અમરિન્દર અમિત શાહને મળતા ભાજપમાં જોડાવાની અટકળો : રાજકારણ ગરમાયું
- પંજાબમાં કેપ્ટન અમરિન્દરે બધા જ વિકલ્પો ખૂલ્લા રાખ્યા
- ત્રણેય કૃષિ કાયદા રદ કરવા અને એમએસપીની ગેરેન્ટી સાથે ખેડૂત આંદોલનનું સંકટ દૂર કરવા અમરિન્દરની શાહને વિનંતી
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત દિલ્હી આવેલા કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે સાંજે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સાથે જ કેપ્ટન અપમાનનો બદલો લેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. અમિત શાહ અને અમરિન્દર સિંહ વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી. અમરિન્દરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી શાહ સાથે કૃષિ કાયદા પરત લેવા, પંજાબમાં આંતરિક સલામતી મુદ્દે ચર્ચા કરી હતી.
પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું નિર્ણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. કેપ્ટન અમરિન્દરે બુધવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમની ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડયું છે. જોકે, અમરિન્દર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી.
સૂત્રોનું કહેવું છે કે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે કૃષિ કાયદાઓ મુદ્દે ચર્ચા કરી છે. કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ પરત ખેંચે નહીં ત્યાં સુધી અમરિન્દર માટે ભાજપમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનશે. અમરિન્દર સિંહ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી સતત કૃષિ કાયદાઓનો વિરોધ કરતા આવ્યા છે. તેઓ હંમેશાથી કૃષિ કાયદાના વિરોધી રહ્યા છે. આથી કૃષિ કાયદાઓ પાછા ખેંચાયા વગર જો અમરિન્દર ભાજપમાં જોડાશે તો તેમને જ વધુ નુકસાન થશે.
બીજીબાજુ અમિત શાહ સાથેની બેઠક મુદ્દે સ્પષ્ટતા કરતાં અમરીન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું કે ગૃહમંત્રી સાથે તેમને ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ હતી. તેમણે શાહ સાથે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન પર ચર્ચા કરી છે અને તેમની સાથે પાક વિવિધીકરણમાં પંજાબનું સમર્થન કરવા સિવાય કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપીની ગેરેન્ટી સાથે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી છે.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, અમિત શાહ અને અમરિન્દર સિંહ વચ્ચે ટૂંક સમયમાં વધુ એક બેઠક થઈ શકે છે અને આ સાથે વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ફાઈનલ વ્યૂહરચના તૈયાર થઈ શકે છે. વધુમાં અમરિન્દર કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ જી-૨૩ નેતાઓને પણ મળશે તેમ માનવામાં આવે છે. જોકે, અમરિન્દરે હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. તેમણે પોતાના માટે બધા જ વિકલ્પો ખૂલ્લા રાખ્યા છે. સૂત્રો મુજબ અમરિન્દર કોંગ્રેસથી છેડો ફાડે અને ભાજપમાં ન જોડાય તો તેઓ અલગ પક્ષની પણ રચના કરી શકે છે. જો એમ થાય તો પણ ભાજપને ફાયદો થશે. ભાજપ પંજાબમાં કેપ્ટન અમરિન્દરને બહારથી ટેકો આપી શકે છે.
Comments
Post a Comment