મિડ-ડે મીલ યોજના હવે PM પોષણ સ્કીમ! વિપક્ષે કહ્યું- ફક્ત નામ બદલવાથી લોકોને શું ફાયદો, સરકારે ગણાવ્યા લાભ


- આ વખતે આ યોજનામાં તિથિ ભોજન પણ સામેલ કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત સામુદાયિક રીતે લોકોને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા દેવામાં આવશે

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશભરની સરકારી અને સહ-સરકારી શાળાઓમાં બાળકો માટે ચલાવવામાં આવી રહેલી મિડ-ડે મીલ યોજનાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ યોજના હવે પ્રધાનમંત્રી પોષણ યોજના તરીકે ઓળખાશે. આગામી 5 વર્ષોમાં કેન્દ્ર સરકાર આ યોજના પાછળ 1.31 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 

કેન્દ્ર સરકાર દ્વારા આ રીતે યોજનાનું નામ બદલવામાં આવ્યું તેને લઈ રાજકીય હોબાળો ચાલુ થયો છે. વિપક્ષના અનેક દળોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેવામાં આ વિવાદ પાછળનું કારણ, સ્કીમમાં શું ફેરફાર કરાયો, વિપક્ષ શું કહે છે તે જાણીએ. 

પ્રધાનમંત્રી પોષણ યોજના શું છે? 

કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી પોષણ યોજનાને મંજૂરી આપી છે, તેના અંતર્ગત દેશની આશરે 11.5 લાખ સરકારી અને સહ-સરકારી શાળાઓમાં ચાલતી મિડ-ડે મીલ યોજનાનું સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું છે. સરકારના કહેવા પ્રમાણે આ યોજના અંતર્ગત આશરે 11.80 કરોડ બાળકોને સીધો લાભ મળશે. 

ખાસ વાત એ છે કે, આ વખતે આ યોજનામાં તિથિ ભોજન પણ સામેલ કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત સામુદાયિક રીતે લોકોને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા દેવામાં આવશે. 

કેન્દ્રની આ યોજના વર્ષ 2021-22થી વર્ષ 2025-26 સુધી લાગુ રહેશે. તેના અંતર્ગત 8મા ધોરણ સુધીના બાળકોને બપોરનું ભોજન આપવામાં આવશે. સમગ્ર યોજનાનું આર્થિક ભારણ કેન્દ્ર અને રાજ્યની સરકારો પર પડશે. જોકે રાશનનો ખર્ચો કેન્દ્ર સરકાર પોતે જ વહન કરશે. યોજના અંતર્ગત સમયે સમયે ઓડિટ, ભોજનની તપાસ, અલગ અલગ કાર્યક્રમોને સામેલ કરવામાં આવશે. 

વિપક્ષે કયા મુદ્દે સરકારને ઘેરી?

વિપક્ષ દ્વારા સરકારની આ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, ફક્ત જૂની યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે અને તેને સંપૂર્ણપણે ખાનગી હાથોમાં સોંપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું હતું કે, સરકારે મિડ ડે મીલનું નામ બદલવાના બદલે સીધું કહેવું જોઈએ કે અદાણી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકઓવર કરી રહ્યા છે. 

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, મિડ ડે મીલ સ્કીમનું નામ બદલીને પીએમ પોષણ કરી દેવામાં આવ્યું છે. નામ બદલવાથી એ કઈ રીતે સુનિશ્ચિત થશે કે ઉત્તર પ્રદેશમાં પીએમ પોષણના નામ પર પણ બાળકોને ફક્ત મીઠું-તેલ રોટલી નહીં પીરસવામાં આવે? અને જો કોઈ જમીની પત્રકારે મુદ્દો ઉઠાવ્યો તો તેણે 6 મહિના જેલમાં નહીં કાઢવા પડે? 

BJP નેતાઓ દ્વારા સ્કીમની પ્રશંસા

વિપક્ષથી અલગ કેન્દ્ર સરકારના મંત્રીઓ, ભાજપના નેતાઓએ આ નવી સ્કીમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું હતું કે, બાળકોના પોષણ અને ગુણવત્તાપૂણ શિક્ષણ પ્રત્યે મોદી સરકાર હંમેશાથી સંવેદનશીલ રહી છે. દેશભરની 11.2 લાખ કરતા વધારે સરકારી શાળાઓના 11.80 કરોડ બાળકોને મફત પૌષ્ટિક ભોજન આપવાના હેતુથી રૂ. 1.31 લાખ કરોડની #PMPOSHAN યોજનાને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો