પંજાબ કોંગ્રેસમાં નવજોતસિંહ સિદ્ધુનો 'કોમેડી શો'
(પીટીઆઈ) ચંડીગઢ, તા. ૨૮
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઘમાસાણ મચાયું છે. ક્રિકેટર, કોમેડી શોના જજમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ માત્ર અઢી મહિનાના સમયમાં જ મંગળવારે પંજાબ કોગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. પરિણામે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ નવી કટોકટીમાં મૂકાઈ છે. નવજોત સિદ્ધુએ સોનિયા ગાંધીના નામે લખેલા પત્રમાં રાજીનામાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતૃત્વને ફટકો આપતો સિદ્ધુનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગાંધી પરિવાર શિમલામાંથી રજાઓ ગાળીને દિલ્હી પાછો પણ ફર્યો નહોતો. વધુમાં સિદ્ધુના રાજીનામાથી પંજાબ કોંગ્રેસમાં આવેલા ભૂકંપ પછીના આફ્ટર શોકમાં નવી રચાયેલી ચન્ની કેબિનેટના બે મંત્રીઓ રઝિયા સુલતાન અને પરગટ સિંહે પણ રાજીનામા આપી દીધા છે.
પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે જ શાસક કોંગ્રેસ પક્ષ રાજ્યમાં 'અસ્થિર' બની ગયો છે અને એક પછી એક રાજકીય ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યો છે. પંજાબમાં નવી રચાયેલી ચન્ની કેબિનેટમાં મંત્રીઓને વિભાગોની ફાળવણી થયા પછી ટૂંક સમયમાં જ સિદ્ધુએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામાની જાણ કરી હતી અને કહ્યું હતું કે તેઓ પક્ષની સેવા કરવાનું ચાલુ રાખશે.
પંજાબમાં તત્કાલિન મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે નેતૃત્વના મુદ્દે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે ૧૮મી જાલુઈએ જ હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરી હતી. પ્રદેશ પ્રમુખ બનતા જ તત્કાલીન મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે તેમનો ગજગ્રાહ વધ્યો હતો. પરિણામે અમરિન્દર સિંહે હાઈકમાન્ડ પર તેમનું અપમાન થયું હોવાનો આક્ષેપ મુકીને ૧૦ દિવસ પહેલાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
નવજોતસિંહ સિદ્ધુના રાજીનામાંથી પંજાબ કોંગ્રેસમાં સર્જાયેલી ઉથલપાથલ વચ્ચે તેમના સમર્થનમાં પંજાબ કેબિનેટના મંત્રીઓ રઝિયા સુલતાના અને પરગટ સિંહે પણ રાજીનામા આપી દીધા છે. પરગટ સિંહને ચન્ની સરકારમાં શિક્ષણ મંત્રી બનાવાયા હતા જ્યારે રઝિયા સુલ્તાન કેબિનેટ મંત્રી હતા.
રઝિયા સુલ્તાન નવજોતસિંહ સિદ્ધુના રાજકીય સલાહકાર અને ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાનાં પત્ની છે. આ પહેલા પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ગુલઝાર ઈન્દર ચહલ અને યોગિન્દર ઢીંગરાએ પંજાબ કોંગ્રેસના મહાસચિવ પદેથી રાજીનામા આપી દીધા હતા. રઝિયા સુલ્તાને બે દિવસ પહેલાં જ મંત્રીપદ સંભાળ્યું હતું.
રઝિયા સુલ્તાને કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ સાથે એકતા બતાવતા મેં રાજીનામું આપ્યું છે. સિદ્ધુ સાહેબ સિદ્ધાંતોના માણસ છે. તેઓ પંજાબ અને પંજાબિયત માટે લડી રહ્યા છે. સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનું પતન સમજૂતી સાથે શરૃ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા અંગે કોઈ સમજૂતી કરી શકું નહીં. તેથી હું પંજાબ પ્રદેશ સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસની સેવા કરવાનું ચાલુ રાખીશ.
સિદ્ધુના રાજીનામા પછી પંજાબ કોંગ્રેસમાં સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. સિદ્ધુના રાજીનામા પછી યોજાયેલી પત્રકાર પરષિદમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેમના રાજીનામાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. વધુમાં સિદ્ધુ પછી વધુ બે મંત્રીઓએ રાજીનામા આપતાં ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. દરમિયાન રાજ્ય સરકારના રાજીનામાઓની વણઝારને પગલે કેપ્ટન અમરિન્દરના સમર્થકોએ વિધાનસભામાં ચરણજીત સિંહ ચન્ની સરકારના ફ્લોર ટેસ્ટની માગણી કરી છે. બીજીબાજુ આગામી રણનીતિ અંગે ચર્ચા કરવા પટિયાલામાં નવજોત સિદ્ધુના ઘરે સમર્થકો ઉમટી પડયા છે. ચન્ની પણ સિદ્ધુને મનાવવા તેમના પટિયાલા ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે.
દરમિયાન કોંગ્રેસ સૂત્રો મુજબ હાઈકમાન્ડે નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામુ સ્વીકાર્યું નથી. હાઈકમાન્ડે પહેલાં રાજ્યના નેતૃત્વને તેમના સ્તરે વિવાદનો ઉકેલ લાવવા કહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ સિદ્ધુને રાજીનામું પાછું ખેંચવા અપીલ કરી છે.
Comments
Post a Comment