સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: વિસાવદરમાં 11 ઈંચ, દ. ગુજરાતમાં જળબંબાકાર




- 'ગુલાબ' વાવાઝોડાની અસર : મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેરઠેર પાણી ભરાયા

- રાજકોટમાં સાત ઇંચ વરસાદથી જનજીવન ઠપ : તોફાની વરસાદથી લોકો મધરાત્રે સફાળા જાગી ગયા : આજી,ન્યારી ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે, બસ ફસાઈ : વીજપુરવઠો ખોરવાયો, ડાંગમાં ઠેર-ઠેર ભેખડો ધસી પડી

- જામનગર,કાલાવડ અને ભાણવડ પંથકમાં ત્રણ યુવાનો પૂરમાં તણાતા મોત,ટંકારા-લાઠીમાં બેનો બચાવ 

- સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા હોય તેમાં ભારે વરસાદ થતા અત્ર-તત્ર-સર્વત્ર જળબંબાકાર 

- ચોટીલા પંથકમાં વિજળી પડી,એક વૃક્ષ સળગી ઉઠયું!

- કપાસ, તલ, બાજરીના પાક ધોવાયા, ખેડૂતો ચિંતિત

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત : ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના જોરદાર સૂસવાટા સાથે ભારે વરસાદ પડયાના અહેવાલો મળ્યા છે.  જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આભ ફાટયું હતું જ્યાં તાલુકાનો સરેરાશ વરસાદ ૧૦ ઈંચ નોંધાયો છે તો તાલુકાના દાદર ગામે અર્ધી કલાકમાં સાંબેલાધારે ૫ ઈંચ સાથે ૧૬ ઈંચ વરસાદ  નોંધાયો છે.

તો રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરમાં ૭ ઈંચ, ગોંડલમાં ૬ ઈંંચ, અમરેલીના રાજુલામાં ૬ ઈંચ,લીલીયામાં સાડા છ ઈંચ, અને બગસરા, જાફરાબાદમાં પણ સાડાપાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને રાજકોટ,જુનાગઢ,અમરેલી જિલ્લામાં તો દરેક તાલુકામાં ૩ ઈચથી ૫ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. અને આટલા રાત્રે હજુ વધુ વરસાદની શક્યતા જણાય છે.મહિના પહેલા અનાવૃષ્ટિથી ચિંતિત  સૌરાષ્ટ્ર હવે અતિવૃષ્ટિથી ચિંતિત બન્યું છે અને કૃષિપાકને વ્યાપક નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વિજળી ત્રાટકી હતી જેમાં ચોટીલા તાલુકામાં જાનીવડલા ગામે વિજળી પડતા બે પશુના મોત નીપજ્યા છે, તો ધારેઈ ગામે લીમડાનું એક વૃક્ષ સળગી ઉઠયું હતું.  બીજી તરફ ભરૂચમાં મંગળવારની મોડીરાતથી વરસાદ થયો હતો. પણ આજે દિવસ દરમિયાન સાડાચાર ઈંચ જેટલો વરસાદ થતાં સમગ્ર શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. દરમિયાન, ગુલાબ વાવાઝોડાની અસર તળે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહીવટીતંત્રને સાબદું કરાયું છે. ગુજરાત સરકારે બુધવારે એક બેઠક યોજી તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત-વ્યવસ્થા અંગેનું સંકલન ઘડી કાઢ્યું હતું. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી છે.

જુનાગઢમાં વિસાવદર ઉપરાંત અન્ય તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો. જેમાં ભેંસાણ તાલુકામાં ૫ ઈંચ, જુનાગઢ શહેર અને તાલુકા, કેશોદ, માળિયાહાટીના, માંગરોળ, મેંદરડામાં ચાર-ચાર ઈંચ વરસાદ તૂટી પડયો હતો તો વંથલી અને માણાવદરમાં પણ અઢી ઈંચ વરસાદ રાત્રિ સુધીમાં નોંધાયો છે. 

જ્યારે અમરેલી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ લિલિયામાં સાડા છ ઈંચ ઉપરાંત અમરેલી, રાજુલા તાલુકામાં ધોધમાર ૬ ઈંચ, બગસરા અને જાફરાબાદમાં  સાડા પાંચ ઈંચ, બાબરામાં ૫ ઈંચ, સાવરકુંડલા અને વડિયા તાલુકામાં ૪ ઈંચ, ખાંભા, લાઠી, ધારી, તાલુકામા પણ ૩ ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજુલા અને ખાંભા વચ્ચે નદીના પૂરમાં ત્રણ પશુ તણાયા હતા. તો ધારી,બાબરા,અમરેલી ત્રણેય શહેરમાં એક એક મકાન ધસી પડયા હતા અને વાવડી ગામે વિજળી ત્રાટકી હતી. લાઠી પાસે પૂરમાં એક વૃધ્ધ સ્કુટર સાથે તણાયા હતા જેને બચાવી લેવાયા હતા. 

રાજકોટ જિલ્લાના આજે રાત્રિ સુધીમાં લોધિકામાં વધુ ૭ ઈંચ વરસાદ, ગોંડલમાં ૬ ઈંચ  ઉપરાંત જામકંડોરણામાં ૫ ઈંચ, જેતપુર , રાજકોટ તાલુકા, ધોરાજી, જસદણ, કોટડાસાંગાણી, ધોરાજી તાલુકામાં ૪ ઈંચ જ્યારે પડધરી, ઉપલેટા, વિંછીયા, જસદણ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં ૩ ઈંચથી વધારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. ગોંડલ,પડધરી,જામકંડોરણા પંથકમાં ૩ ભેંસ,૪ બકરી તણાઈ જતા મોત થયાનું નોંધાયું છે. તો ટંકારાની ડેમી નદીમાં એક બાઈક તણાયું હતું જેમાં ચાલકનો બચાવ થયો હતો. 

જામનગર પંથકમાં સત્તર દિવસ પછી ફરી આભમાંથી આફત વરસી હતી. કાલાવડ તાલુકામાં ધોધમાર ૫ ઈંચ ઉપરાંત જામનગર,જામજોધપુરમાં અઢી ઈંચ, લાલપુર અને ધ્રોલ તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ વરસતા નદીઓમાં ભારે પૂર આવ્યા હતા. અને મોટરસાઈકલ સાથે પૂરમાં તણાતા ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે.  ભાણવડથી ૧૬ કિ.મી. દૂર ખંભાળિયા હાઈવે પર સાજડીયાળી ગામ નજીક મોટરસાઈકલ પર પસાર થતા રવિ સુરેશભાઈ મકવાણા (ઉ.૨૩, રહે.કુડિયા ગામ, તા.ભેંસાણ જિ.જુનાગઢ) સાંજના સમયે મો.સા.સાથે નદીના ધસમસતા પૂરમાં ખાબકતા તેનું મૃત્યુ નીપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે. તો જામનગર જિ.ના કાલાવડ પંથકમાં બસ સ્ટેન્ડ પાસે ધોરવડી નદીના બેઠા પુલ પરથી પસાર થવા જતા યુવાન બાઈક સાથે તણાયો હતો જેનો મૃતદેહ ત્રણ કલાકની શોધખોળના અંતે મળી આવ્યો હતો. યુવાનનું નામ બીજલ ભીખાભાઈ ભરવાડ (ઉ.૪૫ રહે.બસસ્ટેન્ડ પાસે, કાલાવડ) હોવાનું જાણવા મળ્યું છે જે અંગે વધુ તપાસ પોલીસ કરે છે. તો ત્રીજા બનાવનમમાં જામનગર નજીક બેડની નદીમાંથી આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેનુ નામ હરદેવસસિંહ રાજમલજી જાડેજા (ઉ.૩૦ રહે.ધરારનગર-૨,જામનગર) હોવાનું અને તે ગઈકાલે સવારે સેવકધુણીયા ગામે રહેતા તેમના માસાને મળવા ગયો હતો અને આ ગામ પાસેની નદીમાં તે તણાયો હતો. 

સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો છલકાયા છે અને તેના ઉપર ભારે વરસાદથી હવે પાણીનો ધસમસતો પ્રવાહ નદીઓમાં આવી રહ્યો છે. જેના કારણે અંતરિયાળ માર્ગો પર પસાર થવું જીવલેણ જોખમી બની ગયું છે. રાજકોટના આજી-૧ ડેમ આજે એક ફૂટે ઓવરફ્લો થતા નદીમાં પૂર આવ્યા હતા. તો ન્યારી ડેમ, શેત્રુંજી પછી ૧૦ જિલ્લાઓમાં સૌથી મોટો ભાદર ડેમના તમામ ૨૯ દરવાજા ખોલાયા હતા. મોટાભાગના ડેમોમાંથી ભારે વરસાદના પગલે લેવલ જાળવવા વેગ સાથે ધસી જતું પાણી છોડવામાં આવી રહ્યું છે  ત્યારે લોકોને નદી પાસેના નીચાણવાળા વિસ્તારમાં અવરજવર કરવાનું ટાળવા ભારપૂર્વક તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. જસદણનો આલણસાગર ડેમમાં પાણી આવતા પીવાના પ્રશ્ને નિરાંત થઈ છે તો મેંદરડામાં મધુવંતી નદીમાં ઘોડાપૂરથી રસ્તા બ્લોક થયા છે. ધોરાજીમાં પાકને નુક્શાનના અહેવાલ છે તો ઉપલેટાનો મોજ ડેમ ત્રીજીવાર છલકાયો છે. જામનગરના ૭ ડેમના દરવાજા ખોલાયા છે. ગોંડલી નદી ગાંડીતૂર થતા બેઠા પૂલ પર પાણી ફરી વળ્યા હતા.

દરમિયાનમાં ગુલાબ વાવાઝોડાની અસર સુરત  સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ૯.૫ ઇંચ સુધીના વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોળી નાંખતા જનજીવનને અસર પહોંચી હતી. સતત બે દિવસથી પડતા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થતાં કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. અને અનેક માર્ગો અને નીચા કોઝવે પાણીમાં ગરક થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. સુરતના ઓલપાડના કરંજ ગામે ભારે વરસાદમાં રાત્રે દિવાલ સાથે છાપરૂં તુટી પડતા દંપતીનું મોત થયું હતુ. દિવસે મેઘરાજા ધીમા પડતા લોકો અને વહીવટી તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા. 

હવામાન વિભાગ દ્વારા ગુલાબ વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે મંગળવારે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં દિવસના પાંચ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. બાદમાં મંગળવારની રાત્રીના આગાહી મુજબ પલસાણા બાદ ઉમરપાડા તાલુકામાં ૧૨ કલાકમાં અધધધ ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરત જિલ્લામાં વિતેલા ૩૬ કલાકમાં સરેરાશ ૪.૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદને પગલે તમામ ખાડીઓ અને નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી.  ઓલપાડના કરંજ ગામે રાત્રે ઘરમાં સુતેલું આહીર દંપતી દિવાલ સાથે પતરૂં તુટી પડતા કાટમાળ નીચે દબાઇ મર્યું હતુ. 

ગણદેવીના બંધારા પાસે વેગણીયા નદીનો કોઝવે પાણીમાં ગરક થતાં ૨૦થી વધુ પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે.  વલસાડ જિલ્લો સરેરાશ ૫ ઇંચ વરસાદથી તરબોળ થયો હતો. 

ડાંગ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ છે. જિલ્લાના ૨૨ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 

ભરૂચ જિલ્લામાં ગત મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા મેહુલિયાએ ભરૂચ જિલ્લાને જળબંબોળ કર્યું હતું.સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો.જેના કારણે જાહેર માર્ગો ઉપર કમર સમાન પાણી ભરાઇ ગયા હતા.ભરૂચની સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી બની હતી .

સમગ્ર રાત્રી દરમિયાન ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો 

 પાણીના કારણે કેટલીક શાળાઓમાં રજાઓ પણ જાહેર કરી દીધી હતી.

ધંધુકામાં છેલ્લા ૨૪ કલાકની અંદર ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો છે. ધંધુકા અને આસપાસના તાલુકાઓમાં મુશળધાર વરસાદના કારણે ભાદર નદી બે કાંઠે વહી હતી. નદીમાં પૂરના કારણે અસરગ્રસ્ત ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ જણાવ્યું છે.

નરમ બનેલું ગુલાબ વાવાઝોડું 1લીએ વધુ તીવ્ર બનશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્ર પ્રદેશને ઘમરોળ્યા પછી નબળું પડયું હતું. જોકે, હવે ગુલાબ વાવાઝોડું ૩૦મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં પ્રવેશે અને ૧લી ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના પ્રદેશ તથા ખંભાતના અખાતમાં ફરીથી તિવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નબળું પડેલું ગુલાબ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ફરીથી તિવ્ર બન્યું હતું. આ વાવાઝોડું આવતીકાલે ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્રમાં પ્રવેશી આગામી ૨૪ કલાકમાં પાકિસ્તાન તરફ ફંટાય તેવી શક્યતા છે. ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. 

ઉપરાંત દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો