જો OBCને અનામત નહીં અપાવી શકું તો રાજકારણ છોડી દઈશઃ દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
- 2019ના વર્ષમાં ભાજપ-શિવસેનાની સરકારે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને રાજકીય અનામત આપી હતી
નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર
ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં હાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અધિકારોને લઈને ખૂબ જ આક્રમક જોવા મળી રહી છે. રાજ્યની સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શનિવારે ભાજપના મહારાષ્ટ્ર એકમે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાની માગણીને લઈને રાજ્યવ્યાપી ચક્કાજામ કર્યું હતું.
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કરશે અને જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો પોતે રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે.
ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાને લઈ રાજ્યવ્યાપી ચક્કાજામ દરમિયાન નાગપુરમાં વેરાઈટી સ્ક્વેર ચોક ખાતે દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર લોકોને એમ કહીને છેતરી રહી હતી કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. હકીકતે સત્ય એ છે કે, આ મુદ્દો રાજ્ય સ્તરે જ ઉકેલી શકાય તેમ છે. રાજ્ય સરકાર કાયદો બનાવીને સ્થાનિક સંસ્થાઓમાં આરક્ષણ લાગુ કરી શકે છે.
વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, મહાવિકાસ અઘાડી સરકાર ઓબીસીનું રાજકીય આરક્ષણ પુનઃસ્થાપિત કરે અથવા મને સત્તા સોંપી દે. જો અમે 4 મહિનામાં ઓબીસીને ફરી રાજકીય આરક્ષણ નહીં અપાવી શકીએ તો રાજકારણ છોડી દઈશ.
શું છે મુદ્દો?
2019ના વર્ષમાં ભાજપ-શિવસેનાની સરકારે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને રાજકીય અનામત આપી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધેલ. કોર્ટે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટેનું અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી માટે આરક્ષિત કુલ બેઠકોના 50 ટકાથી વધારે ન હોઈ શકે.
Comments
Post a Comment