ પર ઊભા થઇ જતાં હશે. સંશોધકોના મતે તિબેટના પહાડી ક્ષેત્રમાં જોવા મળતા ભૂરા રીંછ અને પશ્ચિમી હિમાલયમાં જોવા મળતા ભૂરા રીંછ અલગ ઝુંડના છે જે આશરે સાડા છ લાખ વર્ષ પહેલાં જુદાં પડયાં હશે.
વૈજ્ઞાાનિકોના દાવા છતાં યેતિ સાથે જોડાયેલી કલ્પના એટલી રોમાંચક છે કે શાંત થવાનું નામ જ નથી લેતી. યેતિના અસ્તિત્ત્વ પર સદીઓથી સવાલ થતાં રહ્યાં છે અને સજ્જડ પુરાવા ન મળે ત્યાં સુધી થતાં જ રહેશે. એવામાં સેનાએ રજૂ કરેલી તસવીરો બાદ યેતિ હોવાની કોરી કલ્પના છે કે પછી ખરેખર આ વિશાળકાય હિમમાનવ અસ્તિત્ત્વ ધરાવે છે એ અંગેની ચર્ચાઓ ફરી જોરમાં આવી ગઇ છે.
Comments
Post a Comment