ચાર લાખ ટ્રેક્ટર સાથે 25 લાખ ખેડૂતો રસ્તા પર ઉતરશે : ટિકૈત


આંદોલનને સાત મહિના થયા છે, હજુ 43 મહિના સુધી ચલાવીશું : ખેડૂતોની કેન્દ્રને ચીમકી

સાત રાજ્યોમાં ખેડૂતો દ્વારા રાજભવનનો ઘેરાવ અને સૂત્રોચ્ચાર કરાયો આંદોલનકારીઓને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસના શેલ છોડાયા

ગામડાઓમાં જનતા કોરોનાથી મરી રહી છે, નાના ખેડૂતો ટેકાના ભાવ ન મળતા મજૂરી કરવા મજબૂર બન્યા હોવાનો ખેડૂત નેતાનો દાવો

ઉ. પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર સામે મોરચો ખોલીશું, હિંદુ-મુસ્લિમ નહીં ખેડૂતોના મુદ્દાની વાત કરીશું

કેન્દ્ર ખેડૂતોની સાથે ફરી વાતચીત શરૂ કરવા તૈયાર, આંદોલનને સમેટી લેવામાં આવે : કૃષિ મંત્રીની અપીલ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 26મી જુને સાત મહિના વીતી ગયા હતા. આ સિૃથતિ વચ્ચે હવે ખેડૂત નેતાઓએ એલાન કર્યું છે કે આગામી દિવસોમાં આ આંદોલનને વધુમાં વધુ વ્યાપક, દેશવ્યાપી અને ઉગ્ર બનાવવામાં આવશે.

જેના ભાગરૂપે ચાર લાખ ટ્રેક્ટર સાથે 25 લાખ ખેડૂતો રસ્તા પર ઉતરશે અને કેન્દ્ર સરકારને પોતાની માગણીઓને લઇને ઘેરશે, આ જાહેરાત આંદોલનનો ચેહરો બનેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા કરવામાં આવી હતી. 

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આગામી મહિને નવમી અને 24મી જુલાઇએ ખેડૂતો દ્વારા બે મોટી રેલીઓ કાઢવામાં આવશે. જેમાં ચાર લાખ ટ્રેક્ટર સાથે 25 લાખ ખેડૂતો અને અન્ય નાગરિકો પણ જોડાશે. નવમી જુલાઇએએ શામલીથી યાત્રા નિકળશે તે દિલ્હીના સિંઘુ બોર્ડર સુધી જશે,

24મી જુલાઇએ બીજી યાત્રા કઢાશે જે બિજનૌરથી શરૂ થઇને મેરઠ થઇને દિલ્હીના ગાઝીપુર બોર્ડર સુધી જશે.  સાથે ટિકૈતે અન્ય એક જાહેરાત કરતા કહ્યું હતું કે આ ખેડૂત આંદોલન થોડા દિવસ કે મહિના માટેનું નથી, અમારી તૈયારી 43 મહિના સુધી આંદોલન ચલાવવાની છે.

જ્યાં સુધી અમારી માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારૂ આ આંદોલન સમેટાશે નહીં પણ વધુ મજબુત બનતુ જશે. ખેડૂતો કોઇ પણ ભોગે સરકારની આગળ ઝુકશે નહીં અને કૃષિ કાયદા રદ કરવા ઉપરાંત ટેકાના ભાવની કાયદેસર માન્યતાની પોતાની માગણીઓ પર અડગ રહેશે. આજે પુરા દેશના ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાઓની સામે આંદોલન ચલાવી રહ્યા છે. 

ટિકૈતે પડકાર ફેકતા કહ્યું કે આ સરકાર કાયમી નથી રહેવાની પણ ખેડૂત તો આ દેશમાં કાયમી રહેવાનો છે. આજે પરિસિૃથતિ એ છે કે 10 એકર જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો મજૂરી કરવા માટે મજબુર બન્યા છે કેમ કે તેમને ટેકાના ભાવ નથી મળી રહ્યા. આ સાથે જ આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારને ઘેરવાનું પણ આયોજન કર્યું હોવાની જાહેરાત રાકેશ ટિકૈતે કરી હતી.

 તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી નહીં લડુ પણ ખેડૂતોના મુદ્દે ભાજપનો વિરોધ કરતો રહીશ. હિંદુ કે મુસ્લિમ નહીં પણ ખેડૂતોના મુદ્દે આ ચૂંટણીઓ થશે. ગામના લોકો કોરોનાથી મરી રહ્યા છે, ખેડૂતોને ટેકાના ભાવ નથી મળી રહ્યા. સત્તા વાપસીની જાહેરાત કરી દેવામાં આવશે.

બીજી તરફ 26મી જુને ખેડૂતોના આ આંદોલનને સાત મહિના વીતી ગયા હોવાથી આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં આવેલા રાજ્યપાલના નિવાસ સૃથાન રાજભવનને ખેડૂતોએ ઘેર્યા હતા. હરિયાણા, પંજાબમાં આ આંદોલનની વ્યાપક અસર જોવા મળી. મોટી સંખ્યામાં ખેડૂતો રાજભવનની બહાર એકઠા થયા હતા, જેને પગલે પહેલાથી જ તૈનાત પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનન તેમજ આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો. 

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, કર્ણાટક વગેેરે રાજ્યોમાં આંદોલન માટે રસ્તા પર ઉતરેલા અનેક ખેડૂતો અને નેતાઓને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામા આવ્યા છે જેમને છોડવાની અમે માગણી કરી રહ્યા છીએ. 

બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂતોને આ આંદોલનને પુરૂ કરવાની અપીલ કરી હતી. આ સાથે જ જેવા ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી તે બાદ સરકાર ફરી વાતચીત માટે તૈયાર થઇ ગઇ છે. ખેડૂતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પણ પોતાની માગણીઓ રજુ કરી હતી. 

ગુપ્ત અહેવાલો બાદ દિલ્હી પોલીસ, સીઆઇએસએફ એલર્ટ

ખેડૂત આંદોલનમાં હિંસા ભડકાવવાનું પાક.ની કુખ્યાત ISIનું કાવતરૂં: રિપોર્ટ

ખેડૂતોને ઉશ્કેરીને હિંસા ફેલાવવાની મેલીમુરાદ, જે સ્થળે આંદોલન ઉગ્ર બનશે ત્યાં સુરક્ષા વધારાય તેવી શક્યતા

નવી દિલ્હી : એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફરી આગળ ધપી રહેલા ખેડૂત આંદોલન પર પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇની નજર છે. 

આ રિપોર્ટમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે આઇએસઆઇ ખેડૂત આંદોલનમાં હિંસા ભડકાવવાનું કાવતરૂ ઘડી રહી છે. જેને પગલે આંદોલન સૃથળ અને રેલીઓના રૂટ વગેરે પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ એજન્સીઓએ દિલ્હી પોલીસ અને સીઆઇએસએફને એલર્ટ કરી દીધી છે. દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇ ખેડૂતોને ભડકાવીને હિંસા કરાવી શકે છે.

જોકે ખેડૂતોને આઇએસઆઇ કેવી રીતે ભડકાવશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. 26મી જુને ખેડૂતોએ આંદોલનના સાત મહિના થતા દેશવ્યાપી દેખાવો કર્યા હતા. આ દરમિયાન એક પત્ર દિલ્હી પોલીસ અને ગુપ્ત એજન્સીઓને મોકલવામાં આવ્યો હતો. પત્ર મળ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

 સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક મેટ્રો સ્ટેશનને પણ શનિવારે થોડા કલાકો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અગાઉ જ્યારે ખેડૂત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ખાલિસ્તાન સમર્થકો દ્વારા ખેડૂત આંદોલનને હાઇજેક કરીને હિંસા ભડકાવવામાં આવી શકે છે. 26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો